ગેરકાયદે ઓનલાઇન બેટિંગ કેસમાં ઉર્વશી રૌતેલાને EDનું તેડું, 16 તારીખે થશે પૂછપરછ

નવી દિલ્હીઃ 14 સપ્ટેમ્બર, 2025: Urvashi Rautela Money Laundering Case: ગેરકાયદે ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહી વધુ તેજ બની છે. 1xBet બેટિંગ એપ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલે EDએ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને સમન્સ પાઠવ્યું છે.
ઉર્વશી રૌતેલાને ઈડીનું તેડું
EDએ ઉર્વશીને 16 સપ્ટેમ્બરે અને પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તીને 15 સપ્ટેમ્બરે દિલ્હી મુખ્યાલયમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે, જ્યાં EDની ટીમ બંનેની પૂછપરછ કરશે. EDએ આ કેસમાં પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના અને શિખર ધવનની પણ પૂછપરછ કરી છે.
નાણાંકીય વ્યવહારોની કરશે પૂછપરછ
ED સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ, ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને 1xBet એપના પ્રમોશન સંબંધિત વ્યવહારોના સંદર્ભમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તેમના બેન્ક ખાતા અને નાણાંકીય વ્યવહારો વિશે પૂછપરછ કરવામાં આવશે. ED જાણવા માંગે છે કે, આ સટ્ટાબાજી એપ્લિકેશનને પ્રમોટ કરવા માટે તેમને પૈસા કેવી રીતે અને ક્યાંથી મળ્યા. આ તપાસ આ મોટા મની લોન્ડરિંગ કેસનો એક ભાગ છે.
પહેલાં પણ અનેક હસ્તીઓ સાથે કરાઈ પૂછપરછ
આ પહેલાં પણ, EDએ ઘણી હાઈ-પ્રોફાઇલ હસ્તીઓની પૂછપરછ કરી છે. જૂન 2025માં, પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, યુવરાજ સિંહ, સુરેશ રૈના, એક્ટર સોનુ સૂદ અને ઉર્વશી રૌતેલાને 1xBet, FairPlay, Parimatch અને Lotus 365 જેવી એપ્સનો પ્રચાર કરવા બદલ સમન્સ મોકલવામાં આવ્યા હતા. તાજેતરમાં, શિખર ધવનને 4 સપ્ટેમ્બરે સમન્સ મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમણે PMLA હેઠળ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. ઓગસ્ટમાં, સુરેશ રૈના પણ દિલ્હીમાં હાજર થયા હતા અને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.
ED અધિકારીઓ આ સટ્ટાબાજી સિન્ડિકેટ સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આગામી દિવસોમાં વધુ લોકોને સમન્સ જાહેર કરવામાં આવી શકે છે. EDનું લક્ષ્ય આ સમગ્ર ગેરકાયદે નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવાનું અને મની લોન્ડરિંગમાં સામેલ તમામ લોકોને ન્યાયના કઠેડામાં લાવવાનું છે.
આ પણ વાંચોઃ ‘લડો યા મરો’, લંડનમાં ભડકેલી હિંસાને મસ્કનો ટેકો; વિરોધીઓએ પોલીસને લાતો અને મુક્કા માર્યા
આ પણ વાંચોઃ સિક્કિમ પર કુદરતો માર! ભૂસ્ખલનમાં એક શખસ અને પાંચ ગાયોનું મૃત્યુ












