
સુરત: ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે, જ્યાં ગુરુને જ્ઞાન અને સંસ્કારના પ્રતિક તરીકે પૂજવામાં આવે છે, ત્યાં સુરતમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર સમાજને ઝંઝોળી નાખ્યો છે. ઉધના વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં અભ્યાસ કરતા માત્ર 6 વર્ષના બાળકને શિક્ષકે સોટી વડે નિર્દયતાથી માર માર્યાનો ગંભીર આક્ષેપ થયો છે. બાળક અગાઉ ઓપન હાર્ટ સર્જરીમાંથી પસાર થઈ ચૂક્યો છે અને તેને માનસિક વિકાસ સંબંધિત તકલીફ પણ હોવા છતાં શિક્ષકે તેની સ્થિતિની અવગણના કરી હોવાનો પરિવારનો આરોપ છે.
ઘરે પહોંચ્યા બાદ સામે આવી હકીકત
શાળા પરથી ઘરે આવેલા બાળક સતત પીડાથી રડતો રહ્યો હતો. શરૂઆતમાં પરિવારને લાગ્યું કે કદાચ તે શાળાએ ન જવા માટે બહાનું કરી રહ્યો હશે. જોકે, કપડાં બદલાવતી વખતે બાળકની પીઠ, વાંસા, ગળાના પાછળના ભાગ અને છાતી પર સોટીના ગંભીર નિશાન જોવા મળ્યા. કેટલાક સ્થળે લોહી થીજી ગયું હતું. બાળક લાંબા સમય સુધી અસહ્ય પીડામાં હોવાથી પરિવાર તેને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તબીબોએ પણ ઈજાઓની ગંભીરતા નોંધ લીધી.
પરિવારનો આક્ષેપ: અગાઉથી જાણ હોવા છતાં દયા ન દાખવી
બાળકની માતાના જણાવ્યા મુજબ, તેમના પુત્રની તબિયત અંગે શાળાના શિક્ષકો અને આચાર્યને અગાઉથી માહિતગાર કરવામાં આવ્યા હતા. બાળકને ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે તેમજ તેનો માનસિક વિકાસ ધીમો હોવાથી તેને વિશેષ કાળજીની જરૂર છે. છેલ્લા કેટલાક દિવસોથી બાળક ઘરે આવીને કહેતો હતો કે શિક્ષક તેને મારે છે, પરંતુ પરિવારને શરૂઆતમાં તેની વાત પર વિશ્વાસ આવ્યો નહોતો.
આચાર્યના જવાબથી પરિવારમાં વધુ રોષ
ઘટનાની જાણ થતાં જ પરિવાર શાળાએ પહોંચ્યો અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી. પરિવારનો આક્ષેપ છે કે આચાર્યએ તરત કોઈ કાર્યવાહી કરવાને બદલે જણાવ્યું કે શાળા સમય પૂર્ણ થઈ ગયો છે, તમામ શિક્ષકો ઘરે જઈ ચૂક્યા છે અને મુખ્ય શિક્ષક પણ રજા પર છે. પરિવારને બીજા દિવસે આવવા જણાવાતા વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો.
બીજા વર્ગમાં જતાં બાળકને માર્યાનો પ્રાથમિક દાવો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાથમિક તપાસ મુજબ, બાળક વારંવાર પોતાના વર્ગમાંથી બહાર નીકળી બીજા વર્ગમાં જતો હતો. મૂળ શિક્ષક તાલીમમાં હોવાથી અન્ય શિક્ષક વર્ગ સંભાળી રહ્યા હતા. બાળકને અનેક વખત પરત લાવ્યા બાદ પણ તે ન માનતાં શિક્ષકે ગુસ્સામાં આવીને સોટીથી માર માર્યો હોવાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
તપાસ સમિતિની રચના, કડક કાર્યવાહીનો ભરોસો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ સમગ્ર ઘટનાને ગંભીર ગણાવી તપાસ સમિતિની રચના કરી છે. તેમણે જણાવ્યું કે શાળામાં કોઈપણ વિદ્યાર્થી સાથે શારીરિક સજા અથવા હિંસાત્મક વર્તન સહન કરવામાં આવશે નહીં. તપાસ અહેવાલ મળ્યા બાદ દોષિત શિક્ષક સામે નિયમ મુજબ શિક્ષાત્મક તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ન્યાયની માંગ સાથે પરિવારનો આક્રોશ
પીડિત પરિવારે માંગ કરી છે કે બાળક સાથે થયેલા અત્યાચાર માટે જવાબદાર શિક્ષક સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ અન્ય બાળક સાથે આવી ઘટના ન બને. ઘટનાએ શિક્ષણ વ્યવસ્થામાં બાળકોની સુરક્ષા અને શિક્ષકોના વર્તન અંગે ફરી ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો: લગ્નની ના પાડતા યુવતીને બદનામ કરવાનો પ્રયાસ, ઇન્સ્ટાગ્રામ પર ખાનગી તસવીરો વાયરલ












