માત્ર ભારત જ નહીં! 15 ઓગસ્ટે આ 5 દેશોમાં પણ ઉજવાય છે આઝાદી-રાષ્ટ્રીય ગૌરવનો દિવસ

Independent Day: 15 ઓગસ્ટ આવે એટલે દરેક ભારતીયનું હૃદય દેશભક્તિના રંગે રંગાઈ જાય છે. વર્ષ 1947માં આ જ દિવસે ભારતે લાંબા બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી હતી. લાલ કિલ્લા પર તિરંગો, સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અને દેશભરમાં યોજાતા કાર્યક્રમો 15 ઓગસ્ટને ભારતના સૌથી મહત્ત્વપૂર્ણ દિવસોમાં સ્થાન અપાવે છે, પરંતુ શું તમે જાણો છો કે 15 ઓગસ્ટ માત્ર ભારત માટે જ ઐતિહાસિક તારીખ નથી? દુનિયાના અન્ય પાંચ દેશો માટે પણ આ દિવસ સ્વતંત્રતા, મુક્તિ અથવા રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલો છે.
ભારત ઉપરાંત બહેરીન, રિપબ્લિક ઓફ કોંગો, દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા અને લિખટેંસ્ટાઇનમાં 15 ઓગસ્ટનું વિશેષ રાષ્ટ્રીય મહત્ત્વ છે. જોકે પાંચેય દેશોમાં આ દિવસને સીધો ‘સ્વતંત્રતા દિવસ’ ઉજવે છે તે કહેવું સંપૂર્ણ રીતે યોગ્ય નથી. દરેક દેશ પાછળ અલગ ઐતિહાસિક કહાની છે.
1. ભારત: 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ શાસનનો અંત
ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. લગભગ બે સદીના અંગ્રેજ શાસન અને લાંબા સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ ભારત દેશ સ્વતંત્ર બન્યો હતો. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ સહિત અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સામાન્ય ભારતીયોના સંઘર્ષ તથા બલિદાનથી આઝાદીનું સપનું સાકાર થયું. 15 ઓગસ્ટના દિવસે દિલ્હીના લાલ કિલ્લા પરથી ભારતના વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને દેશને સંબોધિત કરે છે. 2026માં ભારત 15 ઓગસ્ટે પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. ભારત 1947માં સ્વતંત્ર થયું હોવાથી સ્વતંત્રતાના 79 વર્ષ પૂર્ણ થાય છે, જ્યારે 15 ઓગસ્ટ 1947ને પ્રથમ સ્વતંત્રતા દિવસ ગણતાં 2026ની ઉજવણી 80મી બને છે.
2. દક્ષિણ કોરિયા: 15 ઓગસ્ટ છે પ્રકાશ પાછો મળ્યાનો દિવસ
દક્ષિણ કોરિયા માટે પણ 15 ઓગસ્ટ ખૂબ જ મહત્ત્વનો દિવસ છે. કોરિયન દ્વીપકલ્પ 1910થી 1945 સુધી જાપાનના કબજા હેઠળ હતો. બીજા વિશ્વયુદ્ધના અંત સમયે જાપાનના શરણાગતિ સ્વીકાર્યા બાદ 15 ઓગસ્ટ 1945ના રોજ કોરિયાને જાપાની શાસનમાંથી મુક્તિ મળી. દક્ષિણ કોરિયામાં આ દિવસને ‘ગ્વાંગબોકજેઓલ’ તરીકે ઓળખવામાં આવે છે. તેનો અર્થ લગભગ ‘પ્રકાશ પાછો મળ્યાનો દિવસ’ થાય છે. આ દિવસે દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રીય સ્તરે વિવિધ કાર્યક્રમો યોજાય છે અને જાપાની શાસનમાંથી મુક્તિ મેળવવાની ઐતિહાસિક ઘટનાને યાદ કરવામાં આવે છે.
