ગુજરાત

બેટ દ્વારકાના સમુદ્રમાં મળ્યા હજારો વર્ષ જૂના પ્રાચિન બંદરના અવશેષો, ઈતિહાસપ્રેમીઓ અને સંશોધકોમાં ભારે ઉત્સાહ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકાના સમુદ્રમાં તાજેતરમાં અંડરવોટર શોધ થઈ છે. જેના કારણે ઈતિહાસપ્રેમીઓ અને સંશોધકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે. ભારત સરકારના આર્કિયોલોજી વિભાગની મરીન ટીમ દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન સમુદ્રના તળિયે અત્યંત મહત્ત્વપૂર્ણ પુરાતત્વીય અવશેષો મળી આવ્યા છે, જે દ્વારકાના પ્રાચીન વૈભવને નવી દ્રષ્ટિકોણ આપે છે.

આ શોધાયેલા અવશેષોમાં સુવ્યવસ્થિત માળખા અને ગલીઓ જેવી રચનાઓ સ્પષ્ટપણે જોવા મળી હતી, જે સૂચવે છે કે, જે તે સમયે આયોજિત શહેરીકરણ થયું હશે. આ ઉત્ખનન દરમિયાન વ્યાપારી અને ઔદ્યોગિક ગતિવિધિઓના અનેક પુરાવાઓ પણ મળ્યા છે. આ સાથે જ શોધોમાં રોમન સિક્કા, રોમન એમ્ફોરા (માટીના પાત્રો), ટોર્પિડો આકારના જહાજોના અવશેષો અને વિદેશી પોટરી (માટીકામ)નો સમાવેશ થાય છે. આ તમામ પુરાવાઓ સૂચવે છે કે, આ પ્રાચીન બસ્તીનું વ્યાપક દરિયાઈ વેપાર થતો હતો અને તેના આંતરરાષ્ટ્રીય સંબંધો પણ હતા. અહીં અનેક પ્રકારના ઉદ્યોગો કાર્યરત હોવાની પણ માહિતી મળી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સમુદ્રની અંદર સુનિયોજીત પ્રાચીન નગરના નિશાન મળ્યા

 

આ ઉત્ખનન દરમિયાન સમુદ્રની અંદર સુનિયોજીત પ્રાચીન નગરના નિશાન મળ્યા હોવાનું સામે આવ્યું છે. આ નગરમાં સુવ્યવસ્થિત ગલીઓ, માળખાકીય રચનાઓ અને વિશાળ બાંધકામના અવશેષો જોવા મળ્યા જે દર્શાવે છે કે, તે સમયનું શહેર વિકાસશીલ અને આયોજનબદ્ધ હતું. પ્રાથમિક અંદાજ મુજબ આ અવશેષો આશરે સવા બે હજાર વર્ષ જેટલા જૂના હોવાનું મનાય છે. આ શોધમાં નોંધનીય છે કે, સમુદ્રના તળિયેથી રોમન સિક્કાઓ પણ મળ્યા છે. આ સિક્કાઓથી સંકેત મળે છે કે દ્વારકાનો વેપાર વિદેશી સંસ્કૃતિઓ સાથે પણ જોડાયેલો હતો અને તે સમયગાળામાં આ વિસ્તાર વૈશ્વિક વેપાર કેન્દ્ર તરીકે વિકસિત રહ્યો હશે.

આ શોધે નવા પ્રશ્નો અને નવી શક્યતાઓ ઊભી કરી

 

દ્વારકા અને બેટ દ્વારકાનો ઉલ્લેખ પ્રાચીન સાહિત્ય અને ધાર્મિક ગ્રંથોમાં વારંવાર જોવા મળે છે. આથી આ સ્થળો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. અગાઉ પણ અનેક ઇતિહાસકારો અને પુરાતત્વવિદો દ્વારા અહીં સંશોધન કરવામાં આવ્યું છે, પરંતુ તાજેતરની આ શોધે નવા પ્રશ્નો અને નવી શક્યતાઓ ઊભી કરી છે.

હાલમાં ગરમી વધવાથી આ અંડરવોટર સંશોધનને તાત્કાલિક અસરથી સ્થગિત કરાયું છે. જો કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની અંડર વોટર આર્કિયોલોજી વિંગ દ્વારા નવેમ્બર મહિનામાં ફરીથી સંશોધન શરૂ કરાશે. આગામી અભિયાનથી દ્વારકાના પ્રાચીન ઈતિહાસ વિશે વધુ સ્પષ્ટ અને મહત્વપૂર્ણ માહિતી મળવાની આશા વ્યક્ત કરાઈ રહી છે.

 

આ પણ વાંચો : સુરતમાં સ્કૂલોના સમર કેમ્પમાં બાળકોને મોજ પડી, ખો-ખો, કબડ્ડી અને ગિલ્લી-ડંડા જેવી દેશી રમતો રમાડાઈ

Back to top button