ગુજરાતટોપ ન્યૂઝ

બે સિવિલ હોસ્પિટલ વચ્ચે સારવાર માટે ભટકતી વૃદ્ધ માતાનું મોત; પરિવારનો ગંભીર આક્ષેપ, પોસ્ટમોર્ટમની માગ

Ahmedabad Accident Treatment: અમદાવાદમાં અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી 58 વર્ષીય નૂરન શેહઝાદ પઠાણ ઉર્ફે પૂજાબેનના મૃત્યુ બાદ સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. પરિવારનો આક્ષેપ છે કે અકસ્માત બાદ વૃદ્ધ મહિલાને સારવાર માટે સોલા સિવિલ અને અસારવા સિવિલ હોસ્પિટલ વચ્ચે વારંવાર ભટકવું પડ્યું હતું. ગંભીર હાલત હોવા છતાં સમયસર યોગ્ય સારવાર ન મળતા અંતે તેમનું મોત થયું હોવાનું પરિવારનું કહેવું છે. મૃતકના પુત્ર સમીર પઠાણે માતાના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી છે.

પરિવારના જણાવ્યા અનુસાર, 31 મે, 2026ની મધરાત્રિ બાદ આશરે 1:30 વાગ્યે સમીર પઠાણ અને તેમની માતા નૂરનબેન સોલા સિવિલ હોસ્પિટલ સામે આવેલા બ્રિજ નીચે આરામ કરી રહ્યા હતા. તે દરમિયાન GJ-18-EE-2756 નંબરની એક કાર ચાલકે નૂરનબેનને ટક્કર મારી હતી અને કાર તેમને સોલા સિવિલથી સોલા ભાગવતના દરવાજા સુધી ઘસેડીને લઈ ગઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં નૂરનબેનને આશરે 1:45 વાગ્યે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સમીર પઠાણના જણાવ્યા મુજબ, સોલા સિવિલ હોસ્પિટલમાં લગભગ ત્રણ કલાક સુધી પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ સવારે આશરે 4:30 વાગ્યે દર્દીને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવા જણાવાયું હતું. ત્યારબાદ તેઓ સવારે લગભગ 5 વાગ્યે માતાને લઈને અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં સારવાર શરૂ કરવામાં આવી હતી.

પરિવારનો દાવો છે કે આશરે આઠ દિવસ સુધી સારવાર ચાલી હોવા છતાં દર્દીની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો થયો નહોતો. તેમ છતાં 8 જૂનના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું પરિવારનું કહેવું છે. સમીરે માતાની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં જ રાખવા વિનંતી કરી હતી, પરંતુ તેમને ઘરે લઈ જવા અને ઓપીડીમાં નિયમિત બતાવતા રહેવા સૂચના આપવામાં આવી હોવાનું તેઓ જણાવે છે.

રજા મળ્યા બાદ સમીર પોતાની માતાને ફરી સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. તેમના જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સ અને અન્ય વ્યવસ્થામાં આશરે ₹1,400નો ખર્ચ થયો હતો. જોકે સોલા સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીને દાખલ કરવામાં આવ્યા ન હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે. પરિણામે 8 અને 9 જૂનની રાત માતા-પુત્રે સોલા સિવિલ હોસ્પિટલ સામે આવેલા બ્રિજ નીચે જ પસાર કરી હતી.

પરિવારના જણાવ્યા મુજબ, અકસ્માત સર્જનાર કારના ચાલક અતુલભાઈ પટેલે શરૂઆતમાં સમીરનો સંપર્ક કરીને સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાની ખાતરી આપી હતી અને પોલીસ ફરિયાદ ન કરવા વિનંતી કરી હતી. જોકે સારવારનો ખર્ચ વધતાં બાદમાં ખર્ચ આપવાનો ઇનકાર કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે. ત્યારબાદ સમીરે 10 જૂનના રોજ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

10 જૂનના રોજ સોલા સિવિલ હોસ્પિટલના સ્ટાફે ફરી 108 એમ્બ્યુલન્સ મારફતે નૂરનબેનને અસારવા સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા. પરિવારનો દાવો છે કે તે દિવસે પણ દર્દીને દાખલ કરવામાં આવ્યા નહોતા. વારંવાર એમ્બ્યુલન્સમાં લઈ જવાની ફરજ પડતાં એક દિવસના આવવા-જવાનો આશરે ₹2,800 જેટલો ખર્ચ થતો હતો, જે ગરીબ પરિવાર માટે ભારે બોજ સાબિત થયો હતો.

પરિવારના જણાવ્યા મુજબ, 10 જૂનની રાત પણ માતા-પુત્રે અસારવા સિવિલ હોસ્પિટલની બહાર જ વિતાવી હતી. બીજા દિવસે ઓપીડીમાં તપાસ દરમિયાન એક વરિષ્ઠ તબીબે દર્દીની ગંભીર સ્થિતિ જોઈ તાત્કાલિક દાખલ કરવાની ભલામણ કરી હતી. ત્યારબાદ 11 જૂનથી ફરી અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તબીબોએ નૂરનબેનના ઘૂંટણમાં ગંભીર ઈજા હોવાનું તેમજ સર્જરીની જરૂર હોવાનું પરિવારને જણાવ્યું હતું. આ દરમિયાન આયુષ્માન ભારત કાર્ડ અંગે પણ પૂછવામાં આવ્યું હતું. સમીરના જણાવ્યા મુજબ, પરિવાર પાસે આયુષ્માન કાર્ડ કે અન્ય જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ નહોતા.

સમીર પઠાણે જણાવ્યું કે પરિવાર પાસે પોતાનું કોઈ ઘર નથી અને તેઓ સોલા બ્રિજ નીચે રહે છે. પિતાના અવસાન બાદ માતાની સારવાર અને સંભાળની સમગ્ર જવાબદારી તેમના પર જ આવી હતી. પરિવારના જણાવ્યા મુજબ, 11 જૂનથી લઈને 25 જુલાઈ સુધી નૂરનબેન અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યા હતા. ત્યારબાદ 26 જુલાઈની રાત્રે તેમનું મોત થયું હતું.

માતાના મૃત્યુ બાદ સમીર પઠાણે પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી છે, જેથી મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવી શકે. અકસ્માતમાં થયેલી ગંભીર ઈજાઓ, ત્યારબાદની સારવાર અને અંતે થયેલા મૃત્યુ વચ્ચે કોઈ સીધો તબીબી સંબંધ છે કે નહીં તે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તબીબી દસ્તાવેજોના આધારે સ્પષ્ટ થશે.

હાલ સમગ્ર મામલે પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે આ તમામ આક્ષેપો અંગે હોસ્પિટલ તંત્ર, સંબંધિત તબીબો અને પોલીસ તરફથી સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, તબીબી રેકોર્ડ અને તપાસ બાદ જ સમગ્ર ઘટનાની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.

આ પણ વાંચો: નેપાલમાં ફરી ચાલશે 200-500ની ભારતીય ચલણી નોટ, જાણો શું છે નિયમો

Back to top button