સુરેન્દ્રનગર સિવિલમાં કલેક્ટરને ‘કોમન મેન’નો કડવો અનુભવ, કેસ કઢાવવા ગયા ને જવાબ મળ્યો – બારી બંધ છે

Collector Visit: અધિકારીઓને અવારનવાર કહેવાય છે, “જમીની હકીકત જુઓ, સામાન્ય માણસની જેમ જીવો” આ વખતે સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર ગુણવંત સોલંકી (જી.એચ. સોલંકી)એ આ વાતને અમલમાં મૂકી દીધી. સરકારી કાર, સિક્યુરિટી કે કોઈ ઔપચારિકતા વગર જ તેઓ સીધા સાદા ડ્રેસમાં સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા અને એક સામાન્ય દર્દીની જેમ કેસ બારી પર ઊભા રહી ગયા.
“ભાઈ, કેસ કાઢી આપો” – કલેક્ટરે સામાન્ય દર્દીની જેમ પૂછ્યું. પણ જવાબ આવ્યો… “કેસ બારી બંધ થઈ ગઈ છે, હવે કેસ નહીં નીકળે. OPD ટાઈમ પૂરો થઈ ગયો છે”
આ સાંભળી કલેક્ટરને કડવો અનુભવ થયો. પણ તેઓ માત્ર અનુભવ કરીને બેસી રહ્યા નહીં. તરત જ તેમણે આખી હોસ્પિટલની તપાસ શરૂ કરી દીધી. OPD, દવાખાનું, લેબોરેટરી, ઓપરેશન થિયેટર, પીડિયાટ્રિક વિભાગ, ડાયાલિસિસ, મહિલા-પુરુષ વોર્ડ સુધી ફરી ફરીને દર્દીઓ સાથે વાત કરી, તેમની હાલાકી સાંભળી અને ભોજનની ક્વોલિટી પણ તપાસી.
પછી તો સીધી અધિકારીઓ સાથે મીટિંગ
કલેક્ટર સાહેબે સ્પષ્ટ સૂચના આપી
– કેસ બારીમાં કોઈપણ સમયે તાત્કાલિક રજિસ્ટ્રેશન
– ABHA એપનો પૂરેપૂરો અમલ
– દર્દીઓની કોઈ પણ ફરિયાદનું ત્વરિત નિવારણ
– સારવારમાં કોઈ કચાશ ન રહે
સિવિલ સર્જન ડો. ચૈતન્ય પરમારે તાત્કાલિક અમલની ખાતરી આપી છે.
આ ઘટના એક મોટો સંદેશ આપે છે કે અધિકારીઓને પણ વારે વારે સામાન્ય નાગરિકની જીવન-શૈલી અનુભવવી જોઈએ. તો જ તંત્ર સાચી રીતે કામ કરશે. કલેક્ટર ગુણવંત સોલંકીની આ પહેલને લોકો તરફથી ખૂબ વધાવી લેવાઈ છે. હવે જોવાનું એ છે કે આ ‘સરપ્રાઈઝ વિઝિટ’ની અસર કેટલા દિવસ સુધી ચાલે છે અને સિવિલ હોસ્પિટલ ખરેખર દર્દી-મૈત્રીપૂર્ણ બને છે કે નહીં.












