ટ્રેન્ડિંગનેશનલ

‘પહેલા રાજીનામું આપો, પછી જ્યાં જવું હોય ત્યાં જાઓ’, AAPના બાગી સાંસદોને સંજય સિંહનો સ્પષ્ટ સંદેશ

Sanjay Singh: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટી વિરુદ્ધ બળવો કરનારા 7 રાજ્યસભા સાંસદોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે, તમે જે પાર્ટીમાંથી ચૂંટાઈ આવ્યા છો તેની સાથે મતભેદ હોય તો તમે રાજીનામું આપો અને જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો.

સાતેયની સભ્યતા રદ્દ થશે – સિંહ

સંજય સિંહે જણાવ્યું કે ઘણા સંવિધાન નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે આમ આદમી પાર્ટીના જે 7 સાંસદોએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે, તેમની સભ્યતા રદ્દ થશે. અમે કપિલ સિબ્બલ સહિત અન્ય નિષ્ણાતોની સલાહ લઈને દેશના ઉપરાષ્ટ્રપતિને એક અરજી મોકલી છે. તેમાં અમે વિનંતી કરી છે કે સભાપતિ આ તમામ સાંસદોની સભ્યતા રદ્દ કરે અને આ મુદ્દે શક્ય તેટલો જલ્દી નિર્ણય લે.

પંજાબના લોકો સાથે દગો કર્યો

સંજય સિંહે આગળ કહ્યું કે આ તમામ લોકોએ માત્ર પાર્ટી સાથે જ નહીં પરંતુ પંજાબના લોકો સાથે પણ દગો કર્યો છે. તેમણે જણાવ્યું કે, “તમે જે પક્ષમાંથી ચૂંટાઈને આવ્યા છો તેની સાથે મતભેદ હોય તો તમે રાજીનામું આપો અને જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો.”

રાઘવ ચઢ્ઢાએ શું જાહેરાત કરી હતી?

શુક્રવારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠકે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે તેઓ અને પાર્ટીના અન્ય પાંચ રાજ્યસભા સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ચઢ્ઢાએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીના 10 રાજ્યસભા સભ્યોમાંથી સાત ભાજપમાં જોડાશે.

ચઢ્ઢાએ કહ્યું, “સંવિધાન મુજબ કોઈ પણ પાર્ટીના કુલ સાંસદોમાંથી બે તૃતીયાંશ સાંસદો બીજી પાર્ટીમાં ભળી શકે છે.” તેમણે પત્રકારોને જણાવ્યું કે, “આ મુદ્દે અમે આજે રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને એક પત્ર આપ્યો છે અને તમામ જરૂરી દસ્તાવેજો સોંપી રહ્યા છીએ.”

ચઢ્ઢાએ વધુમાં જણાવ્યું કે ભાજપમાં જોડાનારા અન્ય ‘આપ’ના રાજ્યસભા સભ્યોમાં હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમ સાહની, સ્વાતી માલીવાલ અને અશોક મિત્તલનો સમાવેશ થાય છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ચઢ્ઢા સાથે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સંદીપ પાઠક અને અશોક મિત્તલ પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: “જે પણ ભાજપ અને RSS સામે લડે છે, તેના પર આ લોકો…”, બંગાળમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન

Back to top button