
Vadodara suicide news: વડોદરા જિલ્લામાં માનસિક અને સામાજિક સંજોગોને ઉજાગર કરતી બે અલગ-અલગ આત્મહત્યાની ઘટનાઓ સામે આવી છે. એક તરફ લાંબા સમયથી ગંભીર બીમારીઓનો સામનો કરી રહેલી મહિલાએ જીવનથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે, જ્યારે બીજી તરફ પિતાની ઠપકાથી મનમાં લાગી આવતાં એક યુવકે ઝેરી દવાનું સેવન કરી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. બંને બનાવોએ સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. સંબંધિત પોલીસ મથકોએ અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
લાંબા સમયથી બીમારીથી પીડાતી મહિલાએ જીવન ટૂંકાવ્યું
પ્રથમ બનાવ વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારના કેલનપુર ગામમાં આવેલી અક્ષર સિટી સોસાયટીમાં બન્યો હતો. અહીં રહેતી 52 વર્ષીય રામીલાબેન રાઠવા છેલ્લા ઘણા સમયથી વિવિધ ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ તેઓ થાઈરોઈડ, હાઈ બ્લડ પ્રેશર તેમજ મગજ સંબંધિત બીમારીથી પીડાતા હતા. સતત સારવાર છતાં સ્વાસ્થ્યમાં ખાસ સુધારો ન થતાં તેઓ છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે પણ ખૂબ વ્યથિત રહેતા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સતત રહેતી શારીરિક પીડા અને માનસિક તણાવના કારણે તેમણે પોતાના મકાનના બીજા માળના ધાબા પરથી નીચે ઝંપલાવી દીધું હતું. ધાબા પરથી નીચે પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઘટનાની જાણ થતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ત્યારબાદ તેમના પુત્ર ભાવેશભાઈ રાઠવાએ વરણામા પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે.
પિતાની સમજાવટ મનમાં લાગી આવતા યુવકે ભર્યું આ પગલું
બીજો બનાવ વડુ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પાદરા તાલુકાના ડબકા (બોડા તલાવડી) ગામમાં બન્યો હતો. અહીં રહેતો 30 વર્ષીય રમેશ સોલંકી છેલ્લા કેટલાક સમયથી કોઈ સ્થાયી કામધંધો કરતો ન હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે તેના પિતા સુરસિંગભાઈ સોલંકીએ તેને કામધંધો કરવા અને જવાબદારી સમજવા માટે ઠપકો આપ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, પિતાની આ વાત રમેશને મનમાં લાગી આવી હતી. ત્યારબાદ તેણે પોતાના ઘરે જ કોઈ ઝેરી દવાનું સેવન કરી લીધું હતું. થોડા સમય બાદ તેની તબિયત અચાનક બગડતાં પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
સારવાર દરમિયાન તબીબોએ મૃત જાહેર કર્યો
108 એમ્બ્યુલન્સની મદદથી રમેશને સૌથી પહેલા વડુ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, તેની સ્થિતિ વધુ ગંભીર હોવાથી તબીબોએ તેને વધુ સારવાર માટે વડોદરાની ગોત્રી જનરલ હોસ્પિટલમાં રિફર કર્યો હતો. ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ બનાવની જાણ થતા વડુ પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકના પરિવારજનો અને સંબંધિત લોકોના નિવેદનોના આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
બંને બનાવમાં પોલીસ તપાસ યથાવત
વરણામા અને વડુ પોલીસ દ્વારા બંને અલગ-અલગ બનાવોમાં અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પરિવારજનોના નિવેદન સહિતના આધારોના આધારે બંને કેસમાં આગળની તપાસ કરવામાં આવી રહી છે. આ બંને દુઃખદ ઘટનાઓ ફરી એકવાર દર્શાવે છે કે લાંબા સમયની બીમારી, માનસિક તણાવ અને પારિવારિક સંવાદ જેવી બાબતો વ્યક્તિના જીવન પર ગંભીર અસર કરી શકે છે.
આ પણ વાંચો: પેટ્રોલ પંપ પર તમારી મરજીનું ફ્યૂલ ભરાવી શકશો, નોર્મલ કે E20, સરકાર આપી શકે છે ઓપ્શન












