VIDEO : સુરતમાં છેડતીનો મામલો, આરોપીના રિકન્સ્ટ્રક્શન સમયે જાહેરમાં ફટકાર્યો

Surat News: સુરતના અલથાણ વિસ્તારમાં ગતરાત્રિના સવા આઠ વાગ્યાની આસપાસ પાટીદાર સમાજની 12 વર્ષની દીકરી એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી, ત્યારે 35થી 40 વર્ષના મહંમદ અઝીઝ નામના યુવકે તેની છેડતી કરી હતી. આ ઘટનાને લઈ મોડી રાત્રે ભારે હંગામો જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસને બોલાવતા પહેલા જ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
લોકોએ આરોપીને માર માર્યો
આજે પોલીસ આરોપી મહંમદ અઝીઝને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લાવતા પહેલાં જ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. સ્થળ પર કેટલાક લોકોએ ભાજપના સમર્થનમાં નારા લગાવતાં પાટીદાર આગેવાનોમાં અસંતોષ ફેલાયો હતો. પાટીદારોએ “જય સરદાર”ના નારા સાથે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે અહીં કોઈ રાજકીય પક્ષનો પ્રશ્ન નથી, પરંતુ આ સમગ્ર મામલો પાટીદાર સમાજનો છે અને અહીં રાજકીય રંગ ન આપવો જોઈએ.
જ્યારે આરોપીનું રિકન્સ્ટ્રક્શન શરૂ થયું, ત્યારે વાતાવરણ વધુ તંગ બની ગયું હતું. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને પોલીસ તેમજ ભાજપ વિરુદ્ધ નારાબાજી શરૂ કરી. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા કેટલાક લોકોએ આરોપી પર પથ્થરમારો કર્યો અને ચપ્પલ પણ ફેંકી. ઘટનાસ્થળે સ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ કે પોલીસ દ્વારા પણ આરોપી સાથે કડક વર્તન કરવામાં આવ્યું. ક્રાઈમ બ્રાન્ચના એસીપી કિરણ મોદી, પીઆઈ એચ. ગઢવી અને એસઓજીના પીઆઈ અતુલ સોનારાએ જાહેરમાં આરોપીને માર માર્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.
શું હતી ઘટના?
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક સગીરાની છેડતીની ઘટનાએ સ્થાનિક સ્તરે ભારે તણાવ સર્જ્યો છે. ગઈકાલે (24 એપ્રિલ 2026) આશરે સવા આઠ વાગ્યાના સમયે 12 વર્ષની પાટીદાર સમાજની દીકરી ટ્યુશન પરથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે એક વ્યક્તિએ તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનો આરોપ છે. સગીરાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો તરત જ સ્થળે પહોંચી ગયા અને આરોપીને પકડી લીધો.
આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ પોલીસ પહોંચે તે પહેલાં જ આરોપીને માર માર્યો હતો. બાદમાં 112 ઇમર્જન્સી ટીમ પહોંચી ત્યારે પણ પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી અને ભીડે આરોપીને ફરીથી ઘેરીને હિંસક પ્રતિક્રિયા આપી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો
ઘટના બાદ રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો અલથાણ પોલીસ સ્ટેશન બહાર એકત્રિત થયા હતા, જેના કારણે માહોલ વધુ તંગ બન્યો હતો. પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોને ઈજા પણ પહોંચી હતી, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આજે પોલીસ દ્વારા આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે પહેલાં જ મોટી સંખ્યામાં લોકો ફરી એકઠા થયા હતા. સ્થળ પર કેટલાક રાજકીય નારા લાગતા લોકો વચ્ચે મતભેદ પણ જોવા મળ્યો હતો. પાટીદાર સમાજના આગેવાનો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે આ મુદ્દાને રાજકારણથી દૂર રાખવો જોઈએ અને તમામ લોકો એકતા જાળવે. પોલીસે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: BRSમાંથી સસ્પેન્ડ થયા બાદ કે. કવિતાએ પોતાની અલગ પાર્ટી કરી લોન્ચ, જાણો શું છે નામ?












