ઘરઆંગણે ઘેરાયા, હોર્મુઝ પર ફસાયા… ઈરાનની આ સ્ટ્રેટેજી સામે કેવી રીતે લાચાર બન્યા ટ્રમ્પ

US Iran War: અમેરિકા-ઈરાન યુદ્ધના 32મા દિવસે પણ, મધ્ય પૂર્વ સંકટ ક્યારે અને કેવી રીતે સમાપ્ત થશે તે અંગે વિશ્વ અનિશ્ચિત છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ વારંવાર હોર્મુઝ સ્ટ્રેટ ન ખોલવા બદલ ઈરાનને ધમકી આપી રહ્યા છે. ટ્રમ્પ એટલા ગૂંચવાયેલા દેખાઈ રહ્યા છે કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની ડેડલાઇન વારંવાર આગળ ધપાવી રહ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા મધ્યપૂર્વમાં ફસાઈ ગયું છે.
20 વર્ષમાં ઈરાને પોતાના હથિયારોને આધુનિક બનાવ્યા
IIMCના પ્રોફેસર શિવાજી સરકારના મતે, અમેરિકાએ ઈરાનને ઓછું આંક્યું છે. ગયા વર્ષે જૂનમાં ઈરાન સાથે થયેલી 12 દિવસની લડાઈ પછી પણ અમેરિકા સમજી શક્યું નથી કે ઈરાન ફરીથી એટલી ઝડપથી કેવી રીતે ઉભું થઈ ગયું. છેલ્લા બે દાયકામાં ઈરાને પોતાની ટેકનોલોજી અને હથિયારોના વિકાસ પર ખૂબ જ ધ્યાન આપ્યું છે. ખાસ કરીને ડ્રોન ટેકનોલોજી અપનાવી અને મિસાઇલ સિસ્ટમને વધુ આધુનિક બનાવવા પર કામ કર્યું છે. આ ઉપરાંત, ઈરાનના ઘણા એવા મિત્ર દેશો પણ છે, જેમને અમેરિકા પસંદ કરતું નથી. આ મિત્ર દેશોની મદદથી ઈરાને પોતાનો પ્રભાવ અને પ્રભુત્વ વધુ મજબૂત બનાવ્યું છે.
ટ્રમ્પનો દાવ અમેરિકા પર જ ભારે પડ્યો
ઈરાને એક મહત્વપૂર્ણ કામ એવું પણ કર્યું છે કે તેણે માત્ર એક જ સેન્ટ્રલ કમાન બનાવવાને બદલે અનેક અલગ-અલગ કમાન બનાવી છે, જેમાં દરેકની જવાબદારીઓ સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવી છે. આથી જો એક કમાન નિષ્ક્રિય થઈ જાય, તો બીજું તરત તેની જવાબદારી સંભાળી લે છે. અમેરિકાને લાગ્યું હતું કે જો ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઈને નિશાન બનાવવામાં આવે અથવા તેના સૈન્ય અધિકારીઓને મારી નાખવામાં આવે તો પરિસ્થિતિ કાબૂમાં આવી જશે, પરંતુ એવું થયું નથી. આ યુદ્ધમાં અમેરિકાના સાથી દેશો પણ તેની સાથે ખુલ્લેઆમ જોડાયા નહોતા, જે અમેરિકા માટે ઉલટું નુકસાનકારક સાબિત થયું.
ઈરાને યુદ્ધનો વ્યાપ વધાર્યો
અમેરિકાને લાગ્યું હતું કે ઇઝરાયલ તરફથી મિસાઇલ હુમલા થઈ રહ્યા હોવાથી ઈરાન ફક્ત તેને જ નિશાન બનાવશે, પરંતુ તેહરાને યુદ્ધનો વિસ્તાર વધારીને તેમાં ગલ્ફ દેશોને પણ સામેલ કરી દીધા. ઈરાને વ્યૂહરચના બનાવીને ગલ્ફ દેશોમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકોને નિશાન બનાવ્યા. આ વિસ્તારોમાં આવેલા તમામ અમેરિકન રોકાણોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા. આ જ કારણ છે કે હવે દુબઈ એરપોર્ટ પણ યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી.
અમેરિકામાં થી રહ્યો છે ટ્રમ્પનો વિરોધ
અમેરિકાએ ક્યારેય વિચાર્યું નહોતું કે આ યુદ્ધ તેના માટે બહુ-પરિમાણીય (મલ્ટી-ડાયમેન્શનલ) સાબિત થશે. તેથી જ હવે અમેરિકાને સમજાતું નથી કે આગળ શું કરવું. યુએસમાં આ યુદ્ધને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ વધી રહ્યો છે. માત્ર ટ્રમ્પ પ્રશાસન જ નહીં, પરંતુ આખું અમેરિકા હાલમાં આ મુશ્કેલીમાં છે કે આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો. આ સમયે ઈરાનની વ્યૂહાત્મક નીતિએ અમેરિકાની ઊંઘ ઉડાવી દીધી છે. ટ્રમ્પની હતાશાનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે યુદ્ધ પહેલાં એક અઠવાડિયા સુધી ઈરાનને નષ્ટ કરવાની વાત કરનાર અમેરિકન રાષ્ટ્રપતિ હવે શાંતિ પ્રસ્તાવની વાત કરી રહ્યા છે.
આ પણ વાંચો: કેનેડાના સરેમાં વધુ એક ભારતીય મૂળના યુવકની હત્યાથી સનસનાટી












