હોર્મુઝમાંથી જહાજોની અવરજવર હજુ પણ જોખમી, US-ઈરાન ડીલ છતાં BIMCOનું એલર્ટ

US Iran Deal: વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય શિપિંગ સંગઠન, બાલ્ટિક અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ પરિષદ (BIMCO) એ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો માટે ચેતવણી જારી કરી છે. તેમણે કહ્યું કે ગઈ રાત્રે થયેલા શાંતિ કરાર છતાં, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવું જોખમી છે.
તેમણે કહ્યું કે, અમેરિકા અને ઈરાનના નિવેદનો હજુ પણ અસ્પષ્ટ છે અને સમય અને સલામત માર્ગો જેવા મુખ્ય મુદ્દાઓ પર પૂરતી માહિતીનો અભાવ છે. માહિતીની અછત અને ભૂતકાળમાં આપવામાં આવેલા વધુ પડતા આશાવાદી આશ્વાસનોને ધ્યાનમાં લેતા, અમે માનીએ છીએ કે શિપિંગ ઉદ્યોગ માટે સુરક્ષાની સ્થિતિ હજુ પણ અસ્થિર છે. તેથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોએ સાવચેતી રાખવાની જરૂર છે.
ડીલ બાદ કાચા તેલના ભાવમાં ઘટાડો
પ્રસ્તાવિત કરારના ડ્રાફ્ટ મુજબ ઈરાનના તેલ નિકાસ પર લાગેલા પ્રતિબંધોમાં કામચલાઉ છૂટછાટ આપવામાં આવશે. ઉપરાંત, અમેરિકા દ્વારા સ્થગિત રાખવામાં આવેલી 25 અબજ ડોલરની ઈરાની સંપત્તિઓને મુક્ત કરવાની બાબતે પણ સહમતિ બની છે. મહત્વનું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી LNG ની અવરજવર ફરી શરૂ થવાથી યુરોપ અને એશિયામાં માર્ચથી વધેલા ગેસના ભાવ અને પુરવઠાની અછતમાંથી મોટી રાહત મળવાની આશા છે.
આ સકારાત્મક સંકેતોના કારણે કાચા તેલના વૈશ્વિક બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ શરૂઆતના કારોબારમાં 4 ટકાથી વધુ તૂટી ગયા, કારણ કે રોકાણકારોને બજારમાં પુરવઠો વધવાની અને તણાવ ઘટવાની આશા દેખાઈ રહી છે.
પાકિસ્તાનના PMએ કરી સમજૂતીની જાહેરાત
અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વાટાઘાટો બાદ સમજૂતી થઈ ગઈ હોવાનું પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે જાહેર કર્યું છે. આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર નિવેદન શેર કર્યું હતું. ટ્રમ્પે પોતાના સંદેશમાં જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે કરાર થઈ ગયો છે, જેનાથી મધ્ય પૂર્વમાં તણાવ ઘટાડવાની અને વૈશ્વિક ઊર્જા બજારોમાં સ્થિરતા લાવવાની આશા વધી છે.
બીજી તરફ, ઈરાનના નાયબ વિદેશ મંત્રીએ પણ આ સમજૂતીની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી વાટાઘાટો સફળ રહી છે અને બંને પક્ષો કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ સુધી પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 107 દિવસથી અમેરિકા અને ઈરાન વચ્ચે સૈન્ય અથડામણો, રાજદ્વારી ચર્ચાઓ, યુદ્ધવિરામ અને વિવિધ કૂટનીતિક પ્રયાસો ચાલી રહ્યા હતા. લાંબા સમયથી ચાલતા આ તણાવ અને વાટાઘાટોના અંતે હવે સમજૂતી થવાથી મધ્ય પૂર્વમાં સ્થિરતા વધવાની અને વૈશ્વિક ઊર્જા તથા વેપાર ક્ષેત્રને રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.












