
31/07/2026: આગામી 12 ઓગસ્ટ, 2026ના રોજ વિશ્વના અનેક દેશોમાં ખગ્રાસ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણની દુર્લભ ખગોળીય ઘટના જોવા મળશે. જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, તેથી અહીં ગ્રહણ સંબંધિત કોઈ પણ પ્રકારના સૂતક, વેધ અથવા અન્ય ધાર્મિક પ્રતિબંધો લાગુ પડતા નથી. આ માહિતી ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા આપવામાં આવી છે. જાથાએ જણાવ્યું છે કે રાજ્યભરમાં ગ્રહણ અંગે વૈજ્ઞાનિક સમજ ફેલાવવા અને વર્ષોથી ચાલતી ગેરમાન્યતાઓ દૂર કરવા માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે.
જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે આ ગ્રહણનો સૌથી આકર્ષક નજારો સ્પેન, ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ અને આર્કટિક પ્રદેશોમાં જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં પૂર્ણ (ખગ્રાસ) તો કેટલાક વિસ્તારોમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળશે. ગ્રહણની કુલ અવધિ અંદાજે 4 કલાક 23 મિનિટ રહેશે અને આ સમય દરમિયાન વિશ્વભરના વૈજ્ઞાનિકો આધુનિક સાધનોની મદદથી વિવિધ સંશોધનો કરશે.
ભારતમાં ગ્રહણ નહીં દેખાય
જાથાના જણાવ્યા મુજબ, સંવત 2082ના અષાઢ વદ અમાસના દિવસે થનારું આ સૂર્યગ્રહણ ભારતમાં દૃશ્યમાન નહીં હોવાથી અહીં તેની કોઈ સીધી અસર થવાની નથી. ગ્રહણ ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ, ઉત્તર સ્પેન, પશ્ચિમ આફ્રિકા, ઉત્તર અમેરિકા, યુરોપ તેમજ આર્કટિક અને સમુદ્રી વિસ્તારોમાં જોવા મળશે. ભારતીય સમય અનુસાર ગ્રહણનો પ્રારંભ રાત્રે 9:04 વાગ્યે, મધ્ય 11:15 વાગ્યે અને સમાપન બીજા દિવસે વહેલી સવારે 1:27 વાગ્યે થશે.
વૈજ્ઞાનિકો માટે મહત્વની ઘટના
જયંત પંડયાના જણાવ્યા મુજબ સૂર્યગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના છે, જે પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની ગતિ અને સ્થિતિને કારણે સર્જાય છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો આ અવસરનો ઉપયોગ સૂર્યના કોરોના, અવકાશીય પરિસ્થિતિઓ અને પશુ-પક્ષીઓના વર્તનમાં થતા ફેરફારો સહિત વિવિધ વિષયો પર અભ્યાસ માટે કરશે. તેમણે જણાવ્યું કે સ્પેનમાં સૂર્યાસ્ત સમયે પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળવાનું હોવાથી તે વિશ્વના ખગોળપ્રેમીઓ માટે યાદગાર અનુભવ બનશે.
નરી આંખે ગ્રહણ જોવું જોખમી
વિજ્ઞાન જાથાએ લોકોને ચેતવણી આપી છે કે સૂર્યગ્રહણને નરી આંખે જોવું આંખોની દૃષ્ટિ માટે ગંભીર નુકસાનકારક બની શકે છે. ગ્રહણનું નિરીક્ષણ માત્ર પ્રમાણિત સોલાર ફિલ્ટર અથવા વિશેષ સુરક્ષિત સાધનો દ્વારા જ કરવું જોઈએ.
ગેરમાન્યતાઓથી દૂર રહેવાની અપીલ
જાથાએ જણાવ્યું છે કે સૂર્યગ્રહણને લઈને વર્ષોથી ચાલતી અનેક માન્યતાઓ જેમ કે સૂતક, વેધ, દાન-પુણ્ય, ખોરાક ન લેવો, મંદિરો બંધ રાખવા, રાંધેલું અનાજ ફેંકી દેવું અથવા ગ્રહદોષ નિવારણ જેવી બાબતોને વિજ્ઞાન સમર્થન આપતું નથી. જયંત પંડયાએ દાવો કર્યો કે ગ્રહણ માનવજીવન પર શુભ-અશુભ અસર કરતું હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી અને લોકોમાં ભય ફેલાવી વિવિધ પ્રકારના કર્મકાંડો કરાવવાની પ્રવૃત્તિઓથી સાવચેત રહેવું જોઈએ.
ગુજરાતમાં જાગૃતિ અભિયાન
ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, જુનાગઢ, મહેસાણા, પાલનપુર, કચ્છ, ભરૂચ, નવસારી, વલસાડ, આણંદ, ગોધરા, પોરબંદર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ગ્રહણ અંગે વૈજ્ઞાનિક સમજ આપતા કાર્યક્રમો યોજાશે.
આ કાર્યક્રમોમાં લોકોને સૂર્યગ્રહણની વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવશે તેમજ વર્ષોથી પ્રચલિત ગેરમાન્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. જાથાએ જણાવ્યું છે કે કાર્યક્રમો મર્યાદિત આમંત્રિતો માટે રાખવામાં આવ્યા છે અને રસ ધરાવતા લોકો વધુ માહિતી માટે જાથાનો સંપર્ક કરી શકે છે.












