વડોદરામાં ભર ચોમાસામાં પાણીનો હાહાકાર: આ સોસાયટીના રહીશોનો ભારે વિરોધ

વડોદરા, 19 જુલાઈ 2025: ભર ચોમાસામાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીના રહીશો પાણીની ગંભીર સમસ્યાને કારણે હેરાન-પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા એક મહિનાથી સતત પાણીની અછતનો સામનો કરી રહેલા સ્થાનિકોએ આજે રોષે ભરાઈને વિરોધ પ્રદર્શન કર્યું અને માટલા ફોડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
રહીશોએ જણાવ્યું કે, અનેક વખત વડોદરા મહાનગરપાલિકા (VMC)ને રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનું કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. આજવા સરોવરમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં, સોસાયટીમાં નિયમિત અને પૂરતું પાણી પહોંચતું નથી, જેના કારણે રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ વધી રહી છે. આક્રોશિત રહીશોએ “પાલિકા હાય હાય”ના નારા લગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો.
સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો કે પાલિકાની ઉદાસીન વલણના કારણે આ સમસ્યા વધુ ગંભીર બની છે. તેઓએ તાત્કાલિક પાણી પુરવઠાની વ્યવસ્થા સુધારવા અને નિયમિત પાણીની સુવિધા પૂરી પાડવાની માંગ કરી છે. આ મામલે પાલિકા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી, પરંતુ રહીશોના વિરોધને પગલે તંત્ર દ્વારા ઝડપી પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: બનાસકાંઠાના ડીસામાં રોડ નવીનીકરણના કામગીરીને લઈ ખેડૂતોમાં રોષ












