ભારતમાં સાયબર સુરક્ષા વધુ મજબૂત કરવા CERT-In નો મોટો નિર્ણય: એન્થ્રોપિકના શક્તિશાળી AI મોડેલનું પરીક્ષણ શરૂ
CERT-In Anthropic Claude Mythos AI access: ભારત સરકારની મુખ્ય સાયબર સુરક્ષા એજન્સી ‘કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ – ઇન્ડિયા’ (CERT-In) એ દેશના સાયબર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુરક્ષિત અને અદ્યતન બનાવવા માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીઇઆરટી-ઇન એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રની જાણીતી કંપની એન્થ્રોપિક (Anthropic) ના અત્યંત શક્તિશાળી AI મોડેલ ‘ક્લાઉડ માયથોસ’ (Claude Mythos) ની એક્સેસ સફળતાપૂર્વક મેળવી લીધી છે. માયથોસ મુખ્યત્વે સાયબર સુરક્ષામાં મદદ કરવા અને વિવિધ સિસ્ટમમાં રહેલી ટેકનિકલ ખામીઓ તથા નબળાઈઓને શોધવા માટે ખાસ ડિઝાઈન કરવામાં આવ્યું છે. કંપની દ્વારા આ વર્ષના એપ્રિલ મહિનામાં જ માયથોસને લોન્ચ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કેટલાક AI એજન્ટો દ્વારા ભારતના પસંદગીના સંસ્થાનોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશીને સાયબર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરાયો હોવાના અહેવાલો સામે આવ્યા બાદ એજન્સી દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
ચુસ્ત અને નિયંત્રિત વાતાવરણમાં થશે માયથોસનું પરીક્ષણ
રિપોર્ટ્સ અનુસાર, CERT-In ક્લાઉડ માયથોસનું પરીક્ષણ અત્યંત સાવધાનીપૂર્વક અને ધીમી ગતિએ ક્રમશઃ તબક્કાવાર રીતે હાથ ધરવાની યોજના ધરાવે છે. ‘અહેવાલ મુજબ, સુરક્ષાના કડક ધોરણોને ધ્યાનમાં રાખીને સીઇઆરટી-ઇન હાલમાં માયથોસને કોઈપણ પ્રકારના બાહ્ય ડિજિટલ ઉપકરણો કે ઓપન નેટવર્ક સાથે કનેક્ટ કર્યા વિના માત્ર નિયંત્રિત વાતાવરણમાં ચકાસી રહ્યું છે, જેથી સીધા પરીક્ષણ દરમિયાન કોઈ સુરક્ષા જોખમ ઊભું ન થાય.
માત્ર માયથોસ નહીં, અન્ય સમકક્ષ AI મોડેલો પણ એજન્સીની રડારમાં
CERT-In માત્ર ક્લાઉડ માયથોસ સુધી સીમિત ન રહેતા અન્ય અદ્યતન AI મોડેલોનું પણ ઝીણવટભર્યું પરીક્ષણ કરી રહ્યું છે. આ અન્ય મોડેલોમાં માયથોસ જેવી જ આશરે 80 થી 85% જેટલી સાયબર સુરક્ષા ક્ષમતાઓ રહેલી છે. વિવિધ AI મોડેલોનો એકસાથે ઉપયોગ અને મૂલ્યાંકન કરવાની આ વ્યૂહરચનાથી સરકારી એજન્સીને કોઈ એક ચોક્કસ મોડેલ કે ટેકનોલોજી પર નિર્ભર રહેવું પડશે નહીં, અને સુરક્ષા વધારે મજબૂત બનશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
એપ્રિલથી ચાલી રહી છે કવાયત
ઉલ્લેખનીય છે કે ક્લાઉડ માયથોસ સૌપ્રથમ આ જ વર્ષના એપ્રિલ મહિનામાં વિશ્વભરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં કંપની દ્વારા ‘પ્રોજેક્ટ ગ્લાસવિંગ’ નામના વિશેષ પ્રોગ્રામ હેઠળ વિશ્વની પસંદગીની સંસ્થાઓને જ આ ટેકનોલોજી વાપરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ શક્તિશાળી સિસ્ટમ મૂળભૂત રીતે સાયબર સુરક્ષાની જટિલ નબળાઈઓ અને ટેકનિકલ ખામીઓ સમયસર શોધીને તેને પૂરવા માટે જ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: હવે Google પર AIથી જવાબ પૂછવું થોડું અલગ! Search Barથી AI Mode બટન હટાવવા કંપની કરી રહી છે પરીક્ષણ












