ગુજરાતટોપ ન્યૂઝ

VIDEO: OPD પાસે નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થતાં SSG હોસ્પિટલ એક્શનમાં, જાણો સમગ્ર મામલો

Vadodara SSG Hospital: વડોદરાની સયાજી જનરલ હોસ્પિટલ (SSG) ફરી એકવાર ચર્ચામાં આવી છે. હોસ્પિટલની OPD નજીક ત્રણ લોકો નમાઝ અદા કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાને લઈને હોસ્પિટલ પ્રશાસને તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલાની હકીકત જાણવા માટે સુપ્રિટેન્ડન્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

OPD વિસ્તારમાં ત્રણ લોકો નમાઝ પઢતા જોવા મળ્યા

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વડોદરાની SSG હોસ્પિટલના OPD વિસ્તાર પાસે ત્રણ લોકો નમાઝ અદા કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો ક્યારેનો છે અને તેમાં દેખાતા લોકો કોણ છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, વીડિયોમાં દેખાતા લોકો દર્દીના સગા-સંબંધીઓ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ ઘટના હોસ્પિટલના રજાના સમય દરમિયાન બની હોઈ શકે છે. જોકે, ઘટનાના સમયે સ્થળ પર કોઈ સુરક્ષા કર્મચારી દેખાતા ન હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે.

હોસ્પિટલ પ્રશાસને તપાસ શરૂ કરી

આ સમગ્ર મામલે SSG હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું છે કે વાયરલ વીડિયો હોસ્પિટલના ધ્યાનમાં આવ્યો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ સમગ્ર ઘટનાની સાચી માહિતી સામે આવશે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા એ પણ તપાસવામાં આવી રહ્યું છે કે નમાઝ અદા કરનાર લોકો કોણ હતા, તેઓ હોસ્પિટલમાં કયા કારણસર આવ્યા હતા અને ઘટના કયા સંજોગોમાં બની હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

MS યુનિવર્સિટીમાં પણ અગાઉ નમાઝના વીડિયો વાયરલ થયા હતા

વડોદરામાં આ પ્રકારની ઘટના પહેલીવાર સામે આવી નથી. થોડા વર્ષો અગાઉ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના કેમ્પસમાં પણ નમાઝ પઢવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. એક વીડિયોમાં યુનિવર્સિટીના સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટ નજીક એક યુવક અને યુવતી નમાઝ અદા કરતા જોવા મળ્યા હતા. આ મામલે તે સમયે ભારે ચર્ચા અને વિવાદ થયો હતો. આ ઉપરાંત સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગની એક વિદ્યાર્થિનીનો પણ કેમ્પસમાં નમાઝ અદા કરતો વીડિયો વાયરલ થયો હતો. તે સમયે પણ યુનિવર્સિટી પ્રશાસન અને વિદ્યાર્થીઓમાં આ મુદ્દો ચર્ચાનું કારણ બન્યો હતો.

હાલ SSG હોસ્પિટલના વાયરલ વીડિયોને લઈને તપાસ ચાલી રહી છે અને તપાસ બાદ જ સમગ્ર ઘટનાની સ્થિતિ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: આલિયા ભટ્ટની ‘Alpha’નું ટ્રેલર થયું રિલીઝ, 2.33 મિનિટમાં એક્શન-થ્રિલરનો ધમાકો

 

 

Back to top button