ચીનની કંપની પર ગૂગલની લાલ આંખ: સેટ-ટોપ બોક્સ દ્વારા ચાલતા વિશાળ બોટનેટ કૌભાંડનો પર્દાફાશ!

Android TV Box Malware Scandal: ટેકનોલોજી જગતમાંથી એક અત્યંત ચોંકાવનારા અને ગંભીર સમાચાર સામે આવ્યા છે. ગૂગલ દ્વારા કરવામાં આવેલા એક મોટા ખુલાસામાં એ વાતનો પર્દાફાશ થયો છે કે એક અધિકૃત એન્ડ્રોઇડ પાર્ટનર કંપનીએ જાણી જોઈને અને ઇરાદાપૂર્વક આશરે 13 લાખ ડિવાઇસમાં ખતરનાક માલવેર ઇન્સ્ટોલ કર્યું હતું. આ માલવેરના માધ્યમથી એક વિશાળ બોટનેટ તૈયાર કરવામાં આવ્યું હતું, જે ગુપ્ત રીતે યૂઝર્સના ડિવાઇસ અને તેમના ઇન્ટરનેટ કનેક્શનને દૂરથી એક્સેસ કરતું હતું. ગૂગલના અહેવાલ મુજબ, આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ ચીનના શેનઝેનમાં સ્થિત ‘વીડિયોસ્ટ્રોંગ ટેકનોલોજી’ નામની ઉત્પાદક કંપનીનો હાથ હોવાનું સામે આવ્યું છે, જેણે આ માલવેર દ્વારા નાણાકીય લાભ મેળવવાનું કાવતરું રચ્યું હતું.
એન્ડ્રોઇડ ટીવી સેટ-ટોપ બોક્સ બન્યા મુખ્ય શિકાર
ગૂગલે તેની સત્તાવાર બ્લોગપોસ્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે કંપની ખૂબ જ મજબૂત પુરાવા અને વિશ્વાસ સાથે એ વાતનું મૂલ્યાંકન કરે છે કે વીડિયોસ્ટ્રોંગ ટેકનોલોજીસે આ બેકડોર અને બોટનેટને સીધા ઉપકરણોમાં બનાવ્યું અને ઇન્સ્ટોલ કર્યું હતું, ત્યારબાદ નાણાકીય ફાયદા માટે તેનું સંચાલન કરવામાં આવતું હતું. આ માલવેર મુખ્યત્વે એન્ડ્રોઇડ ટીવી સેટ-ટોપ બોક્સમાં મોટા પ્રમાણમાં જોવા મળ્યો હતો. આ બોટનેટના કારણે ઉત્પાદક કંપની યુઝર્સની જાણ વગર તેમના ઇન્ટરનેટ કનેક્શન અને ડેટાનો દુરુપયોગ કરી રહી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ કોઈ સામાન્ય કર્મચારીની કે સોફ્ટવેર ડેવલપમેન્ટની ભૂલ નહોતી, પરંતુ એક પૂર્વ આયોજિત ષડયંત્ર હતું.
ગૂગલે કંપની પર મૂક્યો કડક પ્રતિબંધ
આ ગંભીર સુરક્ષા ભંગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગૂગલે વીડિયોસ્ટ્રોંગ ટેકનોલોજી સામે આકરી કાર્યવાહી હાથ ધરી છે. ગૂગલે હવે આ કંપનીને સર્ટિફાઇડ એન્ડ્રોઇડ ઉપકરણોના ઉત્પાદન, વેચાણ તેમજ તેમના માટે કોઈપણ પ્રકારના સોફ્ટવેર પૂરા પાડવા પર કાયમી પ્રતિબંધ મૂકી દીધો છે. ઉલ્લેખનીય છે કે વીડિયોસ્ટ્રોંગ ટેકનોલોજી એ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM) અને ઓરિજિનલ ડિઝાઇન મેન્યુફેક્ચરર (ODM) તરીકે કામ કરતી કંપની છે, જે અન્ય ગ્રાહકો માટે તેમજ પોતાના બ્રાન્ડના ઉત્પાદનો તૈયાર કરે છે. વર્ષ 2011 માં સ્થપાયેલી આ કંપનીના દાવા મુજબ તેના ઉત્પાદનો વિશ્વભરના 60 થી વધુ દેશોના 100 મિલિયનથી વધુ ઘરો સુધી પહોંચેલા છે.
બોટનેટ શું છે અને તેનાથી ડિવાઇસને કેવું નુકસાન થાય છે?
ગૂગલના જણાવ્યા અનુસાર, બોટનેટ એ માલવેર દ્વારા ચેપગ્રસ્ત કરાયેલા ડિવાઇસનું એક એવું નેટવર્ક હોય છે જેના પર હેકર્સ કે સાયબર અપરાધીઓ રિમોટલી સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે. આ પ્રકારના ચેપગ્રસ્ત ઉપકરણોનો ઉપયોગ મુખ્યત્વે જાહેરાત સાથે જોડાયેલી છેતરપિંડી (એડ ફ્રોડ), યુઝર્સનો ખાનગી ડેટા ચોરવા અને અન્ય ઘાતક માલવેર ઇન્સ્ટોલ કરવા માટે થાય છે. જોકે આ હુમલાનો ભોગ મોટાભાગે એન્ડ્રોઇડ ટીવી સેટ-ટોપ બોક્સ બન્યા હતા, પરંતુ ગૂગલની તપાસમાં આ માલવેર ટેલિહેલ્થ ઉપકરણો, કરાઓકે મશીનો અને ડિજિટલ સિગ્નેજ સિસ્ટમ્સમાં પણ મળી આવ્યો છે. આ બોટનેટના સર્વર્સ અને ડોમેન્સને નિષ્ક્રિય કરવા માટે ગૂગલે કાનૂની પગલાં પણ લીધા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અગાઉ પણ સામે આવી ચૂક્યા છે આવા કેસો
એન્ડ્રોઇડ ઉપકરણો પર બોટનેટ હુમલા થવાનો આ પહેલો કિસ્સો નથી, અગાઉ પણ આવા અનેક મોટા કૌભાંડો પ્રકાશમાં આવ્યા છે. ગત વર્ષે જર્મન કાયદાકીય અધિકારીઓએ ‘બેડબોક્સ’ નામના એક મોટા બોટનેટને સફળતાપૂર્વક બ્લોક કર્યું હતું, જેના કારણે લાખો એન્ડ્રોઇડ ડિવાઇસ પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત ‘Vo1d’ નામના અન્ય એક ખતરનાક બોટનેટે અગાઉ આશરે 1.6 મિલિયન એન્ડ્રોઇડ ટીવીને સંક્રમિત કર્યા હતા. આ સતત વધી રહેલી ઘટનાઓ સ્માર્ટ ડિવાઇસની સુરક્ષા અને પ્રાઇવસી સામે મોટા સવાલો ઊભા કરી રહી છે.
આ પણ વાંચો: ‘આજ રાત તમારું કનેક્શન કટ થઈ જશે…’: વોટ્સએપ પર આવો મેસેજ આવે તો થઈ જાવ સાવધાન!












