Surendranagar: પોલીસે ભોંયરામાંથી 42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Surendranagar Crime News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં દારૂબંધીના અમલ માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં ધજાળા પોલીસની ટીમે એક અત્યંત ચોંકાવનારા ઓપરેશનમાં બૂટલેગરોના ખતરનાક પેંતરાનો પર્દાફાશ કર્યો છે. સાંગોઈ ગામની સીમમાં ખેતરના વોંકળામાં જમીનની અંદર બનાવેલા એક ગુપ્ત ભોંયરામાંથી પોલીસે અંદાજે ₹ 42 લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો જપ્ત કર્યો છે.
પેટ્રોલિંગ દરમિયાન મળી સફળતા
ધજાળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.પી. ઝાલા અને તેમની ટીમ જ્યારે સાંગોઈ ગામની સીમમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે ખેતરના વિસ્તારમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. પોલીસ જ્યારે આરોપી રામકુ શાંતુભાઈ તકમરીયાની વાડી પાસેના વોંકળામાં તપાસ કરી રહી હતી, ત્યારે જમીન પર પથરાયેલી નવી માટીએ પોલીસનું ધ્યાન ખેંચ્યું હતું. શંકા જતાં પોલીસે ત્યાં ખોદકામ અને તપાસ શરૂ કરી હતી.
ભોંયરું જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી
માટી હટાવતા જ નીચે એક મોટું પ્લાસ્ટિકનું ઢાંકણ મળી આવ્યું હતું. આ ઢાંકણ ખોલતા જ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. બૂટલેગરોએ જમીનની અંદર એક આખું ભોંયરું તૈયાર કર્યું હતું, જેમાં વિદેશી દારૂની પેટીઓનો ખડકલો કરવામાં આવ્યો હતો. અંતરિયાળ વિસ્તારમાં પોલીસની નજરમાં ન આવે તે રીતે દારૂ સંતાડવાની આ અનોખી અને હચમચાવી દે તેવી પદ્ધતિએ સુરક્ષા એજન્સીઓને પણ વિચારતી કરી દીધી છે.
મુદ્દામાલની વિગત
પોલીસે આ ગુપ્ત ભોંયરામાંથી કલાકોની મહેનત બાદ દારૂનો જથ્થો બહાર કાઢ્યો હતો:
-
750 ml ની બોટલો: 1,704 નંગ
-
નાના ચપલા: 12,246 નંગ
-
કુલ બોટલો: 13,950 નંગ
-
કુલ કિંમત: અંદાજે ₹ 42,01,260/-
આરોપી ફરાર, શોધખોળ ચાલુ
આ દરોડા દરમિયાન મુખ્ય બૂટલેગર રામકુ ઉર્ફે લાલો તકમરીયા પોલીસના હાથમાં આવ્યો નહોતો અને તે અગાઉથી જ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. ધજાળા પોલીસે આરોપી વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
સાયલા પંથકમાં આટલા મોટા પાયે દારૂના જથ્થાનો પર્દાફાશ થતા અન્ય બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા હવે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કે આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો: 14 દિવસ બેંકોને તાળાં! એપ્રિલ મહિનાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ અહીં જુઓ












