GST ઘટાડા બાદ LICને ચાંદી જ ચાંદી, પહેલા જ દિવસે 1,100 કરોડની આવક

નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર, 2025: સરકારી વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)માં જીએસટી સુધારા લાગુ થવાના પહેલા જ દિવસે 1,100 કરોડ રૂપિયાની આવક નોંધાઇ છે. આ જાણકારી રિપોર્ટ્સમાં આપવામાં આવી છે. આ આંકડા ઘણા મહત્ત્વપૂર્ણ છે, કેમ કે LICને રિટેલ પોલિસીધારકો પાસેથી આશરે રૂ. 5,000 કરોડ રૂપિયાની માસિક પ્રિમીયમની આવક પ્રાપ્ત થાય છે. જીએસટી 2.0 પછી પહેલા જ દિવસે જોવા મળેલો આવકપ્રવાહ પાલિસીધારકોની વચ્ચે સકારાત્મક ભાવના અને વીમા ક્ષેત્ર માટે સંભવિત પ્રોત્સાહન દર્શાવે છે.
ઉદ્યોગ નિષ્ણાતોના અનુસાર GST નાબૂદ થવાથી પરંપરાગત જીવન વીમા પોલિસી ખરીદદારો માટે વધુ સસ્તી અને આકર્ષક બની છે, જેનાથી આગામી મહિનાઓમાં વેચાણમાં વધારો થવાની ધારણા છે. આ નાણાકીય વર્ષની શરૂઆતમાં, LICએ નફા અને પ્રીમિયમ આવક બંનેમાં સતત વૃદ્ધિ નોંધાવી હતી. GST સુધારા હેઠળ, સરકારે આરોગ્ય અને વ્યક્તિગત જીવન વીમા પોલિસી પરનો કર ઘટાડીને શૂન્ય કર્યો હતો, જે અગાઉ 18 ટકા હતો.
LICનો નફો વધ્યો
કંપનીએ નાણાકીય વર્ષ 26 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રૂ. 10,957 કરોડનો સંયુક્ત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળા (Q1 FY25)ની તુલનામાં 3.91 ટકાનો વધારો છે. LICના ચોખ્ખા પ્રીમિયમની આવક પણ 4.7 ટકા વધીને રૂ. 1,19,618 કરોડ થઈ છે. પ્રથમ વર્ષની પ્રીમિયમ આવકમાં LIC 63 ટકાથી વધુ બજાર હિસ્સા સાથે જીવન વીમા ઉદ્યોગમાં તેનું નેતૃત્વ જાળવી રાખે છે.
LICનો બજાર હિસ્સો 63.51 ટકા છે
LICના CEO અને MD આર. દોરાઈસ્વામીએ 7 ઓગસ્ટના રોજ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન, પ્રથમ વર્ષની પ્રીમિયમ આવકના આધારે અમારો એકંદર બજાર હિસ્સો 63.51 ટકા હતો અને અમે વ્યક્તિગત અને જૂથ વ્યવસાય બંનેમાં અમારી અગ્રણી સ્થિતિ જાળવી રાખી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનો અલાયદો ચોખ્ખો નફો 5 ટકા વધીને રૂ. 10,986.51 કરોડ થયો છે.
આ પણ વાંચોઃ અમેરિકાના 100 ટકા ટેરિફની વચ્ચે ચીને ભારતીય ફાર્મા ઉદ્યોગ માટે ખોલ્યા દરવાજા, અબજો ડોલરની નિકાસનો રસ્તો સાફ












