બોટાદમાં કરોડોના હીરાની ચોરીનો પર્દાફાશ, પોલીસે બાપ-દીકરી અને જમાઈની ધરપકડ કરી

બોટાદ: નિલમ હીરા બજારમાંથી કરોડો રૂપિયાની કિંમતના હીરાની ચોરીની ચકચારી ઘટના સામે આવી છે. ચોરીને અંજામ આપવા માટે આરોપીઓએ ભીખારીનો સ્વાંગ ધારણ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ બોટાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે સંકલન કરીને ગણતરીના કલાકોમાં મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલો તમામ મુદ્દામાલ પણ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં પિતા-પુત્રીનો પણ સમાવેશ થાય છે.
નિલમ હીરા બજારમાંથી 1437 હીરાની ચોરી
બોટાદના નિલમ હીરા બજારમાં આવેલી એક દુકાનમાંથી આશરે 1437 જેટલા હીરાની ચોરી થઈ હતી. આ હીરાની કિંમત કરોડો રૂપિયામાં હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટનાને લઈને વેપારી અશોકભાઈએ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મળતાં જ બોટાદ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વિવિધ પોલીસ ટીમોને તપાસ માટે કામે લગાડવામાં આવી હતી. એક ટીમે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી, જ્યારે અન્ય ટીમોને રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિતના સ્થળોએ નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
CCTVમાં મહિલા સહિત ત્રણ શંકાસ્પદ દેખાયા
પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરતા એક શંકાસ્પદ મહિલા અને તેની સાથે રહેલા બે વ્યક્તિઓ રેલવે સ્ટેશન તરફ જતા જોવા મળ્યા હતા. વધુ તપાસમાં ત્રણેય અમદાવાદ તરફ જતી ટ્રેનમાં બેઠા હોવાનું જાણવા મળ્યું હતું.
બોટાદ પોલીસે તાત્કાલિક ટ્રેનને ટ્રેક કરવાનું શરૂ કર્યું અને અમદાવાદ ગ્રામ્ય પોલીસના એસપી ઓમપ્રકાશ જાટને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ બાવળા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમોને સતર્ક કરવામાં આવી હતી.
બાવળામાં ટ્રેન પહોંચતાં જ ત્રણેય ઝડપાયા
ટ્રેન બાવળા પહોંચતા જ પોલીસ ટીમે અગાઉથી મેળવેલા ફોટા અને વીડિયો ફૂટેજના આધારે મહિલા સહિત ત્રણ શંકાસ્પદોની ઓળખ કરી તેમને ઝડપી લીધા હતા.
તેમની પાસે રહેલા સામાનની તપાસ કરતા પોલીસને બોટાદના હીરા બજારમાંથી ચોરી કરાયેલા કરોડો રૂપિયાની કિંમતના હીરા મળી આવ્યા હતા. આમ, પોલીસની ઝડપી કામગીરીના કારણે ચોરીનો મુદ્દામાલ થોડા જ કલાકોમાં પાછો મેળવવામાં સફળતા મળી હતી.
ઝડપાયેલા આરોપીઓમાં પિતા-પુત્રી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓની ઓળખ બચુભાઈ સાડમીયા, રહે. કુમનાથપુરા, કાલાવાડ, જામનગર, તેમની પુત્રી સપના તેમજ વિનાભાઈ જીલીયા, રહે. ખોડીયારનગર, બોટાદ તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓ જામનગર અને બોટાદ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હવે તેમની ગુનાહિત પૃષ્ઠભૂમિ અને અગાઉ પણ આ જ મોડસ ઓપરેન્ડીથી અન્ય કોઈ સ્થળે ચોરી કરી છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.
ભીખારીના સ્વાંગમાં આવી ચોરીને અંજામ આપ્યાનો ખુલાસો
પોલીસ તપાસમાં સામે આવેલી માહિતી અનુસાર, આરોપીઓ ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતા હતા. હીરા બજાર જેવા વિસ્તારમાં કોઈને શંકા ન જાય તે માટે ભીખારીના સ્વાંગમાં પ્રવેશ કરીને તક મળતાં જ કિંમતી સામાનની ચોરી કરવામાં આવતી હતી.
બોટાદ જેવી હીરા બજાર ધરાવતી જગ્યાએ કરોડોની કિંમતના હીરાની ચોરી થતાં વેપારીઓમાં પણ ચિંતા ફેલાઈ હતી. જોકે પોલીસની તાત્કાલિક કામગીરીના કારણે આરોપીઓ શહેરથી દૂર ભાગી જાય તે પહેલાં જ તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.
હાલ ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ગેંગ સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે કેમ તેમજ અગાઉ કેટલા ગુનાઓને અંજામ આપવામાં આવ્યો છે તે અંગે પણ પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદીઓ સાવધાન: 18 અને 19 તારીખે આ વિસ્તારમાં પાણીનો કાપ રહેશે, 7 વોર્ડમાં પાણી પુરવઠો ખોરવાશે












