રાજકોટ નજીક હડમતીયા ફાળદંગ વચ્ચે અકસ્માત, દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઇકો કાર સાથે અથડાઈ

રાજકોટ, 18 ફેબ્રુઆરી 2026: રાજકોટ જિલ્લાના હડમતીયા અને ફાળદંગ ગામ વચ્ચે આજે એક સનસનાટીભર્યો માર્ગ અકસ્માત સર્જાયો હતો. દારૂનો જથ્થો ભરીને પૂરપાટ ઝડપે જઈ રહેલી એક સ્વિફ્ટ કારે સામેથી આવતી ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ પકડાઈ જવાની બીકે બુટલેગર પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ દુર્ઘટનામાં ઇકો કારમાં સવાર એક મહિલાને ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ પાસે આવેલા હડમતીયા અને ફાળદંગ ગામના માર્ગ પર એક સ્વિફ્ટ કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સામેથી આવતી ઇકો કાર સાથે તે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જોકે, સ્વિફ્ટ કારનો ચાલક અકસ્માત સર્જીને તકનો લાભ લઈ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
આજી ડેમ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, ઈકો કાર સામેથી આવી રહી હતી તે દરમિયાન બુટલેગરે કારને અકસ્માત કર્યો હતો અને આજી ડેમ પોલીસે અજાણ્યા કાર ચાલકની સામે ગુનો નોંધ્યો હતો, દારૂની 396 બોટલ ભરેલી સ્વિફ્ટ કાર નવાગામ આણંદપરમાં રહેતા મનસુખ પરાલિયાની હોવાનું ખુલ્યું છે.












