લડત હજુ પૂરી નથી, હાઈકોર્ટમાં અપીલ કરીશુઃ બ્રિજભૂષણના નિર્દોષ છૂટકારાથી વિનેશ ફોગાટ નિરાશ

National News: દિલ્હીની એક અદાલતે ભારતીય કુસ્તી સંઘ (WFI)ના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને મહિલા રેસલર્સ દ્વારા દાખલ કરાયેલા યૌન ઉત્પીડન કેસમાં નિર્દોષ જાહેર કર્યા બાદ ભારતની સ્ટાર મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે કોર્ટના નિર્ણય સામે અપીલ કરવાની જાહેરાત કરી છે.
વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે મહિલા રેસલર્સ આ ચુકાદાથી ખૂબ નિરાશ છે અને હવે તેઓ આ નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારશે. તેમણે કહ્યું કે અમે શરૂઆતથી જ ઘણી હિંમત કરીને રસ્તા પર ઉતર્યા હતા અને સત્તાધારી પક્ષના શક્તિશાળી નેતા સામે FIR નોંધાવી હતી. અનેક ખેલાડીઓ પર દબાણ કરવામાં આવ્યું, છતાં કેટલીક મહિલા રેસલર્સ અંત સુધી લડી.
વિનેશે વધુમાં આરોપ લગાવ્યો કે શરૂઆતથી જ સમગ્ર તંત્ર, સરકાર અને વ્યવસ્થા બ્રિજભૂષણને બચાવવા માટે કામ કરી રહી હતી. વિનેશે સ્પષ્ટ કર્યું કે આ લડત હજુ પૂર્ણ થઈ નથી અને મહિલા રેસલર્સ ન્યાય માટેની કાનૂની લડત ચાલુ રાખશે.
તેમણે જણાવ્યું કે તમામ મહિલા રેસલર્સે પોતાના વકીલોને ચુકાદા સામે અપીલ દાખલ કરવાની સૂચના આપી છે અને શક્ય તેટલી વહેલી તકે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે.
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 3, 2026
શું હતો સમગ્ર કેસ?
દિલ્હી પોલીસે જૂન 2023માં બ્રિજભૂષણ શરણ સિંહ સામે ભારતીય દંડ સંહિતાની યૌન ઉત્પીડન, પીછો કરવો (સ્ટોકિંગ), ધમકી આપવી અને મહિલાની લાજ ભંગ કરવા સંબંધિત કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં WFIના પૂર્વ સહાયક સચિવ વિનોદ તોમર પણ સહ-આરોપી હતા.
અંતિમ દલીલો પૂર્ણ થયા બાદ 2 જુલાઈએ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારબાદ વધારાના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ અશ્વિની પંવારે બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમરને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે.
બ્રિજભૂષણે શું કહ્યું?
ચુકાદા બાદ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે તેમણે શરૂઆતથી જ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જો એક પણ આરોપ સાબિત થશે તો તેઓ પોતાનું જીવન સમાપ્ત કરવા તૈયાર હતા. તેમણે કોર્ટના ચુકાદાને સન્માનજનક નિર્દોષ છૂટકારો”ગણાવ્યો અને પોતાના વકીલોનો આભાર માન્યો હતો.












