AMC જૂના 7 ફ્રેન્ચ વેલ ફરી શરૂ કરવાની તૈયારીમાં, રોજ 17 કરોડ લિટર પાણીનો થઈ શકે ઉમેરો
AMC Plan: અમદાવાદ શહેરની ભવિષ્યની પીવાના પાણીની વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) જૂના જળસ્રોતોને ફરી કાર્યરત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. એક સમયે શહેરના પાણી પુરવઠામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા 7 ફ્રેન્ચ વેલને ફરી ઉપયોગમાં લેવા માટે યોજના તૈયાર કરવામાં આવી રહી છે. જો આ તમામ ફ્રેન્ચ વેલ ફરી કાર્યરત થાય તો અમદાવાદના જળસ્રોતમાં દરરોજ અંદાજે 170 MLD એટલે કે 17 કરોડ લિટર પાણીનો ઉમેરો થઈ શકે છે. શહેરની વધતી વસતી અને ભવિષ્યમાં વધનારી પાણીની માંગને ધ્યાનમાં રાખીને AMC દ્વારા આ વિકલ્પ પર ગંભીરતાથી વિચારણા શરૂ કરવામાં આવી છે.
ગટરના પાણીના કારણે 9 વર્ષ પહેલાં બંધ કરાયા હતા વેલ
સાબરમતી નદીમાં ગટરના પાણીનો પ્રવાહ વધતા પાણીની ગુણવત્તા પ્રભાવિત થઈ હતી. આ સ્થિતિને કારણે આશરે 9 વર્ષ પહેલાં તમામ 7 ફ્રેન્ચ વેલ બંધ કરવામાં આવ્યા હતા. હવે સાબરમતીમાં ગંદા પાણીનો પ્રવાહ ઘટાડવા અને પાણીની ગુણવત્તા સુધારવા માટે AMC દ્વારા વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ કામગીરી બાદ જૂના ફ્રેન્ચ વેલને ફરી જીવંત કરી શકાય કે નહીં તેની ચકાસણી કરવાની તૈયારી શરૂ થઈ છે.
જૂના વેલ રિપેર થશે કે નવા બનાવવા પડશે?
ફ્રેન્ચ વેલના હાલના માળખાને સંપૂર્ણ તોડી ફરીથી બાંધકામ કરવું ખર્ચાળ સાબિત થઈ શકે છે. તેથી જૂના કૂવાનું સમારકામ કરીને ફરી ઉપયોગમાં લઈ શકાય કે પછી નવા વેલ બનાવવાની જરૂર પડશે તે અંગે ટેક્નિકલ અભ્યાસ હાથ ધરવામાં આવશે. AMC આ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની તૈયારી કરી રહ્યું છે. કન્સલ્ટન્ટ દ્વારા વેલની માળખાકીય સ્થિતિ, પાણીની ગુણવત્તા, રિપેરિંગની શક્યતા અને સંભવિત ખર્ચનો અભ્યાસ કરવામાં આવશે.
હાલ શહેરમાં પાણીની તાત્કાલિક અછત નથી
AMCના જણાવ્યા મુજબ હાલ અમદાવાદમાં પીવાના પાણીની તાત્કાલિક અછત નથી. શહેરને નર્મદા કેનાલ, શેઢી બ્રાંચ કેનાલ તેમજ અન્ય જળસ્રોતોથી પૂરતું કાચું પાણી મળી રહ્યું છે. જોકે અમદાવાદનો વિસ્તાર અને વસતી સતત વધી રહ્યા છે. આગામી વર્ષોમાં પાણીની માગ વધે ત્યારે જૂના ફ્રેન્ચ વેલ મહત્ત્વના વધારાના જળસ્રોત તરીકે ઉપયોગી બની શકે છે.
ઇન્દિરા બ્રિજથી વાડજ સુધી આવેલા છે ફ્રેન્ચ વેલ
આ 7 ફ્રેન્ચ વેલ ઇન્દિરા બ્રિજ, કેશવનગર, મોટેરા, સાબરમતી અને વાડજ નજીક આવેલા છે. એક સમયે આ વિસ્તારોમાં આવેલા વેલમાંથી પાણી મેળવી શહેરના પીવાના પાણીના પુરવઠામાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો ટેક્નિકલ તપાસ બાદ પાણીની ગુણવત્તા યોગ્ય જણાશે અને જૂના માળખાનું સમારકામ શક્ય બનશે તો આ ફ્રેન્ચ વેલને ફરી શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાનો ભાગ બનાવવામાં આવી શકે છે.
