ગુજરાત

હીરાપરમાં જૂની પાણીની ટાંકી તોડતા મોટો અકસ્માત, મકાન-દુકાન પર ધરાશાયી થઈ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હીરાપર ગામમાં 20 વર્ષ જૂની પાણીની ટાંકી તોડવાની કામગીરી દરમિયાન મોટો અકસ્માત સર્જાયો હતો. અંદાજે 50 હજાર લીટર ક્ષમતા ધરાવતી ટાંકી નિયત દિશામાં પડવાની જગ્યાએ વિરુદ્ધ દિશામાં ધરાશાયી થઈને નજીકના મકાન અને દુકાન પર પડી હતી. ઘટનાથી થોડા સમય માટે ભારે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.

મકાન અને દુકાન પર જ પડી ટાંકી

ગામમાં નવી પાણીની વ્યવસ્થા ઊભી થયા બાદ જૂની ટાંકી તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. કામગીરી દરમિયાન ટાંકી પડવાની દિશાનો અંદાજ ખોટો પડતાં તે રજનીભાઈના મકાન અને દુકાન પર જ પડી ગઈ હતી. ટાંકી ધરાશાયી થતાં દુકાનમાં રહેલો ફ્રીઝ, કરિયાણાનો સામાન અને ફર્નિચર કાટમાળ નીચે દટાઈ ગયા હતા. મકાનના કેટલાક ભાગને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

દીવાલ, છત અને સોલાર હીટર પણ તૂટી ગયા

ટાંકી પડવાથી મકાનની દીવાલ, છજ્જુ, છત અને સોલાર વોટર હીટરને નુકસાન થયું હતું. અચાનક ભારે ધડાકા સાથે ટાંકી ધરાશાયી થતાં આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો દોડી આવ્યા હતા. ઘટનામાં જાનહાનિ ન થતાં મોટી રાહત મળી છે, જોકે મિલકતને થયેલા નુકસાનનો અંદાજ હજી મેળવવામાં આવી રહ્યો છે.

તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સંકલનથી કામ ચાલતું હતું

પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી એન્જિનિયર કે.પી. બલદાણીયાના જણાવ્યા મુજબ જૂની ટાંકીને તોડવાની કામગીરી તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સંકલનથી ચાલી રહી હતી. આ દરમિયાન જ અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ જવાબદારી અને કામગીરીમાં કઈ બેદરકારી રહી તેની પણ ચર્ચા શરૂ થઈ છે.

કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી હતી કામગીરી

ટંકારા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ગૌતમ ભીમાણીના જણાવ્યા મુજબ હીરાપર ગ્રામ પંચાયત દ્વારા મોરબીના દિવ્યરાજસિંહ જાડેજાને ટાંકી તોડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. હવે ટાંકી ખોટી દિશામાં કેમ પડી, સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી કે નહીં અને કામગીરી પહેલાં આસપાસનો વિસ્તાર ખાલી કરાયો હતો કે નહીં જેવા મુદ્દાઓની તપાસ જરૂરી બની છે.

પંચ રોજકામ બાદ આગળની કાર્યવાહી

ઘટના બાદ ગામના તલાટી મંત્રી દ્વારા નુકસાનનું પંચ રોજકામ કરવામાં આવ્યું છે. મકાન અને દુકાનને થયેલા નુકસાનનો હિસાબ તૈયાર કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ બનાવે જૂની અને જોખમી રચનાઓ તોડતી વખતે ટેકનિકલ આયોજન અને સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત ફરી એકવાર સામે મૂકી છે.

આ પણ વાંચો: દશામાના નામે ચમત્કારના દાવા અને કરોડોનો ધંધો, જાથાએ ઉઠાવ્યા સવાલ

Back to top button