ટ્રેન્ડિંગવર્લ્ડ

ઇટાલીની શાળાઓમાં બુરખા પર પ્રતિબંધ!, મેલોનીનું નિવેદન

Giorgia Meloni: ઇટાલીની સરકાર શાળાઓમાં ચહેરો ઢાંકવા (બુરખો કે નકાબ પહેરવા) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અને દરેક વર્ગખંડમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવાનો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ (Giorgia Meloni) રવિવારે પોતાની પાર્ટીના એક યુવા કાર્યક્રમ દરમિયાન આ અંગેના સંકેત આપ્યા હતા. રાજકીય વિશ્લેષકો આ પગલાને તેમની દક્ષિણપંથી (રાઇટ-વિંગ) નીતિઓના ભાગરૂપે જોઈ રહ્યા છે.

ભૂમધ્ય સમુદ્રની વચ્ચે આવેલું હોવાથી ઇટાલી એવા યુરોપિયન દેશોમાં મોખરે છે જ્યાં સૌથી વધુ ગેરકાયદે તેમજ કાયદેસર પ્રવાસીઓ (માઈગ્રન્ટ્સ) પહોંચે છે. સતત વધતા સ્થળાંતરને કારણે પ્રવાસીઓનો મુદ્દો દેશમાં ભારે ચર્ચાસ્પદ અને સરકાર માટે મોટો પડકાર બન્યો છે.

પીએમ મેલોનીએ સંબોધનમાં શું કહ્યું?

જ્યોર્જિયા મેલોનીએ પાર્ટી કાર્યકરોને સંબોધતાં જણાવ્યું કે ટૂંક સમયમાં જ કેબિનેટ બેઠકમાં આ અંગેનો ઔપચારિક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.

વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા: દરેક ક્લાસરૂમમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત રાખવાની જોગવાઈ કરવામાં આવશે, જેથી સ્થાનિક ભાષા અને સંસ્કૃતિ સાથે તેઓ સરળતાથી ભળી શકે.

વાલીઓ માટે ઇટાલિયન ભાષા ફરજિયાત: જે વિદેશી વિદ્યાર્થીઓને સમાજમાં ભળવામાં મુશ્કેલી પડે છે, તેમના માતા-પિતા માટે પણ ઇટાલિયન ભાષા શીખવી ફરજિયાત બનાવવામાં આવશે.

બુરખા અને નકાબ પર રોક: દેશભરની તમામ શાળાઓમાં ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ લાદવામાં આવશે.

આ પણ વાંચો:ઇમરાન ખાનની બહેન અલીમા ખાનની ધરપકડ, શું છે મામલો?

મેલોનીએ આ નિર્ણય પાછળ તર્ક આપતાં કહ્યું:

“જો કોઈ ક્લાસમાં માત્ર એક જ બાળક એવું હોય જેને ઇટાલિયન ભાષા ન આવડતી હોય, તો તે સાથી મિત્રો અને શિક્ષકોની મદદથી ઝડપથી ભાષા શીખીને ભળી જશે. પરંતુ જો આવા બાળકોની સંખ્યા વધારે હશે, તો તેઓ સ્થાનિક સંસ્કૃતિથી અલગ પોતાની અલગ બહુમતી બનાવી લેશે અને ક્યારેય મુખ્યપ્રવાહમાં જોડાઈ શકશે નહીં.”

જોકે, તેમણે વર્ગખંડ દીઠ વિદેશી વિદ્યાર્થીઓની ચોક્કસ ટકાવારી કે મર્યાદા જાહેર કરી નથી. ઇટાલીની રિસર્ચ સંસ્થા ‘Fondazione ISMU’ અનુસાર, હાલમાં ઇટાલીની શાળાઓમાં અભ્યાસ કરતા કુલ વિદ્યાર્થીઓમાંથી આશરે 11.6 ટકા વિદ્યાર્થીઓ બિન-ઇટાલિયન નાગરિકો છે (એટલે કે દર 100 વિદ્યાર્થીઓએ લગભગ 12 વિદેશી બાળકો).

‘ચહેરો ઢાંક્યા વગર શાળાએ જવું પડશે’

વિદ્યાર્થીનીઓને સંબોધતાં મેલોનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.

“તમારે કોઈપણ સંજોગોમાં ચહેરો ઢાંક્યા વગર જ શાળાએ જવું પડશે. ઇટાલીમાં કોઈ પણ વ્યક્તિ વાસ્તવિક કે કાલ્પનિક પરંપરાના નામે કોઈ યુવતી કે મહિલાને પોતાનો ચહેરો ઢાંકીને રહેવા માટે દબાણ કરી શકે નહીં.”

આ પણ વાંચો:‘બ્રહ્માસ્ત્ર’ ફેમ સૌરવ ગુર્જર કસ્ટડીમાં, જાણો સમગ્ર મામલો

Back to top button