ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

Team India : T20 વર્લ્ડ કપ જીત્યા બાદ પણ સુર્યકુમાર યાદવ બહાર, આ ખેલાડી બનશે નવો કેપ્ટન

IPL 2026  : IPL 2026 સીઝન પછી જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પાછું આવશે, ત્યારે ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. થોડા સપ્તાહ પહેલા ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ ટાઇટલ અપાવનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવને તેમના કેપ્ટનપદેથી મુક્ત કરી શકાય છે. ખરાબ ફોર્મથી સંઘર્ષ કરી રહેલા તેમને T20 ટીમના કેપ્ટનપદેથી દૂર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, પસંદગી સમિતિ વર્તમાન ભારતીય કેપ્ટનના પ્રદર્શનથી ચિંતિત છે અને તેમને આ જવાબદારીથી છીનવી શકે છે. સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરને પણ નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી અપેક્ષા છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં ખુલાસો થયો છે કે, અજિત અગરકરની આગેવાની હેઠળની સિનિયર પુરુષ પસંદગી સમિતિ ટીમ ઇન્ડિયાની આગામી શ્રેણી માટે પસંદગી પ્રક્રિયા દરમિયાન કેપ્ટનપદે ફેરફારની જાહેરાત કરી શકે છે. ટીમ ઇન્ડિયાની આગામી T20 શ્રેણી આયર્લેન્ડ સામે છે, જેના માટે ભારતીય ટીમ તે દેશનો પ્રવાસ કરશે. આ શ્રેણી જૂનના છેલ્લા અઠવાડિયામાં રમાશે, અને સૂર્યકુમાર યાદવને તેમના કેપ્ટનપદેથી મુક્ત કરી શકાય છે.

ટીમમાં પાછા ફર્યા પછી ઐયર કેપ્ટન બનશે !

અહેવાલો દર્શાવે છે કે, પસંદગીકારો વર્તમાન કેપ્ટન સૂર્યકુમાર યાદવના બેટિંગ પ્રદર્શનથી ખૂબ જ નિરાશ છે. પરિણામે, 2028માં યોજાનાર T20 વર્લ્ડ કપ અને ઓલિમ્પિક રમતો માટે ટીમની દાવેદારીને મજબૂત બનાવવા અને નવી ઉર્જા આપવા માટે કેપ્ટનશીપમાં ફેરફારની તૈયારીઓ ચાલી રહી છે. આમાં સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરનું T20 ટીમમાં વાપસી અને કેપ્ટન તરીકે તેમની નિમણૂકની મજબૂત શક્યતા શામેલ હોઈ શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

IPLમાં પહેલા દિલ્હી કેપિટલ્સ, પછી કોલકાતા નાઈટ રાઇડર્સ અને હવે પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે ઐયરે નોંધપાત્ર રીતે પ્રભાવિત કર્યા છે, આ સમય દરમિયાન તેમની વિસ્ફોટક બેટિંગે પણ ટીમમાં વાપસી માટે તેમનો કેસ મજબૂત બનાવ્યો છે. ઐયરે 2023થી ભારતીય T20 ટીમની બહાર છે. ત્યારથી, તેમની કેપ્ટનશીપ હેઠળ, KKR એ IPL ટાઇટલ જીત્યું, જ્યારે તેમણે પંજાબને ફાઇનલમાં પહોંચાડ્યું.

કેપ્ટનશીપમાં ટોપ, બેટિંગમાં ફ્લોપ

સૂર્યકુમાર યાદવને T20 વર્લ્ડ કપ 2024માં ભારતની ટાઇટલ જીત બાદ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, કારણ કે તત્કાલીન કેપ્ટન રોહિત શર્માએ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારથી, ટીમ ઈન્ડિયાએ સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ સતત સારું પ્રદર્શન કર્યું છે, T20 વર્લ્ડ કપ ટાઇટલનો બચાવ કર્યો છે. આ સમયગાળા દરમિયાન, સૂર્યાનો કેપ્ટન તરીકે જીતનો રેકોર્ડ 76.92 ટકા છે, જે તમામ ભારતીય કેપ્ટનોમાં શ્રેષ્ઠ છે.

પરંતુ બીજી બાજુ, કેપ્ટન બન્યા બાદ તેની બેટિંગ સતત બગડતી ગઈ છે. જુલાઈ 2024માં પૂર્ણ-સમય કેપ્ટન બન્યા બાદ, સૂર્યાએ 42 ઇનિંગ્સમાં ફક્ત 932 રન બનાવ્યા છે, જેમાં છ અડધી સદીનો સમાવેશ થાય છે. તે આ સમયગાળા દરમિયાન ચાર વખત પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો. તેની સરેરાશ ફક્ત 25.88 છે, અને તેનો સ્ટ્રાઇક રેટ પણ ફક્ત 152 છે. 2025 સીઝનમાં પણ, તે આખા વર્ષ દરમિયાન અડધી સદી ફટકારી શક્યો ન હતો અને 13 ની સરેરાશથી ફક્ત 218 રન બનાવી શક્યો હતો.

આ પણ વાંચો : ચોર ચોર TMC: ફ્લાઈટમાં મહુઆ મોઈત્રા સામે નારા લગાવ્યા, સાંસદ ગુસ્સે થયા

Back to top button