ટ્રેન્ડિંગનેશનલ

‘જેમને મેં દુર્ગા કહ્યા, તેમને કેવી રીતે છોડું…’, સાંસદ પતિએ બળવો કર્યો પણ ધારાસભ્ય પત્નીએ ન છોડ્યો મમતા બેનર્જીનો સાથ

West Bengal Politics TMC Split : પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યારે એક અનોખો અને રસપ્રદ ઘાટ જોવા મળી રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ભંગાણ બાદ સાંસદ પતિએ મમતા બેનર્જીનો સાથ છોડી દીધો છે, પરંતુ તેમના ધારાસભ્ય પત્ની હજી પણ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની પડખે અડીખમ ઊભા છે અને મમતા બેનર્જીના નામ પર સોગંદ ખાઈ રહ્યા છે. ટીએમસીના આ મહિલા નેતાએ ભાવુક થઈને જણાવ્યું છે કે, “હું તેમને કેવી રીતે છોડી શકું, જેમને મેં મારી ‘દુર્ગા’ કહ્યા છે!”

આ અનોખી રાજકીય ઘટના પશ્ચિમ બંગાળના કદાવર નેતા સુદીપ બંદોપાધ્યાય અને તેમના પત્ની નયના બંદોપાધ્યાયની છે. સુદીપ બંદોપાધ્યાય એક સમયે મમતા બેનર્જીના અત્યંત નજીકના નેતાઓમાં ગણાતા હતા.

સાંસદ પતિએ કર્યો બળવો, NDAને આપ્યું સમર્થન

બંગાળના રાજકારણનો જાણીતો ચહેરો અને ઉત્તર કોલકાતાના સાંસદ સુદીપ બંદોપાધ્યાય રવિવારે ટીએમસી છોડીને બળવાખોરોના જૂથમાં સામેલ થઈ ગયા હતા. ત્યારબાદ તેઓ સત્તાવાર રીતે નેશનાલિસ્ટ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા (NCPI) માં જોડાયા છે. સુદીપ બંદોપાધ્યાયે અન્ય 19 બળવાખોર સાંસદો સાથે મળીને લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક સત્તાવાર પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સંસદમાં સાંસદ તરીકે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એટલે કે એનડીએ (NDA) નું સમર્થન કરશે.

પત્ની નયના બેનર્જીનો મમતા પ્રત્યે અતૂટ વિશ્વાસ

સુદીપ બંદોપાધ્યાયે પાર્ટી છોડ્યા બાદ તેમની ધારાસભ્ય પત્ની નયના બંદોપાધ્યાયની રાજકીય સફરને લઈને પણ બંગાળના રાજકીય ગલિયારાઓમાં અનેક અટકળો વહેતી થઈ હતી. ઘણા નેતાઓ અને કાર્યકરો માની રહ્યા હતા કે નયના પણ પોતાના પતિના રસ્તે ચાલીને ટીએમસીથી પોતાની રાહ અલગ કરી લેશે. પરંતુ નયનાએ આ તમામ અટકળોને સખત શબ્દોમાં ફગાવી દીધી છે.

નયના બંદોપાધ્યાયે સ્પષ્ટ કર્યું છે કે, તેમના તરફથી મમતા બેનર્જીની પાર્ટી છોડવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. તેમણે મમતા બેનર્જીને પોતાના સર્વોચ્ચ નેતા માન્યા છે અને તે વાત પર તેઓ કાયમ રહેશે. તેમણે તો ત્યાં સુધી દાવો કર્યો કે જો મમતા બેનર્જી પોતે તેમને છોડી દે, તો પણ તેઓ મમતાનો સાથ ક્યારેય નહીં છોડે.

નયના ઉપાધ્યાયે કહ્યું કે, “હું દીદી સાથે વૈચારિક અને માનસિક રીતે ખૂબ જ મજબૂત રીતે જોડાયેલી છું. તે ભલે મને છોડી દે, પણ હું તેમને ક્યારેય નહીં છોડું. જેમને મેં જાહેરમાં મારી ‘દુર્ગા’ કહ્યા છે, તેમને હું સ્વાર્થ માટે કેવી રીતે છોડી શકું? દીદી મારો સાથ છોડી શકે છે, પણ હું તેમનો સાથ ક્યારેય નહીં છોડું.”

પાર્ટીના જ સાથીઓથી નારાજગી અને પતિની પ્રતિક્રિયા

નયના બંદોપાધ્યાયે વધુમાં એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, પાર્ટીના જ કેટલાક સાથીઓએ તાજેતરની રાજકીય ખેંચતાણ વચ્ચે તેમના પર અંગત અને વ્યક્તિગત હુમલા કર્યા છે, જેનાથી તેઓ ખૂબ જ સ્તબ્ધ અને દુઃખી છે. તેમણે આ દુર્વ્યવહાર અંગે પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જીને સત્તાવાર ફરિયાદ પણ કરી છે.

બીજી તરફ, બળવો કરનાર સાંસદ પતિ સુદીપ બંદોપાધ્યાયે સ્વીકાર્યું કે તેમણે તેમની પત્ની નયનાને મનાવવાનો અને પોતાની સાથે નવા પક્ષમાં લાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ નયનાએ પોતાનો રાજકીય પક્ષ બદલવાનો સાફ ઈનકાર કરી દીધો અને તે TMCમાં જ રહી. પોતાના આ પારિવારિક નિર્ણયના બચાવમાં સુદીપે ભારતીય રાજકારણના એવા ઘણા પરિવારોના ઉદાહરણો આપ્યા, જેમાં એક જ ઘરના સભ્યો અલગ-અલગ રાજકીય પક્ષોમાં રહીને પોતાની સ્વેચ્છાએ સક્રિય રાજકારણ રમે છે.

આ પણ વાંચોઃ હોર્મુઝમાંથી જહાજોની અવરજવર હજુ પણ જોખમી, US-ઈરાન ડીલ છતાં BIMCOનું એલર્ટ 

આ પણ વાંચોઃ ચીને મસ્કને આપ્યો ઝટકો : પ્રથમ કોમર્શિયલ બ્રેન-ચિપ કરી લોન્ચ, 9 લોકો પર પરિક્ષણ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button