ગુજરાત યુનિવર્સિટીની ભરતી અટકી, મંજૂરીના અભાવે હજારો ઉમેદવારોની આશાઓ અધ્ધર

Gujarat-University Recruitment: ગુજરાત યુનિવર્સિટીમાં દિવ્યાંગ સહિત વિવિધ કેટેગરીની આશરે 142 જગ્યાઓ માટે શરૂ કરાયેલી ભરતી પ્રક્રિયા છેલ્લા એક વર્ષથી અટવાયેલી છે. રાજ્યના શિક્ષણ વિભાગની મંજૂરી ન મળતાં ભરતીનું પરિણામ જાહેર થવાની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો અસમંજશમાં મુકાયા છે. પ્રિલિમ્સ પરીક્ષા પાસ કર્યા બાદ મેઈન્સ આપી ચૂકેલા આશરે 5 હજાર ઉમેદવારો છેલ્લા છ મહિનાથી પરિણામ અને નિમણૂકની રાહ જોઈ રહ્યા છે.
યુનિવર્સિટીએ ઓગસ્ટ 2025માં ક્લાર્ક સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી હતી. ત્યારબાદ 14 અને 15 માર્ચે પ્રિલિમ્સ પરીક્ષા યોજાઈ હતી, જેમાં 5,400થી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા. પ્રિલિમ્સમાં સફળ થયેલા ઉમેદવારો માટે 29 અને 30 એપ્રિલે મેઈન્સ પરીક્ષા લેવામાં આવી હતી. હવે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થયાના મહિનાઓ બાદ પણ ભરતી અંગેનો નિર્ણય ન થતાં ઉમેદવારોમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
અગાઉના વિવાદને પગલે સરકારની મંજૂરી માગી
અગાઉ ગુજરાત યુનિવર્સિટીએ આશરે 167 ઉમેદવારોની ભરતી પ્રક્રિયા પોતાની રીતે હાથ ધરતાં મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. આ વખતે આવી સ્થિતિ ફરી ઊભી ન થાય તે માટે યુનિવર્સિટીએ ભરતીને લગતી ફાઈલ રાજ્યના શિક્ષણ વિભાગને મંજૂરી માટે મોકલી આપી હતી. જોકે, લાંબો સમય વીતી જવા છતાં મંજૂરી ન મળતાં ભરતી પ્રક્રિયા આગળ વધી શકી નથી. મુખ્ય પરીક્ષા આપી ચૂકેલા ઉમેદવારો હવે પરિણામ અને નિમણૂકની રાહ જોઈ રહ્યા છે. ભરતીમાં વિલંબને કારણે ઉમેદવારોના ભવિષ્ય પર અસર થઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઉમેદવારોની માગ છે કે વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને ભરતી અંગે વહેલી તકે નિર્ણય લેવામાં આવે.
એક તરફ ઝડપી ભરતીની સૂચના, બીજી તરફ મંજૂરીમાં વિલંબ
આ મામલે શિક્ષણ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. વિભાગે ગત જાન્યુઆરીમાં પરિપત્ર બહાર પાડીને રાજ્યની 14 યુનિવર્સિટીઓને ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપી હતી. પરિપત્રમાં જણાવ્યા મુજબ, નાણાં વિભાગ દ્વારા જે જગ્યાઓ જે પગારધોરણમાં મંજૂર કરવામાં આવી હોય, તે જગ્યાઓ માટે સંબંધિત નાણાકીય વર્ષમાં જ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. જો યુનિવર્સિટી દ્વારા વિલંબ થવાથી જગ્યાઓ સ્થગિત થાય અથવા રદ થાય, તો તેની જવાબદારી યુનિવર્સિટીના કુલસચિવની રહેશે.
આમ, એક તરફ યુનિવર્સિટીઓને સમયસર ભરતી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે, જ્યારે બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીની ભરતી માટે જરૂરી મંજૂરીની રાહ જોવાઈ રહી છે. હવે શિક્ષણ વિભાગ ક્યારે નિર્ણય લે છે અને ઉમેદવારોને ભરતી અંગે ક્યારે સ્પષ્ટતા મળે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો : મહેસાણાના ટ્રસ્ટની આડમાં લાખોની ઠગાઈ, વધુ વળતરની લાલચ આપી રોકાણકારોને ફસાવ્યા












