કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

જૂનાગઢમાં ગેરકાયદેસર જંગલ પ્રવેશ બદલ ભાજપ કોર્પોરેટર સહિત 5ની અટકાયત

જૂનાગઢ 27 ઓક્ટોબર 2025: જૂનાગઢના ગિરનાર જંગલના રામનાથ રાઉન્ડ વિસ્તારમાં વન વિભાગે ગેરકાયદેસર સિંહ દર્શન અટકાવવા માટેના પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વન વિભાગની ટીમે ગેરકાયદેસર રીતે જંગલમાં પ્રવેશેલા જૂનાગઢના વોર્ડ નંબર 2ના ભાજપ કોર્પોરેટર શાહબાઝખાન અયુબખાન બ્લોચ સહિત પાંચ વ્યક્તિઓની અટકાયત કરી. આ ગ્રૂપ પર વન્યજીવ સંરક્ષણ કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે, અને વન વિભાગે રૂ. 1.25 લાખનો દંડ ફટકાર્યો છે.

અટકાયત કરાયેલા અન્ય ચાર વ્યક્તિઓમાં કયુમ હનીફ જેઠવા, સાકીર સાજીદ મલેક, હુસેન સિદ્દીકભાઈ મલેક અને પરવેઝ ઈકબાલ મલેકનો સમાવેશ થાય છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ગ્રૂપે ગિરનાર જંગલના સંરક્ષિત વિસ્તારમાં પરવાનગી વિના પ્રવેશ કર્યો હતો, જે ગેરકાયદેસર સિંહ દર્શનનો પ્રયાસ હોવાનું મનાય છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વન્યજીવોની સુરક્ષા માટે જોખમરૂપ છે અને ગિરનારના નાજુક ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે.

વન વિભાગે જણાવ્યું કે, ગિરનાર જંગલમાં સિંહોની હાજરીને કારણે ગેરકાયદેસર પ્રવેશ પર કડક નજર રાખવામાં આવે છે. આ ઘટના બાદ પેટ્રોલિંગ વધુ તીવ્ર કરવામાં આવશે. અટકાયત કરાયેલા આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ કેસ નોંધાયો છે. આરોપીઓની પૂછપરછ ચાલુ છે, અને વન વિભાગે સ્થાનિકોને સંરક્ષિત વિસ્તારોમાં પરવાનગી વિના પ્રવેશ ન કરવાની ચેતવણી આપી છે. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જગાવી છે, કારણ કે શાહબાઝખાન જેવા જાહેર પ્રતિનિધિનું આવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હોવું ચોંકાવનારું છે.

આ પણ વાંચો:ખેડૂતો સાવધાન ગુજરાત પર ડિપ્રેશનનો ખતરો કયા વિસ્તારમાં થશે ધોધમાર વરસાદ ? 

Back to top button