સુરતમાં ડીસીપી રાજદીપસિંહ નકુમની મુશ્કેલીઓ વધી: હાઈકોર્ટે લીધી સુઓમોટો નોંધ

Surat Custody Torture Controversy: સુરતમાં હત્યાના પ્રયાસના કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓને 13 જુલાઈના રોજ જાહેર રસ્તા પર ફેરવીને ઢોર માર મારનારા ડીસીપી (DCP) રાજદીપસિંહ નકુમ સામે કાનૂની સકંજો કસાયો છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ થવાના કારણે જાણીતા વકીલ ઉત્કર્ષ દવે દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સુઓમોટો (Suo Motu) દાખલ કરવા માટે અરજી કરાઈ હતી, જેનો સ્વીકાર કરીને હાઈકોર્ટે આ ગંભીર મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે. નાસીરનગર ડિમોલિશન વખતે પણ તેમની હાજરી વિવાદમાં રહી હતી.
ચાર્જ સંભાળતાની સાથે જ મનમાની
સલાબતપુરા વિસ્તારમાં બનેલા હત્યાના પ્રયાસના કેસની તપાસ એસટી/એસસી (ST/SC) સેલના એસીપી (ACP) કરી રહ્યા હતા. તે સમયે ઝોનના મૂળ ડીસીપી અમદાવાદ રથયાત્રાના બંદોબસ્તમાં હોવાથી તે ચાર્જ રાજદીપસિંહ નકુમને સોંપાયો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે સ્થળ પર એસોજી (SOG) ની ટીમને બોલાવી લીધી હતી અને વીડિયો ફૂટેજ મુજબ આ ટીમ પણ આરોપીઓને જાહેરમાં મારપીટ કરતી નજરે પડી હતી.
આરોપીઓના વાળ પકડીને લાફા અને લાકડીઓથી બેરહેમીપૂર્વક માર
આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને રસ્તા પર થોડે-થોડે અંતરે તેમને ઊભા રાખીને વાળ પકડીને લાફા અને લાકડીઓ ફટકારવામાં આવી હતી. આ અમાનવીય સરઘસ દરમિયાન ડીસીપી દ્વારા પોતે જ આરોપીઓ પર 25 થી વધુ લાકડીના ઘા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેનાથી પોલીસ તંત્રની છબી ખરડાઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
હાઈકોર્ટનું કડક વલણ
ગત 15 જુલાઈના રોજ વકીલ ઉત્કર્ષ દવેએ ચીફ જસ્ટિસને પત્ર લખીને સુઓમોટો લેવાની માંગ કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે આ કૃત્ય ભારતીય બંધારણની કલમ 14 અને કલમ 21 નું ખુલ્લું ઉલ્લંઘન છે. કાયદા મુજબ કોઈપણ અધિકારીને ટ્રાયલ પૂરી થયા વગર સજા આપવાનો કે જાહેરમાં અપમાન કરવાનો કોઈ અધિકાર નથી.
DCP સાથે રહેલા સ્ટાફ સામે પણ ખાતાકીય સંકટ
આઈએપીએસ (IPS) અધિકારી રાજદીપસિંહ નકુમ દ્વારા નિયમોની અવગણના કરવાને કારણે માત્ર ડીસીપી જ નહીં, પરંતુ તેમની સાથે રહીને અત્યાચાર કરનાર નીચલા સ્તરના તમામ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પણ શિસ્તભંગની અને ફોજદારી કાર્યવાહી થવાની પૂરેપૂરી શક્યતા છે.
DGP ના પરિપત્ર અને ખેડા કેસના ચુકાદાનો ઉલાળિયો
ગુજરાતમાં કસ્ટોડિયલ વાયલન્સ રોકવા માટે તત્કાલીન ઈન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવા પર પ્રતિબંધનો પરિપત્ર જારી કરાયો હતો. ઉપરાંત, ‘ખેડા ફ્લોગિંગ કેસ’ અને ‘ડી.કે. બાસુ કેસ’ ની ઐતિહાસિક ગાઈડલાઈન્સની પણ અહીં ઘોર અવગણના કરાઈ છે.
આ પણ વાંચો: ડ્રગ્સ સામે સરકારની કડક કાર્યવાહી, 34 જિલ્લામાં ખુલશે 15 બેડના ડી-એડિક્શન સેન્ટર