3. ઉત્તર કોરિયા: 15 ઓગસ્ટે જાપાની શાસનમાંથી મુક્તિની યાદ
ઉત્તર કોરિયા પણ 15 ઓગસ્ટને જાપાની શાસનમાંથી કોરિયાની મુક્તિ સાથે જોડીને ઉજવે છે. 1910માં કોરિયા પર જાપાનનું શાસન સ્થાપિત થયું હતું અને બીજા વિશ્વયુદ્ધના અંત સાથે 1945માં તેનો અંત આવ્યો હતો. આથી ઉત્તર અને દક્ષિણ કોરિયાની રાજકીય વ્યવસ્થા આજે ભલે એકબીજાથી સંપૂર્ણ અલગ હોય, પરંતુ બંને દેશોના આધુનિક ઇતિહાસમાં 15 ઓગસ્ટ 1945નું વિશેષ સ્થાન છે. બંને દેશોમાં આ દિવસ જાપાની કબજામાંથી મુક્તિની યાદ સાથે જોડાયેલો છે.
4. બહેરીન: 15 ઓગસ્ટ 1971ના રોજ બ્રિટનથી સ્વતંત્ર થયું
ખાડી દેશ બહેરીનના ઇતિહાસમાં પણ 15 ઓગસ્ટનું વિશેષ સ્થાન છે. બહેરીને 15 ઓગસ્ટ 1971ના રોજ બ્રિટનથી પોતાની સ્વતંત્રતા જાહેર કરી હતી. બહેરીનની સત્તાવાર માહિતી મુજબ દેશ 15 ઓગસ્ટ 1971ના રોજ યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્ર થયો હતો, પરંતુ અહીં એક રસપ્રદ તફાવત છે. બહેરીનને સ્વતંત્રતા 15ઓગસ્ટે મળી હોવા છતાં તેનો સત્તાવાર National Day ડિસેમ્બરમાં ઉજવવામાં આવે છે. એટલે ભારતની જેમ બહેરીનમાં 15 ઓગસ્ટે મુખ્ય રાષ્ટ્રીય દિવસની ઉજવણી થતી નથી.
5. રિપબ્લિક ઓફ કોંગો: ફ્રાન્સથી મળી આઝાદી
આફ્રિકાના રિપબ્લિક ઓફ કોંગો માટે 15 ઓગસ્ટ વાસ્તવિક સ્વતંત્રતા દિવસ છે. રિપબ્લિક ઓફ કોંગોએ 15 ઓગસ્ટ 1960ના રોજ ફ્રાન્સના શાસનમાંથી આઝાદી મેળવી હતી. આ સમયગાળા દરમિયાન આફ્રિકાના અનેક દેશો યુરોપિયન વસાહતી શાસનમાંથી સ્વતંત્ર થઈ રહ્યા હતા. કોંગોમાં 15 ઓગસ્ટ રાષ્ટ્રીય સ્તરે Independence Day તરીકે ઉજવાય છે. આ દિવસે કોંગોમાં પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશની આઝાદીને સમર્પિત વિવિધ આયોજનો કરવામાં આવે છે.
6. લિખટેંસ્ટાઇન: 15 ઓગસ્ટે National Day
યુરોપનો નાનકડો દેશ લિખટેંસ્ટાઇન પણ 15 ઓગસ્ટે પોતાનો National Day ઉજવે છે, પરંતુ તેને સ્વતંત્રતા દિવસ કહેવું યોગ્ય નથી. લિખટેંસ્ટાઇન સરકારની સત્તાવાર માહિતી પ્રમાણે 15 ઓગસ્ટનો National Day વર્ષ 1940માં શરૂ કરવામાં આવ્યો હતો. આ તારીખ તે સમયના શાસક Prince Franz Josef IIના જન્મદિવસની નજીક હતી અને 15 ઓગસ્ટ ખ્રિસ્તી પરંપરામાં Feast of the Assumptionનો દિવસ પણ છે. આજે પણ લિખટેંસ્ટાઇનમાં 15 ઓગસ્ટે જાહેર રજા રહે છે અને વડુઝમાં શાહી પરિવારની હાજરી સાથે મોટા કાર્યક્રમો યોજવામાં આવે છે.












