બનાસકાંઠાના જસરા ગામે ટ્રેક્ટર ચાલુ રાખીને દંપતીની હત્યા કરાઇ હતી, ભેદ ખૂલતાં 4 આરોપી પકડાયા

અમદાવાદ: 19 જુન 2025: Banaskantha Lakhani Double murder case બનાસકાંઠાના લાખણીના જસરા ગામે બે દિવસ પહેલા એસએમસીના પીઆઇ એ.વી પટેલના માતા-પિતાની ઘાતકી હત્યા કરી લૂંટ કરાઈ હતી જેને લઈને હડકંપ મચી ગયો હતો. જોકે ગણતરીના કલાકમાં જ આ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો અને પાડોશી અને ભૂવા સહિત 4 જણને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં સુરેશભાઈ શામળાભાઈ પટેલ, શામળાભાઈ રૂપાભાઈ પટેલ (બન્ને રહે. જસરા),ઉમાભાઈ ચેલાજી પટેલ, દીલીપજી મફાજી ઠાકોર(બન્ને રહે. રામપુરા, ડીસા)નો સમાવેશ થાય છે.
કાળા જાદુથી વધુ ધન મેળવવા દંપતીની હત્યા કરાઇ
હત્યારા પાડોશી પિતા પુત્રે કાળા જાદુથી ધન પ્રાપ્તિ માટે હત્યા કરી બ્લેક મેજિકથી લૂંટ કરેલા દાગીનાથી વધુ ધન મળશે એવી અંધશ્રદ્ધાથી હત્યા કરી હતી. 2.50 લાખના દાગીનાની લૂંટ ચલાવી હોવાનો ખુલાસો થયો છે.
80થી વધુ CCTVની ચકાસણી કરી
રવિવારની રાત્રે વૃદ્ધ દંપતી વર્ધાજી મોતીજી પટેલ અને હોશીબેન વર્ધાજી પટેલ પોતાના ખેતરમાં આવેલા મકાનની ઓસરીમાં સૂતા હતા ત્યારે રવિવાર રાતથી સોમવાર સવારના 6 વાગ્યા વચ્ચે અજાણ્યા ઈસમોએ ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારોથી બંનેની હત્યા કરી હતી. એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. કુલ 80 થી વધુ CCTV ચકાસ્યા હતા અને 300 જેટલા લોકોની પૂછપરછ કરી હોવાનું પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ કહ્યું હતું.
પૈસાની તંગીથી છુટકારો મેળવવા અંધશ્રદ્ધાનો માર્ગ અપનાવ્યો
ડોગ સ્કોડ, ફિંગરપ્રિન્ટ, ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સથી પણ તપાસ હાથ ધરી હતી. દરમિયાન તપાસમાં ખુલ્યું કે મૃતક દંપતીના પડોશી મુખ્ય હત્યારા સુરેશભાઈ શામળાભાઈ પટેલ અને તેમના પિતા શામળાભાઈ રૂપાભાઈ પટેલે પૈસાની તંગીથી કાયમી છૂટકારો મેળવવા અંધશ્રદ્ધા સાથે કાળાજાદુનો માર્ગ અપનાવ્યો હતો.
ટ્રેક્ટર ચાલુ રાખીને કરી હત્યા
સુરેશ પટેલના મામા ઉમાભાઈ ચેલાજી પટેલ અને દીલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી સાથે મળીને આ કાવતરું રચ્યું હતું. દંપતિની હત્યા કરતી વખતે તેમની ચિસો સંભળાય નહી તે માટે કાવતરામાં સામેલ રામપુરાનો ઉમાભાઇએ ખેતરમાં ટ્રેકટર ચાલુ રાખ્યું હતુ. જે દરમિયાન સુરેશ તેનો પિતા શામળ અને દિલીપ ઠાકોરે વૃધ્ધ દંપતિની ઠંડા કલેજે હત્યા કરી હતી. હોશીબેનના પગમાંથી કડલા કાઢી ન શકતા હત્યારાઓ તેમના બંને પગ કાપી નાખ્યા હતા.
આ પણ વાંચો : ફરી પાકિસ્તાનને ચિંતા, અરબી સમુદ્ર ક્ષેત્રમાં શું થવાનું છે? શા માટે વાયુસેનાના વિમાનો ઉડાન ભરશે?
આ પણ વાંચો : પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ વોટીંગ કર્યું, જાણો અત્યારસુધીમાં કેટલું મતદાન થયું












