અમેરિકાએ યુક્રેનને ‘નાટો જેવી’ સુરક્ષાની ગેરંટીની ઓફર કરી, રિપોર્ટમાં દાવો

વોશિંગ્ટન ડીસી, તા. 16 ઓગસ્ટ, 2025: અમેરિકાએ યુક્રેન માટે સુરક્ષા ગેરંટીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે નાટો સભ્ય દેશો વચ્ચેના સંયુક્ત સંરક્ષણ કરાર જેવો જ છે. જોકે, આ પ્રસ્તાવનો અર્થ એ નથી કે યુક્રેન નાટોમાં સામેલ થઈ જશે. આ પ્રસ્તાવ અંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી.
ન્યૂઝ એજન્સી એએફપીના અહેવાલ મુજબ, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અને એક રાજદ્વારીએ જણાવ્યું કે, ટ્રમ્પની ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓ સાથેની આ વાતચીત રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથેની શિખર વાર્તા પછી થઈ હતી. રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું કે, આ પ્રસ્તાવમાં અમેરિકાએ યુક્રેન માટે ‘બિન-નાટો આર્ટિકલ-5’ જેવી સુરક્ષાની ગેરંટી આપવાની વાત કરી છે.
અહેવાલ મુજબ, રશિયન રાષ્ટ્રપતિ પુતિને પણ આ પ્રસ્તાવ પર પોતાની સહમતિના સંકેત આપ્યા છે. મેલોનીએ એક નિવેદનમાં કહ્યું કે, આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય સામૂહિક સુરક્ષાને વ્યાખ્યાયિત કરવાનો છે, જેથી જો રશિયા ફરી હુમલો કરે તો યુક્રેન કાર્યવાહી માટે તૈયાર રહી શકે અને તેને અમેરિકા સહિત તમામ સહયોગીઓનો ટેકો મળી શકે તેમ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વારંવાર યુક્રેનને પશ્ચિમી દેશોના સૈન્ય સંગઠન નાટોમાં સામેલ થવાની શક્યતાને નકારી કાઢી છે. અલાસ્કામાં બેઠક પહેલાં, ટ્રમ્પે ઝેલેન્સ્કીને ફોન કરીને આ સંયુક્ત સુરક્ષા પ્રસ્તાવનો મુદ્દો ઉઠાવ્યો હતો, અને બાદમાં યુરોપિયન દેશો સાથેની વાતચીતમાં પણ તેનો ઉલ્લેખ કર્યો હતો.
આ મામલા પર નજર રાખતા અન્ય એક સૂત્રએ પુષ્ટિ કરી છે કે યુક્રેનને નાટો જેવી સુરક્ષા ગેરંટી આપવા અંગે ચર્ચા થઈ છે. જોકે, આ પ્રસ્તાવ કેવી રીતે કામ કરશે અને નાટોના સખત વિરોધી પુતિન આ માટે કેમ સહમત થયા, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.
આ પણ વાંચોઃ રાજકોટના હિરાસર એરપોર્ટ પર સામાન્ય વરસાદમાં પણ છતમાંથી ધોધમાર પાણી પડ્યું












