ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UAEમાંથી 60 ભારતીયો ડિપોર્ટ: સુરત એરપોર્ટ પર પહોંચ્યા, ઇમિગ્રેશને કરી કડક તપાસ

સુરત: સંયુક્ત આરબ અમીરાત (UAE)માં સ્થાનિક કાયદા અને નિયમોના કથિત ભંગના આરોપસર ડિપોર્ટ કરાયેલા 60 ભારતીય નાગરિકો બુધવારે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી પહોંચ્યા છે.

એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX-274 વડે આ તમામ મુસાફરો સુરત પહોંચ્યા હતા. વિદેશમાં કાયદાકીય મુશ્કેલીમાં સપડાયેલા આ લોકો ભારત પરત ફરતાં જ એરપોર્ટ પર સુરક્ષા અને ઇમિગ્રેશન એજન્સીઓ સતર્ક બની ગઈ હતી.

દુબઈ ભારતીય દૂતાવાસની મદદ

મળતી માહિતી અનુસાર, ડિપોર્ટ પહેલાં દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસે આ તમામ નાગરિકોની વહારે આવીને જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. દૂતાવાસ દ્વારા તેમને ‘ઇમરજન્સી સર્ટિફિકેટ’ અથવા અસ્થાયી પ્રવાસ દસ્તાવેજો પૂરા પાડવામાં આવ્યા હતા. UAE સત્તાવાળાઓએ સ્થાનિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ લોકોને ભારત પરત મોકલી દીધા હતા.

એરપોર્ટ પર કડક ચકાસણી

ફ્લાઇટ સુરત એરપોર્ટ પર લેન્ડ થતાં જ ઇમિગ્રેશન વિભાગે તમામ ૬૦ મુસાફરોની વિગતવાર પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી. તેમના પ્રવાસ દસ્તાવેજો, પૃષ્ઠભૂમિ અને અન્ય વિગતોની ઝીણવટભરી ચકાસણી કર્યા બાદ જ તેમને એરપોર્ટની બહાર જવાની મંજૂરી આપવામાં આવી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આમાં મોટાભાગના લોકો બિહાર, ઉત્તર પ્રદેશ અને પંજાબના રહેવાસી છે. તેઓ રોજગારી અથવા અન્ય કારણોસર UAE ગયા હતા.

UAEમાંથી ડિપોર્ટ થયેલા ભારતીય નાગરિકોની સંખ્યા વધતી જતી હોવાના સમાચારો વચ્ચે આ ઘટના મહત્વની બની છે. વિદેશમાં કામ કરતા ભારતીયોને સ્થાનિક કાયદા-કાનૂનનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

સુરત એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સતર્ક આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને એરપોર્ટ અને સંબંધિત વિભાગો વધુ સતર્ક રહેવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: અર્જેંટિના સતત બીજી વાર ફુટબોલની ફાઈનલમાં પહોંચી, જીતના જશ્નમાં ભાન ભૂલ્યા

Back to top button