એફિલ ટાવર વિવાદમાં મોટો નિર્ણય: મહિલા કર્મચારીઓને દૂર રાખવાના મામલે મોટી એક્શન લેવાઈ
Eiffel Tower Hindu delegation visit: દુનિયાભરમાં જાણીતા એફિલ ટાવર સાથે જોડાયેલા વિવાદમાં મોટી અપડેટ સામે આવી છે. એફિલ ટાવરની દેખરેખ કરતી કંપની Société d’Exploitation de la Tour Eiffel (SETE)ના ડિરેક્ટર જનરલ પેટ્રિક બ્રાંકો રુઇવો વર્ષના અંત સુધી પોતાનું પદ છોડશે.
શું હતો સમગ્ર વિવાદ?
5 સપ્ટેમ્બરે એક હિંદુ ધાર્મિક સમૂહના પ્રતિનિધિમંડળના એફિલ ટાવર પ્રવાસ દરમિયાન મહિલા કર્મચારીઓને ડ્યૂટીથી દૂર રાખવામાં આવી હતી. આ ઘટનાને લઈને એફિલ ટાવરના કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.
ત્યારબાદ કરવામાં આવેલી તપાસમાં આ ઘટનાને લઈને સંસ્થાની વ્યવસ્થા અને કામગીરીમાં અનેક ખામીઓ સામે આવી હતી. SETEના મંગળવારના નિવેદન અનુસાર, આ ખામીઓના કારણે તે દિવસે મહિલા કર્મચારીઓને પ્રવાસથી દૂર રાખવામાં આવ્યા હતા, જેને કંપનીએ અસ્વીકાર્ય ગણાવ્યું છે.
કર્મચારીઓએ કર્યો હતો વિરોધ
એફિલ ટાવર દર વર્ષે આશરે 70 લાખ પ્રવાસીઓને આકર્ષે છે. 7 સપ્ટેમ્બરે કર્મચારીઓની હડતાળને કારણે આ પ્રસિદ્ધ સ્મારક બંધ પણ રહ્યું હતું. કર્મચારીઓએ મેનેજમેન્ટના તે નિર્દેશનો વિરોધ કર્યો હતો, જેમાં મહિલા કર્મચારીઓને મુલાકાતી સમૂહથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.
BAPS પ્રતિનિધિમંડળને લઈને થયો હતો વિવાદ
આ સમગ્ર મામલો BAPS (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા)ના પ્રતિનિધિમંડળના પ્રવાસ સાથે જોડાયેલો હતો. BAPS સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલું વૈશ્વિક ધાર્મિક અને નાગરિક સંગઠન છે.
આ સંગઠન પેરિસમાં પરંપરાગત હિંદુ પથ્થરના મંદિરના ઉદ્ઘાટન સાથે જોડાયેલા કાર્યક્રમનું આયોજન કરી રહ્યું હતું. આ દરમિયાન પ્રતિનિધિમંડળે એફિલ ટાવરની મુલાકાત લીધી હતી.
BAPSએ શું કહ્યું?
વિવાદ બાદ BAPS તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી. સંગઠનના જણાવ્યા અનુસાર, મોટી સંખ્યામાં લોકોની મુલાકાત કોઈ અસુવિધા વિના સરળતાથી પૂર્ણ થાય તે હેતુથી વ્યવસ્થા કરવામાં આવી હતી. BAPSએ કહ્યું હતું કે આ વ્યવસ્થાનો હેતુ કોઈ વ્યક્તિ સાથે તેના લિંગના આધારે ભેદભાવ કરવાનો નહોતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
2018થી SETEના ડિરેક્ટર જનરલ હતા
પેટ્રિક બ્રાંકો રુઇવોને 2018ના અંતમાં SETEના ડિરેક્ટર જનરલ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. હવે તાજેતરની તપાસમાં સામે આવેલી વ્યવસ્થાગત અને કામગીરી સંબંધિત ખામીઓ બાદ તેમણે વર્ષના અંત સુધી પદ છોડવાનો નિર્ણય લીધો છે.
330 મીટર ઊંચો એફિલ ટાવર પેરિસના સૌથી જાણીતા સ્મારકોમાંનો એક છે અને દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં મુલાકાતે આવે છે.
આ પણ વાંચો: 1 ઓક્ટોબરથી બદલાશે 5 મોટા નિયમો: LPGથી લઈને ATM અને TV-ફ્રિજના ભાવ સુધી, જાણો તમને શું અસર થશે












