નેશનલ

બંગાળમાં 15 વર્ષના મમતા શાસનનો અંત: રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી, 9 મેના રોજ નવી સરકારના શપથ

West Bengal Assembly Dissolved: પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ વળાંક જોવા મળ્યો છે. છેલ્લા 15 વર્ષથી સત્તા પર રહેલા મમતા બેનરજીના શાસનનો આજે સત્તાવાર રીતે અંત આવ્યો છે. રાજ્યપાલ આર.એન. રવિ દ્વારા લેવાયેલા એક કડક બંધારણીય નિર્ણયને પગલે સમગ્ર મંત્રીમંડળનું વિસર્જન કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં ચાલી રહેલી લાંબી રાજકીય ખેંચતાણ અને મમતા બેનરજીના રાજીનામા અંગેના વિવાદ પર પૂર્ણવિરામ મુકાયું છે.

સત્તાવાર જાહેરનામું બહાર પડ્યું

કોલકાતા ગેઝેટમાં જારી કરાયેલા સત્તાવાર જાહેરનામા મુજબ, રાજ્યપાલે 7 મે, 2026 થી વિધાનસભા ભંગ કરવાનો આદેશ આપ્યો છે. આ પ્રક્રિયા ભારતીય બંધારણની કલમ 174 (2)(B) હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નોટિફિકેશન પર બંગાળના મુખ્ય સચિવ દુષ્યંત નારિયલાએ પણ હસ્તાક્ષર કર્યા છે. આ નિર્ણયનો અર્થ એ છે કે મમતા બેનરજી હવે મુખ્યમંત્રી પદ પર નથી અને રાજ્યનું મંત્રીમંડળ પણ વિખેરાઈ ગયું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શું છે કલમ 174 (2)(B)?

બંધારણની આ કલમ રાજ્યપાલને વિશેષ સત્તા આપે છે, જેના દ્વારા તેઓ વિધાનસભાને ભંગ કરી શકે છે. સામાન્ય રીતે, જ્યારે કોઈ પક્ષ બહુમતી ગુમાવે અથવા ચૂંટણી બાદ નવી સરકારની રચના માટે માર્ગ મોકળો કરવાનો હોય, ત્યારે આ કલમનો ઉપયોગ કરવામાં આવે છે. મમતા બેનરજીએ ચૂંટણીમાં પરાજય છતાં રાજીનામું આપવાનો ઇનકાર કરતા અને ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવતા, રાજ્યપાલે આ બંધારણીય શસ્ત્રનો ઉપયોગ કરી મડાગાંઠ ઉકેલી છે.

વચગાળાની વ્યવસ્થા અને અમિત શાહની મુલાકાત

વિધાનસભાના વિસર્જન સાથે જ બંગાળનો વહીવટ હવે સીધો રાજભવનના હસ્તક આવી ગયો છે. પૂર્વ કેન્દ્રીય સચિવ જવાહર સરકારના જણાવ્યા મુજબ, આ સ્થિતિ રાષ્ટ્રપતિ શાસન નથી, પરંતુ નવી સરકારની રચના સુધીની એક વચગાળાની વ્યવસ્થા છે. જ્યાં સુધી નવા મુખ્યમંત્રી શપથ ન લે ત્યાં સુધી રાજ્યપાલ શાસનનું સંચાલન કરશે. આ રાજકીય ગરમાવા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે 10:30 વાગ્યે કોલકાતા પહોંચી રહ્યા છે. તેમની આ મુલાકાત અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ નવી સરકારની રચનાની પ્રક્રિયા અને ૯ મે ના રોજ યોજાનારા શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓની સમીક્ષા કરશે. બંગાળમાં આ પરિવર્તન સાથે જ તૃણમૂલ કોંગ્રેસના દોઢ દાયકા જૂના શાસનનો સૂર્યાસ્ત થયો છે અને નવા રાજકીય યુગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો:

દેશના સૌથી ચર્ચિત કેસમાં મોટો વળાંક, સોહરાબુદ્દીન કેસના તમામ આરોપી નિર્દોષ જાહેર

Back to top button