ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

ભારતીય રોકાણકારોમાં અમેરિકન શેરોનો ક્રેઝ! Apple, Nvidia અને Amazonના શેર તરફ વળ્યા

US Stock Investment India: ભારતીય શેરબજારમાં નબળા વળતર અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડા વચ્ચે હવે રોકાણકારો અમેરિકન શેરબજાર તરફ વળી રહ્યા છે. ખાસ કરીને Apple, Nvidia, Amazon, Google અને Meta જેવી વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓના શેર ખરીદવામાં ભારતીય રોકાણકારોનો રસ ઝડપથી વધી રહ્યો છે. આ વધતી માંગને ધ્યાનમાં રાખીને Groww અને Zerodha જેવા મોટા ભારતીય ઓનલાઇન બ્રોકરેજ પ્લેટફોર્મ અમેરિકન શેરબજારમાં રોકાણની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યા છે. હવે સામાન્ય ભારતીય રોકાણકારો માટે પણ વિદેશી કંપનીઓના શેર ખરીદવાનું વધુ સરળ બની રહ્યું છે.

Growwએ અમેરિકન શેરોમાં રોકાણની સુવિધા શરૂ કરી

ભારતના અગ્રણી ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ Growwએ ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં અમેરિકન શેરબજારમાં રોકાણ કરવાની સુવિધા શરૂ કરી છે. કંપનીના સહસ્થાપક અને ચીફ ઓપરેટિંગ ઓફિસર હર્ષ જૈને જણાવ્યું હતું કે Groww દ્વારા રોકાણકારોને અમેરિકાના 10,000થી વધુ શેરો અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF)માં રોકાણ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. આ સુવિધાની ખાસ વાત એ છે કે રોકાણકારો ફ્રેક્શનલ શેર પણ ખરીદી શકે છે. એટલે કે કોઈ મોંઘા શેરનો સંપૂર્ણ હિસ્સો ખરીદવાને બદલે તેનો નાનો ભાગ પણ ખરીદી શકાય છે. અહેવાલ મુજબ ભારતમાં વિવિધ સ્ટોક બ્રોકરેજ પ્લેટફોર્મ પર લગભગ 4.6 કરોડ સક્રિય રોકાણકારો છે.

Zerodha પણ અમેરિકન શેરબજારમાં રોકાણની સુવિધા શરૂ કરશે

Groww બાદ દેશના બીજા મોટા બ્રોકરેજ પ્લેટફોર્મ Zerodhaએ પણ અમેરિકન શેરોમાં રોકાણની સુવિધા શરૂ કરવાની તૈયારીઓ તેજ કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે હાલમાં અમેરિકન શેરબજારમાં રોકાણની સુવિધાનું બીટા ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આગામી કેટલાક અઠવાડિયામાં તેને વ્યાપક સ્તરે શરૂ કરવાની યોજના છે. બીજી તરફ આશરે 67 લાખ સક્રિય રિટેલ ગ્રાહકો ધરાવતી Angel One પણ અમેરિકન શેરબજારમાં રોકાણની સુવિધા શરૂ કરવાની યોજના બનાવી રહી હોવાના અહેવાલ છે.

Apple, Nvidia અને Amazonના શેરની સૌથી વધુ માંગ

ભારતીય રોકાણકારોમાં અમેરિકાની મોટી ટેક્નોલોજી કંપનીઓના શેરને લઈને ખાસ આકર્ષણ જોવા મળી રહ્યું છે. Growwના પ્રારંભિક યુઝર્સમાં એનવીડિયા, એપલ, આલ્ફાબેટ, એમેઝોન, માઈક્રોન અને મેટા જેવી કંપનીઓના શેર લોકપ્રિય બન્યા છે. સ્પેસેક્સમાં પણ રોકાણને લઈને પણ રસ જોવા મળ્યો છે, જોકે તે જાહેર શેરબજારમાં લિસ્ટેડ શેર નથી અને તેમાં રોકાણની ઉપલબ્ધતા અલગ નિયમો અને વ્યવસ્થાઓ પર આધારિત છે. અમેરિકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રની કંપનીઓના વિકાસને કારણે ભારતીય રોકાણકારો આ ક્ષેત્રમાં વધુ રસ દાખવી રહ્યા છે.

ભારતીય શેરબજારમાં ઘટાડો, અમેરિકન બજારમાં તેજી

ભારતીય રોકાણકારો અમેરિકન શેરબજાર તરફ વળી રહ્યા છે તેની પાછળનું એક મહત્ત્વનું કારણ બંને દેશોના શેરબજારના પ્રદર્શનમાં જોવા મળેલો તફાવત છે. 2026ની શરૂઆતથી ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી 50માં લગભગ 13 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેની સામે અમેરિકાના S&P 500 ઇન્ડેક્સમાં 12 ટકાથી વધુનો વધારો થયો છે. ભારતીય બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી પણ વધી છે. NSDLના આંકડાના આધારે અહેવાલમાં જણાવાયું છે કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટી બજારમાંથી લગભગ 32.5 અબજ ડોલર પાછા ખેંચ્યા છે.

અમેરિકન શેરોમાં ભારતીયોનું રોકાણ બમણાથી વધુ વધ્યું

ભારતીય રિઝર્વ બેન્કના આંકડાના આધારે જણાવાયું છે કે ઓગસ્ટ 2026માં ભારતીય નાગરિકોએ વિદેશમાં ઇક્વિટી અને ડેટમાં રોકાણ કરવા માટે 321 મિલિયન ડોલરથી વધુ રકમ મોકલી હતી. આ રકમ પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 111 ટકા વધુ છે. માર્ચ 2026માં પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ દરમિયાન ભારતીયોએ વિદેશી શેરો અને ડેટમાં રોકાણ માટે લગભગ 2.6 અબજ ડોલર મોકલ્યા હતા. અહેવાલ મુજબ વિદેશમાં મોકલવામાં આવતી કુલ રકમમાં રોકાણનો હિસ્સો વધીને લગભગ 11.7 ટકા થયો છે, જે એક વર્ષ અગાઉ 5.8 ટકા હતો. આ આંકડા દર્શાવે છે કે ભારતીયો હવે વિદેશમાં માત્ર પ્રવાસ, શિક્ષણ કે અન્ય ખર્ચ માટે જ નહીં, પરંતુ રોકાણ માટે પણ મોટી રકમ મોકલી રહ્યા છે.

ભારતીય રોકાણકારો અમેરિકન શેરબજાર તરફ કેમ વળી રહ્યા છે?

Zerodhaના કોર્પોરેટ ડેવલપમેન્ટ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ સોમનાથ મુખર્જીના જણાવ્યા મુજબ ભારતીય રોકાણકારોમાં વૈશ્વિક કંપનીઓમાં રોકાણ કરવાની માંગ પહેલેથી જ હતી. ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી નબળા વળતર, ભારતમાં મોટી લિસ્ટેડ AI કંપનીઓનો અભાવ અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે અમેરિકન બજારમાં રસ વધ્યો છે. રૂપિયો નબળો પડતો હોય ત્યારે કેટલાક રોકાણકારો પોતાની સંપત્તિનો એક ભાગ ડોલર આધારિત રોકાણમાં રાખવા માગે છે. જોકે, વિદેશી ચલણમાં રોકાણ કરવાથી વિનિમય દરનું જોખમ પણ રહે છે.

આ પણ વાંચોઃ Maxxing બન્યો 2026નો Word of the Year, જાણો શું છે તેનો અર્થ અને કેમ છે સોશિયલ મીડિયા પર ચર્ચા?
Back to top button