
ન્યુઝીલેન્ડ ક્રિકેટનો એક યુગ સમાપ્ત થઈ ગયો છે. દેશ માટે સૌથી વધુ રન અને સદીનો રેકોર્ડ ધરાવતા સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસનએ પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહી દીધી છે. છેલ્લા 16 વર્ષોમાં, વિલિયમસને ઘણી યાદગાર ઇનિંગ્સ રમી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક મોટા રેકોર્ડ બનાવ્યા હતા.
જોકે, કેન વિલિયમસનનું ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન બનાવવાનું સ્વપ્ન અધૂરું રહ્યું. ચાલો પાંચ બેટ્સમેન પર એક નજર કરીએ જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મહાન સિદ્ધિઓ હાંસલ કરી હતી પરંતુ ટેસ્ટમાં 10,000 રનના આંકડાની ખૂબ નજીક આવ્યા પછી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.
કેન વિલિયમસન (485 રનથી ટૂટ્યું સપનું)

કેન વિલિયમસને ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ ધરાવતા પોતાના આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત કર્યો, છતાં તે ફોર્મેટમાં 10,000 રનના સીમાચિહ્ન સુધી પહોંચવામાં ચૂકી ગયા. તેની સફર 9,515 રન સાથે સમાપ્ત થઈ. વિલિયમસનના નામે ટેસ્ટમાં 33 સદી અને 38 અડધી સદી છે.
હાશિમ અમલા (718 રનથી ચૂકી ગયા)

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી હાશિમ અમલાની ગણતરી ટેસ્ટ ક્રિકેટના મહાન બેટ્સમેનોમાં થશે. જોકે, 10,000 રન બનાવવાનું તેમનું સ્વપ્ન અધૂરું રહ્યું. તેઓ આ સીમાચિહ્નથી 718 રન દૂર રહ્યા. અમલાએ 124 ટેસ્ટ રમ્યા બાદ નિવૃત્તિની જાહેરાત કરી.
ગ્રીમ સ્મિથ (735 રનથી પાછળ રહી ગયા)

ગ્રીમ સ્મિથ દક્ષિણ આફ્રિકા માટે માત્ર એક દિગ્ગજ કેપ્ટન જ નહોતા, પરંતુ તેમણે બેટથી ઘણી યાદગાર ઇનિંગ્સ પણ રમી હતી. ભૂતપૂર્વ ડાબોડી બેટ્સમેન, જે ઘણીવાર ઓસ્ટ્રેલિયન બોલરોને ત્રાસ આપતા હતા, તેમણે તેમની ટેસ્ટ કારકિર્દીમાં 9,265 રન બનાવ્યા. સ્મિથ 10,000 રનના આંકડાથી 735 રન દૂર રહ્યા.
વિરાટ કોહલી (770 રનના અંતરથી સ્વપ્ન અધૂરું રહ્યું)

પોતાની કારકિર્દીની શરૂઆતમાં, વિરાટ કોહલીએ કહ્યું હતું કે તે ટેસ્ટ ક્રિકેટમાં 10,000 થી વધુ રન બનાવવા માંગે છે. ત્રણેય ફોર્મેટમાં પ્રભુત્વ ધરાવતા કોહલીએ ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે હવે ફક્ત ODI ક્રિકેટમાં સક્રિય છે. વિરાટ કોહલી ટેસ્ટમાં 10,000 રનના આંકડાથી 770 રન દૂર રહ્યા. તેમણે 123 મેચમાં 9,230 રન બનાવ્યા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
એબી ડી વિલિયર્સ (1,235 રનથી પાછળ રહ્યા)

વિરાટ કોહલીના નજીકના મિત્ર એબી ડી વિલિયર્સની ગણતરી પણ દિગ્ગજ બેટ્સમેનોમાં થાય છે, છતાં તેમનું નામ ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન બનાવનારા ખેલાડીઓની વિશિષ્ટ યાદીમાંથી ગાયબ છે. એબીડીએ દક્ષિણ આફ્રિકા માટે 114 મેચમાં 8,765 રન બનાવ્યા હતા.












