ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

CA ઇન્ટરમીડિયેટના પરિણામમાં વડોદરાનો ડંકો, ત્રણ વિદ્યાર્થીઓ દેશના ટોપ-50માં

CA Inter Result : વડોદરાના વિદ્યાર્થીઓએ CA ઇન્ટરમીડિયેટની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને શહેરનું ગૌરવ વધાર્યું છે. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા સપ્ટેમ્બર 2026માં લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ જાહેર થતાં વડોદરા સેન્ટરના ત્રણ વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં ટોપ-50માં સ્થાન મેળવ્યું છે. હર્ષ સરવૈયાએ દેશભરમાં 16મો રેન્ક મેળવી શહેરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

1,325માંથી 306 વિદ્યાર્થીઓ સફળ

વડોદરા સેન્ટર પરથી કુલ 1,325 વિદ્યાર્થીઓએ CA ઇન્ટરમીડિયેટની પરીક્ષા આપી હતી, જેમાંથી 306 વિદ્યાર્થીઓ સફળ થયા હતા. આ સાથે વડોદરા બ્રાન્ચનું કુલ પરિણામ 23.09 ટકા નોંધાયું હતું. બંને ગ્રૂપની પરીક્ષા આપનારા 473 વિદ્યાર્થીઓમાંથી 70 વિદ્યાર્થીઓએ બંને ગ્રૂપ પાસ કર્યા હતા. આ કેટેગરીમાં પરિણામ 14.80 ટકા રહ્યું હતું. જ્યારે 584 વિદ્યાર્થીઓએ ગ્રૂપ-1ની પરીક્ષા આપી હતી, જેમાંથી 113 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ગ્રૂપ-1નું પરિણામ 19.35 ટકા નોંધાયું હતું. બીજી તરફ, ગ્રૂપ-2ની પરીક્ષા આપનારા 268 વિદ્યાર્થીઓમાંથી 58 વિદ્યાર્થીઓ સફળ થતાં પરિણામ 21.64 ટકા રહ્યું હતું. દેશના પરિણામની વાત કરીએ તો ગ્રૂપ-1નું પરિણામ 23.14 ટકા, ગ્રૂપ-2નું 18.92 ટકા અને બંને ગ્રૂપનું સંયુક્ત પરિણામ 13.21 ટકા નોંધાયું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હર્ષ સરવૈયા દેશભરમાં 16મા ક્રમે

વડોદરાના હર્ષ સરવૈયાએ 600માંથી 468 ગુણ મેળવીને શહેરમાં પ્રથમ સ્થાન મેળવવાની સાથે ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 16મો ક્રમ હાંસલ કર્યો છે. આ ઉપરાંત મનિષ શર્માએ 435 ગુણ સાથે દેશભરમાં 46મો રેન્ક મેળવ્યો હતો. કણઝારિયા હર્ષએ 423 ગુણ મેળવીને ઓલ ઇન્ડિયા 49મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો. શહેરના અન્ય વિદ્યાર્થીઓએ પણ સારો દેખાવ કર્યો હતો. વ્રજેશ પરમારે 438 ગુણ સાથે વડોદરામાં બીજો ક્રમ મેળવ્યો હતો, જ્યારે ચૌધરી પાર્થ રમેશભાઈએ 420 ગુણ સાથે શહેરમાં પાંચમો ક્રમ હાંસલ કર્યો હતો.

ICAI ભવન ખાતે સફળ વિદ્યાર્થીઓ સાથે સંવાદ

પરીક્ષામાં સફળતા મેળવનારા વિદ્યાર્થીઓની મહેનત અને તૈયારી અંગે ચર્ચા કરવા WICASA દ્વારા સન ફાર્મા રોડ પર આવેલા ICAI ભવન ખાતે ખાસ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સફળતાની સફર અને પરિણામના વિશ્લેષણ પર ચર્ચા કરવામાં આવી હતી. CA ઇન્ટરમીડિયેટના આ પરિણામમાં વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ટોપ-50માં સ્થાન મેળવતાં શહેરના અન્ય CA અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળી છે.

આ પણ વાંચો : રખડતાં શ્વાન અને ઢોરના અકસ્માતો મુદ્દે હાઈકોર્ટની ટકોર, NHAI પાસે માગ્યો જવાબ

Back to top button