અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ રથયાત્રા 2026: સરસપુરની લુહાર શેરીમાં રસોડા ધમધમ્યા, પહેલો રથ જમાલપુર દરવાજા બહાર નીકળ્યો

અમદાવાદ: આજે પવિત્ર અષાઢી બીજના દિવસે ગુજરાતની આસ્થાનું પ્રતીક અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. સૂર્યોદય સાથે જ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા છે અને લાખો ભક્તોને અલૌકિક દર્શનનો લાભ આપી રહ્યા છે.

મોસાળ સરસપુરમાં ભક્તોમાં ભારે ઉત્સાહ

પ્રભુના મોસાળ સરસપુરમાં અત્યારે ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે અને ભગવાનના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. મોસાળવાસીઓ ભાણેજના સ્વાગત માટે તત્પર છે, જેમાં લુહાર શેરી ખાતે ભક્તોની ભોજનપ્રસાદી માટેના વિશાળ રસોડા ધમધમી રહ્યા છે. બીજી તરફ, સરસપુરના મુખ્ય મંદિરમાં દર્શનાર્થીઓનું કીડિયારું ઉભરાયું છે. આ વર્ષે ભગવાનને પરંપરાગત મામેરું ધરવાનો લહાવો લેનાર દવે પરિવાર દ્વારા પણ તમામ તૈયારીઓ આખરી ઓપમાં છે. સોના-ચાંદીના દાગીના અને કિંમતી વાઘા સાથેનું આ ભવ્ય મામેરું થોડી જ વારમાં વાજતે-ગાજતે નીકળશે અને પ્રભુ જગન્નાથજીના ચરણોમાં અર્પણ કરવામાં આવશે

મોસાળના મુખ્ય રણછોડરાય મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જામી છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ લાંબી કતારો લગાવીને ઉભા છે. મોસાળમાં પ્રભુના શાહી સ્વાગત અને દર્શનનો મહિમા અનોખો હોવાથી સમગ્ર ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ અહીં ઉમટ્યું છે. મંદિર પરિસર અત્યારે ‘જય રણછોડ’ના નાદથી ગુંજી રહ્યું છે અને ભક્તો ભાવવિભોર થઈને પ્રભુના દિવ્ય સ્વરૂપના દર્શનનો લાભ લઈ રહ્યા છે.

મંદિરમાં ભક્તિનો અનોખો માહોલ

જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર આજે રંગબેરંગી લાઇટોના આલોકમાં ઝળહળી રહ્યું છે. વહેલી સવારે 3.30 વાગ્યાથી જ ભક્તો લાઇનમાં ઊભા રહીને મંગળા આરતીના દર્શન માટે તલપાપડ થઈ રહ્યા હતા. મંદિરની અંદર ઢોલ-નગારા અને શરણાઈના સૂરથી વાતાવરણ ગુંજી રહ્યું હતું, જ્યારે બહાર “જય રણછોડ માખણ ચોર” અને “જય જગન્નાથ”ના જયઘોષથી આકાશ ગૂંજી રહ્યું હતું.

મંદિરની અંદર-બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી ભક્તો નિર્ભય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં દર્શન કરી શકે.

રથયાત્રાનો રૂટ

રથયાત્રા નીચેના માર્ગે આગળ વધી રહી છે: જગન્નાથ મંદિર → AMC ઓફિસ → ઢાળની પોળ → રાયપુર ચકલા → ખાડિયા → કાલુપુર રેલ્વે સ્ટેશન → કાલુપુર દરવાજા → સરસપુર → પ્રેમ દરવાજા → દિલ્હી ચકલા → શાહપુર દરવાજા → આર.સી. હાઈસ્કૂલ → ઘી કાંટા → માણેકચોક → જગન્નાથજી મંદિર

રથયાત્રાની વિશેષતાઓ

આ વર્ષે રથયાત્રા અનેક આકર્ષણો સાથે નીકળી છે:

  • 18 સુશોભિત ગજરાજ
  • 30 અખાડા
  • 101 થીમ આધારિત ટ્રક (ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા)
  • 18 ભજન મંડળી
  • 3 બેન્ડવાજા
  • 2500થી વધુ સાધુ-સંતો
  • 1000થી 1200 ખલાસી રથ ખેંચશે

ગજરાજના પ્રસ્થાન બાદ વિવિધ આકર્ષક ટેબ્લોથી સજ્જ ટ્રકો પણ યાત્રામાં જોડાઈ ગઈ છે, જે આખા રૂટ પર ભક્તોનું આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

આજનો આ દિવસ ફરી એક વાર પુરવાર કરે છે કે અમદાવાદની રથયાત્રા માત્ર એક તહેવાર નથી, પરંતુ ભક્તિ, સંસ્કૃતિ, એકતા અને આસ્થાનો અનોખો મેળો છે.

આ પણ વાંચો: UAEમાંથી 60 ભારતીયો ડિપોર્ટ: સુરત એરપોર્ટ પર પહોંચ્યા, ઇમિગ્રેશને કરી કડક તપાસ

Back to top button