2017ના પૂર બાદ સાબરમતીના પાણીની ગુણવત્તા બગડી
સૂત્રોના જણાવ્યા મુજબ સાબરમતીના પાણીની ગુણવત્તા બગડવાની શરૂઆત 2017 દરમિયાન થઈ હતી. બનાસકાંઠા સહિત ઉપરવાસના વિસ્તારોમાં આવેલા ભારે પૂર બાદ સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધ્યું હતું અને બેક્ટેરિયાનું પ્રમાણ પણ વધ્યું હોવાનું સામે આવ્યું હતું. પશ્ચિમ અમદાવાદમાં ચંદ્રભાગા કેનાલમાંથી ગેરકાયદે ગટરના પાણીનો નિકાલ સાબરમતીમાં થતો હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. પૂર્વ અમદાવાદમાં કોતરપુર, નાના ચિલોડા અને આસપાસના વિસ્તારોમાંથી પણ ગટરનું પાણી નદીમાં પ્રવેશતું હોવાનું જણાવાયું હતું. ગટરના પાણીના સતત પ્રવાહથી નદીના પાણીની ગુણવત્તા પર અસર થતાં અંતે તમામ 7 ફ્રેન્ચ વેલ બંધ કરી દેવામાં આવ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
1,600 MLD પાણીનું શુદ્ધીકરણ કરે છે AMC
અમદાવાદ શહેરને હાલમાં નર્મદા કેનાલ, શેઢી બ્રાંચ કેનાલ અને ભૂગર્ભ જળ સહિતના સ્ત્રોતોમાંથી પાણી મળે છે. લોકોના ઘર સુધી પાણી પહોંચાડતા પહેલાં તેનું શુદ્ધીકરણ કરવામાં આવે છે. AMC કોતરપુર, જાસપુર અને રાસ્કા ખાતેના જળ શુદ્ધીકરણ પ્લાન્ટમાં આશરે 1,600 MLD પાણીની પ્રક્રિયા કરે છે. કોતરપુર ખાતે 60 MLD ક્ષમતાનો ગટર શુદ્ધીકરણ પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. કોતરપુર અને આસપાસના વિસ્તારોમાંથી આવતું ગટરનું પાણી સીધું સાબરમતીમાં ન જાય તે માટે આ પ્લાન્ટમાં તેની પ્રક્રિયા કરવામાં આવે છે.
સાબરમતીની પાણીની ગુણવત્તા સુધારવા વિવિધ પ્રોજેક્ટ
AMC દ્વારા સાબરમતી નદીમાં પ્રદૂષણ ઘટાડવા બાયોરીમેડિયેશન પ્રોજેક્ટ પણ અમલમાં મૂકવામાં આવ્યો છે. ઉપરાંત સ્ટોર્મ વોટર આઉટફોલ લાઇનોમાંથી ગટરના પાણીનો પ્રવાહ રોકવા માટે પણ કામગીરી કરવામાં આવી છે. આ તમામ પગલાંથી સાબરમતીના પાણીની ગુણવત્તામાં સુધારો થવાની અપેક્ષા છે. જો પાણીની ગુણવત્તા નિર્ધારિત ધોરણ મુજબ રહેશે તો જૂના ફ્રેન્ચ વેલ ફરી કાર્યરત કરવાનો માર્ગ સરળ બની શકે છે.
ભવિષ્યમાં અમદાવાદને મળશે વધારાનો જળસ્રોત
7 ફ્રેન્ચ વેલ ફરી શરૂ થાય તો અમદાવાદને દરરોજ 170 MLD એટલે કે 17 કરોડ લિટર વધારાનું પાણી મળી શકે છે. શહેરના સતત વિસ્તરણ અને ભવિષ્યની પાણીની માગને ધ્યાનમાં લેતાં આ યોજના લાંબા ગાળે મહત્ત્વની સાબિત થઈ શકે છે.












