PM મોદીની રેલીમાં જતા 4 સમર્થકોનું રેલ અકસ્માતમાં મૃત્યુ, વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો

પશ્ચિમ બંગાળઃ 20 ડિસેમ્બર, 2025: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક હ્રદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાનાઘાટમાં યોજાનારી રેલીમાં હાજરી આપવા જઈ રહેલા ચાર લોકોના ટ્રેન નીચે કચડાઈ જવાથી કરુણ મૃત્યુ નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના કૃષ્ણનગર-રાનાઘાટ સેક્શન પર તાહેરપુર અને બદકુલ્લા સ્ટેશનો વચ્ચે બની હતી. મુર્શિદાબાદના બરવાન બ્લોકથી ભાજપ સમર્થકોનો એક સમૂહ શુક્રવારે (19 ડિસેમ્બર) રાત્રે બસ દ્વારા રાનાઘાટ જવા નીકળ્યું હતું. શનિવારે વહેલી સવારે તેઓ શૌચક્રિયા માટે રેલવે ટ્રેક પાસે ગયા હતા. આ દરમિયાન બંને દિશામાંથી આવતી ટ્રેનોની અડફેટે આ લોકો આવી ગયા હતા. ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે ચોથા વ્યક્તિનું કોલકાતા લઈ જતી વખતે રસ્તામાં જ મૃત્યુ થયું હતું.
ગામમાં શોક અને પીએમની સંવેદના
આ સમાચાર મળતા જ મૃતકોના ગામમાં માતમ છવાઈ ગયો છે. પરિવારો આઘાતમાં છે અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહોના ઘરે આવવાની રાહ જોવાઈ રહી છે. પીડિત પરિવારોએ વહીવટીતંત્ર પાસે મદદની માંગ કરી છે.
મૃતકોની ઓળખ 72 વર્ષીય રામપ્રસાદ ઘોષ, 63 વર્ષીય મુક્તિપદ સૂત્રધાર, 38 વર્ષીય ગોપીનાથ દાસ અને ભૈરવ ઘોષ તરીકે થઈ છે.
વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રેલીને સંબોધિત કરતી વખતે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારો પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. ભાજપના કાર્યકરો અને સમર્થકો પણ પોતાના સાથીઓના અકાળે અવસાનથી શોકમાં ડૂબી ગયા છે.
આ પણ વાંચોઃ ફોન પર વારંવાર દેખાય છે પીળી કે લીલી લાઇટ, તો સમજો તમારો ફોન થઈ રહ્યો છે લીક
આ પણ વાંચોઃ ‘સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવ્યું અમે…’, સોનિયા ગાંધી કેન્દ્ર સરકાર પર આકરા પાણીએ












