વંદે માતરમ્ની 150મી વર્ષગાંઠ: બંકિમચંદ્રજીના પરિવારે કર્યો મોટો ખુલાસો

નવી દિલ્હી: 11 ડિસેમ્બર, 2025: રાષ્ટ્રગીત :’વંદે માતરમ્’ ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે. સંસદના બંને ગૃહોમાં પણ આ મુદ્દે ગરમાગરમ ચર્ચાઓ જોવા મળી છે. આ દરમિયાન ગુરુવારે વંદે માતરમ્ના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની પાંચમી પેઢીના વારસદારોએ બંકિમચંદ્ર સાથે જોડાયેલી કેટલીક અજાણી અને રસપ્રદ વાતો શેર કરી હતી. સાથે જ તેમણે સરકાર સમક્ષ માંગ કરી છે કે બંકિમ બાબુના નામ પર એક યુનિવર્સિટી અને રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવે.
વંદે માતરમ્ સાથે જોડાયેલો અજાણ્યો કિસ્સો
બંકિમચંદ્રના પરિવારની પાંચમી પેઢીના સજલ ચટ્ટોપાધ્યાયે ગીતના સર્જન સમયનો એક અત્યંત રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો, જે તેમણે તેમના ઘરના વડીલો પાસેથી સાંભળ્યો હતો.
તેમણે જણાવ્યું કે, “જ્યારે બંકિમ બાબુએ ‘વંદે માતરમ્’ ગીત લખ્યું, ત્યારે તેમણે સૌથી પહેલા તે પોતાની મોટી દીકરીને વંચાવ્યું હતું. જોકે, તેમની દીકરીને આ ગીત બહુ પ્રભાવી ન લાગ્યું. એટલું જ નહીં, દીકરીએ તો ત્યાં સુધી સલાહ આપી દીધી હતી કે આ ગીતને તેમની પ્રખ્યાત નવલકથા ‘આનંદમઠ’ માં સામેલ ન કરવું જોઈએ.”
બંકિમચંદ્ર પોતાની મોટી દીકરીને ખૂબ સ્નેહ કરતા હતા, છતાં તેમણે ભવિષ્યવાણી કરતા હોય તેમ કહ્યું હતું, “આ ગીતને રહેવા દે. જ્યારે હું આ દુનિયામાં નહીં હોઉં, ત્યારે લોકો આના વિશે વાતો કરશે અને વિચારશે કે બંકિમ શું લખીને ગયા છે.”
સજલ ચટ્ટોપાધ્યાયે ભાવુક થતા કહ્યું કે આજે બંકિમ બાબુની એ વાત અક્ષરસઃ સાચી સાબિત થઈ રહી છે અને 150 વર્ષ પછી પણ દેશવાસીઓ આ ગીતને યાદ કરી રહ્યા છે.












