ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

ઇન્ટરનેટ વિના ચાલશે AI! ભારતે લોન્ચ કર્યાં 3 સ્વદેશી મોડલ

AI: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે ભારતે વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારના IT મંત્રાલય અને IndiaAI Missionના સહયોગથી દેશમાં તૈયાર કરવામાં આવેલા ત્રણ સ્વદેશી AI મોડલ EKA-1, Dhir 2B અને Dhir 5B લોન્ચ કરવામાં આવ્યા છે. આ ત્રણેય મોડલની ખાસિયત એ છે કે તે ભારતીય ભાષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યાં છે. તેમાંથી Dhir 2B અને Dhir 5Bને સ્માર્ટફોન અને લેપટોપમાં ડાઉનલોડ કરીને ઇન્ટરનેટ વિના પણ ઉપયોગ કરી શકાશે. આથી યુઝર્સને વારંવાર ઇન્ટરનેટ પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે અને વ્યક્તિગત ડેટાની સુરક્ષા જાળવવામાં પણ મદદ મળી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

EKA-1 AI મોડલમાં શું છે ખાસ?

EKA-1 મોડલ બેંગલુરુની સ્ટાર્ટઅપ કંપની Soket Labs દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ત્રણેય મોડલમાં EKA-1 સૌથી મોટું અને શક્તિશાળી મોડલ છે. તેને ખાસ કરીને મુશ્કેલ ગણિતના પ્રશ્નો ઉકેલવા, સોફ્ટવેર કોડિંગ અને લોજિકલ કામો કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ મોડલ એકસાથે અનેક પ્રકારનાં કામ સમજીને તેના જવાબ આપી શકે છે. EKA-1માં 26.3 અબજ પેરામીટર્સ છે અને તેને 7.5 ટ્રિલિયન ટોકન્સના ડેટા પર ટ્રેન કરવામાં આવ્યું છે. તે અંગ્રેજી ઉપરાંત ભારતની તમામ 22 અનુસૂચિત ભાષાઓને સપોર્ટ કરે છે. બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસ અને સાઇબર સિક્યોરિટી જેવા ક્ષેત્રોમાં પણ આ મોડલનો ઉપયોગ થઈ શકે છે.

Dhir 2B અને Dhir 5B ઇન્ટરનેટ વિના કરશે કામ

Dhir 2B અને Dhir 5B મોડલ ZenteiQ AiTech Innovations દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. EKA-1ની સરખામણીએ આ બંને મોડલ કદમાં નાના છે અને રોજિંદા કામોને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ બંને ઓપન સોર્સ મોડલ છે. તે અંગ્રેજી ઉપરાંત 10 ભારતીય ભાષાઓને સમજી શકે છે. તેની મદદથી દસ્તાવેજોમાંથી જરૂરી માહિતી શોધવી, મહત્ત્વના મુદ્દાઓ અલગ તારવવા અને રોજિંદાં અનેક કામ સરળતાથી કરી શકાશે. આ મોડલની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને સ્માર્ટફોન અને લેપટોપમાં ડાઉનલોડ કર્યા બાદ ઇન્ટરનેટ કનેક્શન વિના પણ ઉપયોગ કરી શકાશે.

ઓફલાઇન AIના ઉપયોગથી શું ફાયદો થશે?

સામાન્ય રીતે AI ટૂલ્સનો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેટ કનેક્શન જરૂરી હોય છે. જોકે, Dhir મોડલ સીધા યુઝરના ડિવાઇસ પર કામ કરશે. આથી વ્યક્તિગત માહિતીને પ્રોસેસ કરવા માટે વારંવાર બહારના સર્વર પર મોકલવાની જરૂરિયાત ઘટી શકે છે. તેના કારણે ડેટાની સુરક્ષા જાળવવામાં મદદ મળી શકે છે. ખાસ કરીને સંવેદનશીલ માહિતી સાથે કામ કરતા સંરક્ષણ વિભાગ, સરકારી કચેરીઓ અને શિક્ષણ ક્ષેત્ર માટે આ મોડલ ઉપયોગી સાબિત થઈ શકે છે.

સરકારે આ AI મોડલ તૈયાર કરવામાં કેવી રીતે મદદ કરી?

AI મોડલ તૈયાર કરવા અને તેને ટ્રેન કરવા માટે મોટા પ્રમાણમાં નાણાં અને કમ્પ્યુટિંગ પાવરની જરૂર પડે છે. IndiaAI Mission હેઠળ સરકારે આ સ્ટાર્ટઅપ્સને ઓછા ખર્ચે કમ્પ્યુટિંગ સંસાધનો ઉપલબ્ધ કરાવ્યા હતા. આ ઉપરાંત, સંશોધન માટે આર્થિક સહાય પણ આપવામાં આવી હતી. સરકારના આ સહયોગથી જ આ સ્વદેશી AI મોડલ તૈયાર કરવાની પ્રક્રિયાને આગળ વધારવામાં મદદ મળી છે.

Back to top button