ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

સ્પેનમાં બે હાઈસ્પીડ ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર, 46 લોકોનાં મોત, અનેક મુસાફરો ઘાયલ

Spain High-Speed Train Accident 2026: સ્પેનમાં બુધવાર, 28 ઓક્ટોબર 2026ના રોજ એક ભયાનક રેલવે અકસ્માત સર્જાયો છે. રાજધાની મેડ્રિડ અને દક્ષિણના અંદાલુસિયા પ્રદેશને જોડતા રેલવે રૂટ પર બે હાઈસ્પીડ ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 46 લોકોનાં મોત થયાં હોવાની માહિતી સામે આવી છે. જોકે અન્ય પ્રારંભિક અહેવાલોમાં મૃત્યુઆંક ઓછો દર્શાવવામાં આવ્યો હોવાથી અંતિમ સત્તાવાર આંકડાની પુષ્ટિ બાકી છે. અકસ્માતમાં અનેક મુસાફરો ઘાયલ થયા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

ટોલેડો પ્રાંતમાં સર્જાયો ભયાનક રેલવે અકસ્માત

સ્પેનના ટોલેડો પ્રાંતમાં આવેલા ઉર્દા નજીક બુધવારે સવારે બે હાઈસ્પીડ ટ્રેનો અથડાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ મેડ્રિડથી સેવિલ તરફ જતી રેન્ફે (Renfe)ની AVE ટ્રેન અને ઇર્યો (Iryo) કંપનીની ટ્રેન અકસ્માતનો ભોગ બની હતી. અહેવાલો અનુસાર એક ટ્રેને બીજી ટ્રેનના પાછળના ભાગમાં ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બે ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. કેટલાક ડબ્બા ઢોળાવ તરફ ખસી જતાં મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.

543 મુસાફરો સવાર હોવાના અહેવાલ

અકસ્માતનો ભોગ બનેલી Iryo ટ્રેનમાં 146 મુસાફરો અને Renfe ટ્રેનમાં 397 મુસાફરો સવાર હતા. આમ બંને ટ્રેનોમાં કુલ 543 મુસાફરો હોવાની માહિતી સામે આવી છે. ટક્કર બાદ અનેક ડબ્બાઓને ભારે નુકસાન થયું હતું. કેટલાક મુસાફરો ડબ્બામાં ફસાઈ ગયા હોવાની માહિતી મળતાં ઇમરજન્સી સેવાઓને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.અકસ્માતની જાણ થતાં ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને અન્ય બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે મેડિકલ ટીમો તહેનાત કરવામાં આવી હતી. નજીકના ઉર્દા શહેરના મેયર મેન્યુઅલ ગાલાને જણાવ્યું હતું કે ઇમરજન્સી સેવાઓ દ્વારા ઘાયલ મુસાફરોની મદદ માટે સ્થાનિક સ્પોર્ટ્સ હોલ તૈયાર રાખવા સૂચના આપવામાં આવી હતી. કેસ્ટિલા-લા મંચા પ્રાદેશિક સરકારે પણ અકસ્માતને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી રિસ્પોન્સ પ્લાન સક્રિય કર્યો હતો.

મેડ્રિડ-અંદાલુસિયા રેલવે સેવા સ્થગિત

આ અકસ્માત બાદ સ્પેનના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓપરેટર ADIF દ્વારા મેડ્રિડ અને અંદાલુસિયા વચ્ચેની હાઈસ્પીડ રેલવે સેવા સ્થગિત કરવામાં આવી છે. મેડ્રિડ, સિઉદાદ રિયલ અને અંદાલુસિયા વચ્ચે રેલવે સેવાઓને અસર થઈ છે. અધિકારીઓ દ્વારા અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. આ એક રિયર-એન્ડ કોલિઝન એટલે કે એક ટ્રેન બીજી ટ્રેનના પાછળના ભાગમાં અથડાવાની ઘટના હતી. જોકે આવી ટક્કર કયા સંજોગોમાં થઈ તેની તપાસ ચાલી રહી છે.

વડાપ્રધાન પેડ્રો સાંચેઝે દુઃખ વ્યક્ત કર્યું

સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે આ અકસ્માત અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ પરિવહન મંત્રી અને કેસ્ટિલા-લા મંચા પ્રદેશના પ્રમુખ સાથે સતત સંપર્કમાં છે. અકસ્મતગ્રસ્ત મુસાફરોને મદદ કરવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ સરકારી વિભાગો સંકલન સાથે કામગીરી કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. દુર્ઘટનાને પગલે કેટલીક રાજકીય પાર્ટીઓએ પોતાના નિર્ધારિત કાર્યક્રમો પણ રદ કર્યા હતા.

જાન્યુઆરીમાં પણ સર્જાયો હતો મોટો રેલવે અકસ્માત

સ્પેનમાં ચાલુ વર્ષ દરમિયાન હાઈસ્પીડ રેલવે સાથે સંકળાયેલી આ બીજી મોટી દુર્ઘટના છે. જાન્યુઆરી 2026માં દક્ષિણ સ્પેનના આદામુઝ વિસ્તારમાં બે ટ્રેનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં આશરે 45થી 46 લોકોનાં મોત થયાં હતાં. હવે ઓક્ટોબરમાં ફરી એક વખત ગંભીર રેલવે અકસ્માત સર્જાતાં સ્પેનની હાઈસ્પીડ રેલવે વ્યવસ્થાની સુરક્ષા અંગે ચર્ચા શરૂ થઈ છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. રેલવે અધિકારીઓ દ્વારા ટ્રેનોની ગતિ, સિગ્નલિંગ વ્યવસ્થા અને અકસ્માત પહેલાંની પરિસ્થિતિ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ કેન્દ્રના કર્મચારીઓને મોટી ભેટ : મોઘવારી ભથ્થામાં 3%નો કરાયો વધારો
Back to top button