ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ટાટાની એરલાઇન કંપની એર ઈન્ડિયાને ફરી નોટિસ, ભૂલ સુધારવા માટે 15 દિવસનો સમય

  • એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ખાદ્ય પદાર્થોમાં બ્લેડ જેવી વસ્તુ મળી આવવાનો મામલો 

નવી દિલ્હી, 21 જૂન: ટાટા ગ્રુપની એર ઈન્ડિયા એરલાઈન ફરી એકવાર ચર્ચામાં આવી છે. હકીકતમાં, ભારતના ફૂડ રેગ્યુલેટર FSSAIએ ફ્લાઇટમાં ખાદ્ય પદાર્થોમાં બ્લેડ જેવી વસ્તુ મળવાના મામલામાં એરલાઇન કંપનીને કરેક્શન નોટિસ જારી કરી છે. એરલાઇનની ખાદ્ય સામગ્રીની સપ્લાય તાજસેટ્સ દ્વારા કરવામાં આવે છે. FSSAIએ એરલાઇન કંપનીને ભૂલ સુધારવા માટે 15 દિવસનો સમય પણ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો?

બેંગલુરુથી સાન ફ્રાન્સિસ્કો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરોને પીરસવામાં આવેલા ભોજનમાં બ્લેડ જેવી વસ્તુ મળી આવી હતી. આ પહેલા પણ ફ્લાઇટમાં મુસાફરોએ ઘણી વખત ખોરાકની ખરાબ ગુણવત્તાની ફરિયાદ કરી છે. હાલમાં જ ખાદ્ય ચીજવસ્તુમાં બ્લેડ જેવી વસ્તુ મળી આવતા આ નોટિસ પાઠવવામાં આવી છે. આ ઘટના 9 જૂનના રોજ બની હતી. FSSAIએ TajSATS બેંગલુરુ ખાતે એક નિરીક્ષણ હાથ ધર્યું. ત્યાંથી એરલાઈન્સને ખાદ્યપદાર્થો સપ્લાય કરવામાં આવ્યા હતા.

15 દિવસનું એક્સટેન્શન આપવામાં આવ્યું

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ, જો કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટર કોઈપણ નિયમનું પાલન કરવામાં નિષ્ફળ ગયો હોય અને વાજબી સમયગાળામાં જરૂરી પગલાં લેવા પડે તેમ હોય, તો તેને સુધારણા નોટિસ જારી કરી શકાય છે. તેમણે કહ્યું કે, કંપનીને 15 દિવસની અંદર નોટિસનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.

એર ઈન્ડિયા અને તેના કેટરિંગ પાર્ટનર TajSATS ટાટા ગ્રુપની માલિકીની છે. એરલાઈને સોમવારે આ ઘટના માટે માફી માંગી હતી. તેણે કહ્યું હતું કે આ ઘટના તેના કેટરિંગ પાર્ટનર TajSATS ખાતે ઉપયોગમાં લેવાતા વેજીટેબલ પ્રોસેસિંગ મશીનમાં બની હતી. ફૂડ સેફ્ટી ઓથોરિટીને જાણવા મળ્યું કે, ઓટોમેટિક વેજીટેબલ કટરની બ્લેડ અલગ થઈ ગઈ હતી અને શાકભાજીના ટુકડામાં ફસાઈ ગઈ હતી.

કયા-કયા પગલાં લેવા માટે સૂચનાઓ?

આવી ઘટનાઓને રોકવા માટે, TajSATS ને નિરીક્ષણ અને જાળવણી પ્રક્રિયાઓને મજબૂત કરવા તેમજ એક્સ-રે મશીનોની સ્થાપના અને શાકભાજીના મેન્યુઅલ કટિંગ સહિત અન્ય સુધારાત્મક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. FSSAIએ તાજેતરમાં ઈન્ડિગોને સુધારાની નોટિસ જારી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, FSSAIએ એરલાઇન્સ અને ખાદ્ય સપ્લાયર્સ સાથે ઘણી બેઠકો યોજી હતી અને તેમને ખાદ્ય સુરક્ષાના ધોરણોનું પાલન કરવા જણાવ્યું હતું.

આ પણ જુઓ: ટ્રેન મોડી પડતા મુસાફરે 50 હજાર વળતર માગ્યું, જાણો રેલવેએ કેટલી રકમ ચૂકવવી પડી

Back to top button