ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરામાં નાળ સાથે નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો, પોલીસ દોડતી થઈ

Body of newborn baby girl found: વડોદરામાં ફરી એક વાર નવજાત શિશુને તરછોડવાની દર્દનાક ઘટના સામે આવી છે. ગોરવા-પંચવટી વિસ્તારમાં નર્મદેશ્વર કો-ઓપરેટિવ સોસાયટીની દીવાલ પાસે એક તાજા જન્મેલી બાળકીનો મૃતદેહ નાળ સાથે જ રસ્તા પર પડેલો મળી આવ્યો છે. આ જોઈને સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઈ છે અને આવા અમાનવીય કૃત્ય પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

ઘટના પંચવટી સર્કલથી લક્ષ્મીપુરા તરફ જતા માર્ગ પર ઘનશ્યામ પાર્ક પાસે બની છે. ત્યાંથી પસાર થતા એક લારીવાળાએ આ માસૂમ બાળકીને જોઈને તરત જ સ્થાનિક ગલ્લાવાળાઓ અને સોસાયટીના રહીશોને જાણ કરી હતી. ત્યારબાદ 112 કંટ્રોલ રૂમને સૂચના મળતાં ગોરવા પોલીસ સ્ટેશનની ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોલીસે બાળકીને કાળજીપૂર્વક પોટલીમાં લપેટીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડી, પરંતુ ત્યાંના તબીબોએ તેને મૃત જાહેર કરી દીધી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન બાળકીની ડાબી આંખ પાસે લોહીના ડાઘા જોવા મળ્યા હતા, જે તેને ફેંકતી વખતે થયેલી ઈજાને કારણે હોઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે બાળકીની નાળ હજુ સુધી કાપવામાં આવી ન હતી, જેનાથી પોલીસને અનુમાન છે કે પ્રસૂતિ કોઈ ઘર અથવા ખાનગી જગ્યાએ જ થઈ હશે અને તરત જ આ નિર્દોષ જીવને રસ્તા પર તરછોડી દેવામાં આવ્યો હશે.

મૃતદેહને વધુ તપાસ માટે ગોત્રી મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. બાળકીના અસલી માતા-પિતાની ઓળખ કરવા માટે DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ પોલીસે આસપાસના વિસ્તારોમાં લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવાનું અને આસપાસની હોસ્પિટલોના ડિલિવરી રેકોર્ડ તપાસવાનું કામ ઝડપથી શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, બેવડી નાગરિકતા કેસમાં FIR નોંધવાનો હાઈકોર્ટનો આદેશ

 

 

Back to top button