અમદાવાદ ભક્તિમય બન્યું: અષાઢી બીજે જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન

અમદાવાદ: આજે પવિત્ર અષાઢી બીજના દિવસે અમદાવાદ નગરી ભક્તિના અનોખા રંગે રંગાઈ ગઈ છે. અમદાવાદના સુપ્રસિદ્ધ નિજમંદિરમાંથી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા ભવ્ય અને ભક્તિમય વાતાવરણમાં પ્રસ્થાન કરવા માટે તૈયાર છે.
વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનું કીડીયારું ઉભરાઈ ગયું છે. લાખો શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ચારેય તરફ “જય રણછોડ, માખણ ચોર” અને “જય જગન્નાથ”ના ગગનભેદી નાદથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું છે.
ભગવાનને રથમાં બિરાજમાન કરાયા
રથયાત્રાની પરંપરાગત વિધિ અનુસાર, ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટા ભાઈ બલરામજીને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે રથમાં વિરાજિત કરવામાં આવ્યા છે. ત્રણેય દિવ્ય સ્વરૂપોને રથમાં જોઈને ભક્તોની આંખો ધન્યતાથી છલકાઈ રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે પહિંદ વિધિ
પરંપરા અનુસાર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરીને પવિત્ર પહિંદ વિધિ સંપન્ન કરશે. આ વિધિ બાદ જ ત્રણેય રથો નિજમંદિરમાંથી નીકળીને નગરચર્યા માટે પ્રસ્થાન કરશે. આ વિધિ એ વાતનું પ્રતીક છે કે ભગવાનની નજરમાં રાજા-પ્રજા સૌ સમાન છે.
પરંપરા, આસ્થા અને એકતાનો અનોખો સંગમ
આ 149મી રથયાત્રામાં પરંપરા, આસ્થા અને સામાજિક એકતાનો અદ્ભુત મેળાપ જોવા મળી રહ્યો છે. યાત્રામાં આગળ વધતા ગજરાજાઓ, દેશભરમાંથી આવેલા અખાડાના સાધુ-સંતોના કરતબો અને વિવિધ ભજન મંડળીઓ ભક્તો માટે મુખ્ય આકર્ષણ બન્યા છે.
સમગ્ર રૂટ પર વિવિધ સમાજો અને સંગઠનો દ્વારા રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ઠેર-ઠેર મહાપ્રસાદ અને સેવાકીય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ભક્તોને નિર્ભય અને સુરક્ષિત વાતાવરણમાં રથયાત્રા માણી શકે તે માટે અમદાવાદ પોલીસ પ્રશાસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
આજનો આ દિવસ અમદાવાદ માટે માત્ર તહેવાર નથી, પરંતુ ભક્તિ, સંસ્કૃતિ અને સમરસતાનો પર્વ છે.
આ પણ વાંચો: Ahmedabad Rath Yatra 2026 : નાથ નગરચર્યાએ નીકળ્યા, CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી કરી પવિત્ર પહિંદવિધિ












