ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

બાબર આઝમની ધીમી બેટિંગ પાકિસ્તાન માટે ‘માથાનો દુખાવો’, રિકી પોન્ટિંગ અને રવિ શાસ્ત્રીએ આપી કડક સલાહ

નવી દિલ્હીઃ 9 ફેબ્રુઆરી, 2026: ટી20 વર્લ્ડ કપ 2026 માં નેધરલેન્ડ્સ સામેના મુકાબલા બાદ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમની બેટિંગ ફોર્મ અને સ્ટ્રાઈક રેટ ચર્ચાનો વિષય બન્યા છે. ક્રિકેટ જગતના દિગ્ગજો રિકી પોન્ટિંગ અને રવિ શાસ્ત્રીનું માનવું છે કે બાબરની ધીમી બેટિંગ પાકિસ્તાન ટીમનું સંતુલન બગાડી રહી છે.

બાબરે પોતાનો અભિગમ બદલવો પડશે: રિકી પોન્ટિંગ

ICC રિવ્યૂમાં વાત કરતા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યું, “જ્યારે તમે 18 બોલમાં 15 રન બનાવો છો, ત્યારે તમે માત્ર તમારા પર જ નહીં પરંતુ સામેના છેડે ઉભેલા બેટ્સમેન પર પણ દબાણ વધારો છો. બાબરે શરૂઆતથી જ બાઉન્ડ્રી મારવાનો પ્રયાસ કરવો જોઈએ, નહીં તો મેચનું મોમેન્ટમ ખતમ થઈ જાય છે. તેને ચોથા નંબરને બદલે ત્રીજા નંબરે બેટિંગમાં મોકલવો વધુ યોગ્ય રહેશે, જેથી પાવરપ્લેનો તે ફાયદો ઉઠાવી શકે.”

ડર્યા વગર રમવું પડશે: રવિ શાસ્ત્રી

ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ બાબરને સલાહ આપતા જણાવ્યું કે, “ભલે તમે પહેલા પાંચ બોલમાં આઉટ થઈ જાવ, તેની ચિંતા ન કરો, પરંતુ બાબરે બાઉન્ડ્રી શોધવી જ પડશે. બાબરે મેદાન પર સેટ થવા માટે વધુ સમય લેવાની પોતાની જૂની આદત બદલવી પડશે, કારણ કે ટી20 ફોર્મેટમાં દરેક બોલની કિંમત હોય છે.”

નેધરલેન્ડ સામે શું થયું હતું?

નેધરલેન્ડ સામે જ્યારે બાબર ક્રીઝ પર આવ્યો ત્યારે ટીમને 53 બોલમાં માત્ર 50 રન જોઈતા હતા. પરંતુ બાબરની ધીમી ઈનિંગને કારણે મેચ છેલ્લી ઓવર સુધી ખેંચાઈ હતી. કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા વસીમ અકરમે પણ બાબરને સ્પીડ વધારવાની ચેતવણી આપી હતી. અંતે ફહીમ અશરફની શાનદાર બેટિંગને કારણે પાકિસ્તાન મુશ્કેલીથી જીત્યું હતું.

ફખર ઝમાનનો વિકલ્પ?

ક્રિકેટ વિવેચકોનું માનવું છે કે જો બાબર આઝમ ચોથા નંબરે નિષ્ફળ જતો હોય, તો પાકિસ્તાને ટીમની બહાર બેઠેલા ફખર ઝમાન જેવા વિસ્ફોટક ખેલાડી વિશે વિચારવું જોઈએ. 150 થી વધુના સ્ટ્રાઈક રેટ ધરાવતા ફખર ઝમાન અથવા યુવા ખેલાડી ખ્વાજા નફીને તક આપવી પાકિસ્તાન માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

 

Back to top button