WhatsApp Username ફીચર બનશે સ્કેમર્સ માટે નવું હથિયાર? સરકાર કરશે સુરક્ષા તપાસ

Tech News: WhatsAppએ તાજેતરમાં પોતાનું નવું User ID (Username) ફીચર રજૂ કર્યું છે, જેના દ્વારા હવે યુઝર્સ પોતાનો મોબાઇલ નંબર શેર કર્યા વગર પણ અન્ય લોકો સાથે ચેટ શરૂ કરી શકશે. કંપનીનું કહેવું છે કે આ ફીચર યુઝર્સની પ્રાઇવસી વધુ મજબૂત બનાવશે. જોકે ભારત સરકાર આ નવા ફીચરને લઈને સતર્ક બની છે અને તેના સુરક્ષા પાસાઓની તપાસ કરવાની તૈયારીમાં છે.
સરકારને કેમ છે ચિંતા?
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર તપાસ કરશે કે WhatsAppનું નવું Username ફીચર ક્યાંક સાયબર ગુનેગારો અને ઓનલાઈન ઠગો માટે નવું સાધન તો નહીં બની જાય. જો તપાસ દરમિયાન કોઈ ગંભીર સુરક્ષા ખામી સામે આવશે, તો WhatsAppની પેરેન્ટ કંપની Metaને નોટિસ પણ મોકલવામાં આવી શકે છે.
મોબાઇલ નંબર વગર થશે ચેટ
અત્યાર સુધી WhatsApp પર કોઈ નવા વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરવા માટે તેનો મોબાઇલ નંબર હોવો જરૂરી હતો. નવા User ID ફીચર બાદ હવે યુઝર્સ માત્ર યુઝરનેમ દ્વારા પણ એકબીજા સાથે જોડાઈ શકશે. આથી મોબાઇલ નંબર અજાણ્યા લોકો સાથે શેર કરવાની જરૂર નહીં રહે અને પ્રાઇવસીમાં વધારો થશે.
સ્કેમર્સ કરી શકે છે ખોટો ઉપયોગ
સરકારની મુખ્ય ચિંતા એ છે કે જો કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ, કંપની અથવા જાણીતી હસ્તી જેવા મળતા આવતા યુઝરનેમ બનાવી લે, તો લોકો સરળતાથી છેતરાઈ શકે છે. ખોટી ઓળખ સાથે સંપર્ક કરીને સાયબર ઠગાઈના નવા રસ્તા ખુલવાની શક્યતા નકારી શકાય નહીં.
આવો અનુભવ અગાઉ Telegram જેવા પ્લેટફોર્મ પર પણ જોવા મળ્યો છે, જ્યાં નકલી યુઝરનેમ અને ફેક પ્રોફાઇલ દ્વારા અનેક લોકોને છેતરવાના બનાવો સામે આવ્યા હતા.
WhatsAppએ કયા સુરક્ષા પગલાં લીધા?
WhatsAppનું કહેવું છે કે દરેક User ID Unique હશે અને કેટલીક જાણીતી વ્યક્તિઓ, બ્રાન્ડ્સ અથવા હાઈ-પ્રોફાઇલ નામોને સુરક્ષિત રાખવામાં આવશે, જેથી તેમની નકલ ન થઈ શકે.
કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈ જાહેર Username Directory ઉપલબ્ધ નહીં હોય. એટલે કે કોઈ વ્યક્તિનું User ID ત્યારે જ ઉપયોગમાં લઈ શકાશે જ્યારે તે તમને પહેલેથી જાણતો હશે. નિષ્ણાતોનું માનવું છે કે પ્રાઇવસી વધારવા માટે આ ફીચર ઉપયોગી સાબિત થઈ શકે છે, પરંતુ તેની સાથે મજબૂત ઓળખ ચકાસણી અને સાયબર સુરક્ષા પણ એટલી જ જરૂરી રહેશે.












