ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શિક્ષકોની તંગીને લઈ 200થી વધારે વિદ્યાર્થિનીઓ શાળામાંથી નીકળી રોડ પર ધરણા પર ઉતરી આવી

લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સરકારી રહેણાંક શાળાની અંદાજે 200 વિદ્યાર્થિનીઓએ શિક્ષકોની અછત, ભોજનની ખરાબ ગુણવત્તા અને અન્ય મૂળભૂત સમસ્યાઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. જય પ્રકાશ નારાયણ સર્વોદય વિદ્યાલય ફોર ગર્લ્સની વિદ્યાર્થિનીઓ વરસાદ વચ્ચે શાળાના પાછળના ગેટમાંથી બહાર આવી અને લખનઉ-ડબ્બગા બાયપાસ પર બેસી ગઈ હતી.

વિદ્યાર્થિનીઓના આંદોલનને કારણે વ્યસ્ત માર્ગ પર લગભગ બે કલાક સુધી વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત રહ્યો હતો.

રસ્તા પર બેસી વિદ્યાર્થિનીઓએ બનાવ્યો હ્યુમન ચેઇન

પ્રદર્શન દરમિયાન કેટલીક વિદ્યાર્થિનીઓ વાહનોની સામે રસ્તા પર કતારમાં બેસી ગઈ હતી, જ્યારે અન્ય વિદ્યાર્થિનીઓએ એકબીજાના હાથ પકડી હ્યુમન ચેઇન બનાવી હતી.

વિદ્યાર્થિનીઓએ સૂત્રોચ્ચાર કરીને વરિષ્ઠ વહીવટી અધિકારીઓને ઘટનાસ્થળે બોલાવવાની માંગ કરી હતી. તેમની મુખ્ય માંગ શાળામાં પૂરતા શિક્ષકોની નિમણૂક, ગુણવત્તાયુક્ત ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની હતી.

પોલીસ દ્વારા સમજાવટ બાદ મોટાભાગની વિદ્યાર્થિનીઓ રસ્તા પરથી હટી ગઈ હતી, પરંતુ અંદાજે 50 વિદ્યાર્થિનીઓ પોતાની માંગ પર અડગ રહી પ્રદર્શન સ્થળે જ બેઠી રહી હતી.

પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

પરિસ્થિતિ ગંભીર બનતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થિનીઓને રસ્તો ખાલી કરવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ સમાજ કલ્યાણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરી તેમની ફરિયાદો અને સમસ્યાઓ સાંભળી હતી.

બાદમાં વિદ્યાર્થિનીઓને શાળા પરિસરમાં પરત લઈ જવામાં આવી હતી, જ્યાં તેમની સમસ્યાઓ અંગે વધુ ચર્ચા કરવામાં આવી હતી.

લખનઉના સહાયક પોલીસ કમિશનર શુભમ કુમારે જણાવ્યું હતું કે માર્ગ પરથી જામ દૂર કરવામાં આવ્યો છે અને વહીવટી અધિકારીઓ વિદ્યાર્થિનીઓની ફરિયાદો સાંભળી રહ્યા છે.

ત્રણ દિવસ પહેલાં છોકરાઓએ પણ કર્યો હતો વિરોધ

આ ઘટનાથી થોડા દિવસ પહેલાં 14 ઓગસ્ટે આ જ જય પ્રકાશ નારાયણ સર્વોદય વિદ્યાલયના બોયઝ કેમ્પસના 100થી વધુ વિદ્યાર્થીઓએ પણ શિક્ષકોની અછત અને અન્ય સમસ્યાઓને લઈને વિરોધ કર્યો હતો.

વિદ્યાર્થીઓએ મોહન રોડ પર ચક્કાજામ કર્યો હતો. આ દરમિયાન ઉત્તર પ્રદેશના સમાજ કલ્યાણ વિભાગના મંત્રી અસીમ અરુણનું વાહન પણ ટ્રાફિક જામમાં ફસાયું હતું.

મંત્રી અસીમ અરુણે સ્થળ પર વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ અને ફરિયાદો સાંભળી હતી.

અલગ-અલગ કેમ્પસમાં ચાલે છે બોયઝ અને ગર્લ્સ સ્કૂલ

જય પ્રકાશ નારાયણ સર્વોદય વિદ્યાલયમાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ કેમ્પસ અને બિલ્ડિંગની વ્યવસ્થા છે. બંને શાળાઓ ઉત્તર પ્રદેશના સમાજ કલ્યાણ વિભાગ હેઠળ સંચાલિત થાય છે.

થોડા જ દિવસોના અંતરે બોયઝ અને ગર્લ્સ બંને કેમ્પસના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવતા શાળામાં શિક્ષકોની ઉપલબ્ધતા, ભોજનની ગુણવત્તા અને વિદ્યાર્થીઓને મળતી મૂળભૂત સુવિધાઓને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે.

રાજકીય પક્ષોએ સરકાર પર કર્યા પ્રહાર

વિદ્યાર્થિનીઓના પ્રદર્શન બાદ રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી. સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાને લઈને ભાજપ સરકારની ટીકા કરી હતી.

પાર્ટીએ દાવો કર્યો કે વિદ્યાર્થીઓને પોતાની સમસ્યાઓ માટે હવે રસ્તા પર ઉતરવું પડી રહ્યું છે અને આ ઘટનાને શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ સાથે જોડીને જોવી જોઈએ.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસે પણ આ પ્રદર્શન અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આ માત્ર વિદ્યાર્થિનીઓના ધરણા નહીં પરંતુ નવી પેઢી દ્વારા વ્યવસ્થા સામે ઉઠાવવામાં આવેલો સવાલ છે.

લખનઉમાં સતત સામે આવી રહેલા આવા વિરોધ પ્રદર્શનો હવે રહેણાંક શાળાઓની વ્યવસ્થા, શિક્ષકોની સંખ્યા, ભોજન અને અન્ય સુવિધાઓ અંગે વહીવટી તંત્ર સામે નવા પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.

આ પણ વાંચો: બોટાદમાં કરોડોના હીરાની ચોરીનો પર્દાફાશ, પોલીસે બાપ-દીકરી અને જમાઈની ધરપકડ કરી

Back to top button