ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વરસાદના 12 પ્રકાર: ગામડાઓમાં આજે પણ લોકો વરસાદને આટલા નામથી બોલાવે, જાણો તેના અર્થ

અમદાવા, 4 જુલાઈ 2026: ચોમાસાની ઋતુ આવે કે તરત જ વરસાદની મીઠી સુગંધ, ઠંડી હવા અને ખેડૂતોના ચહેરા પર છવાતી ખુશી જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે વરસાદના અલગ-અલગ પ્રકાર પણ હોય છે? ગુજરાતી લોકસાહિત્ય અને પરંપરાગત જ્ઞાન પ્રમાણે વરસાદને 12 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ પ્રકારો વરસાદની તીવ્રતા, અવધિ અને અસર પર આધારિત છે.

આવો જાણીએ વરસાદના આ પરંપરાગત 12 પ્રકાર વિશે વિગતવાર:

1. ફરફર વરસાદ

ચોમાસાના એકદમ શરૂઆતના દિવસોમાં પડતો આ વરસાદ એટલો હળવો હોય છે કે માત્ર હાથ-પગના રૂંવાટા ભીના થાય. આને ‘ફરફર’ કહેવામાં આવે છે.

2. છાંટા વરસાદ

ફરફર કરતાં થોડો વધુ તીવ્ર, પરંતુ હજુ પણ ખૂબ હળવો વરસાદ. ચોમાસાની શરૂઆતમાં સામાન્ય રીતે જોવા મળે છે.

3. ફોરા વરસાદ

છાંટા કરતાં મોટા ટીપાં સાથે વરસતો વરસાદ. ચોમાસું નજીક આવતાં આ પ્રકારનો વરસાદ વધવા લાગે છે.

4. કરા વરસાદ

પવન સાથે આવતો અને ફોરા કરતાં વધુ તીવ્ર વરસાદ, જે ક્યારેક બરફ અથવા કરાના સ્વરૂપે પણ પડે છે.

5. પછેડીવા વરસાદ

માપસરનો વરસાદ, જે પછેડી લઈને બહાર નીકળેલા વ્યક્તિને પણ પૂરતું રક્ષણ આપી શકે.

6. નેવાધાર વરસાદ

પછેડીવા કરતાં વધુ વરસાદ, જેમાં ઘરના છાપરાની નળી (નેવા) ઉપરથી પાણીની ધાર વહેવા લાગે.

7. મોલ મેહ વરસાદ

ખેડૂતો માટે સૌથી ઉપયોગી વરસાદ. પાકને જરૂરી પાણી પૂરું પાડે તેવો માપસર અને સારો વરસાદ.

8. અનરાધાર વરસાદ

સતત અને અવિરત વરસતો વરસાદ, જ્યાં એક છાંટો બીજા છાંટાને સ્પર્શતો હોય તેમ વરસે.

9. મુશળધાર વરસાદ

અનરાધાર કરતાં વધુ તીવ્ર અને જોરદાર વરસાદ. આને ‘સાંબેલાધાર’ વરસાદ તરીકે પણ ઓળખવામાં આવે છે.

10. ઢેફાભાંગ વરસાદ

એટલી તીવ્રતાથી વરસતો વરસાદ કે ખેતરોમાં માટીના ઢેફા તૂટી જાય અને જમીન નરમ બની જાય.

11. પાણ મેહ વરસાદ

ખેતરો પાણીથી છલોછલ ભરાઈ જાય અને કૂવાઓમાં પણ પાણી ઉપર આવી જાય તેવો અતિભારે વરસાદ.

12. હેલી વરસાદ

ઉપરના કોઈપણ પ્રકારનો વરસાદ જો સતત એક અઠવાડિયા સુધી વરસે તો તેને ‘હેલી’ કહેવામાં આવે છે.

આ પણ વાંચો: સુરતમાં તાપી નદીનો પ્રકોપ: વિયર-કમ-કોઝવે સામાન્ય લોકોની અવરજવર માટે બંધ કર્યો

Back to top button