ગુજરાતટ્રેન્ડિંગ

સુરતમાં ભાજપ નેતાઓએ શિસ્તના ધજાગરા ઉડાડ્યા! MLAની ઑફિસમાં ટીપી કમિટી ચેરમેન અને કોર્પોરેટરના પતિ વચ્ચે ઝપાઝપી

Surat BJP internal fight MLA office clash: સુરત ભાજપમાં ચાલતો આંતરિક વિખવાદ હવે જાહેરમાં છતો થયો છે. સુરત ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિ બલારની ઑફિસમાં યોજાયેલી એક બેઠક દરમિયાન ટાઉન પ્લાનિંગ (TP) કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી અને મારામારીની ઘટના સામે આવી છે.

મનહર વોરાએ મારપીટ અને ઈજા પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે મહેન્દ્ર દેસાઈએ માત્ર બોલાચાલી થઈ હોવાનું કહી આરોપો નકાર્યા છે. ભાજપના જ નેતાઓ એકબીજા સામે ગંભીર આક્ષેપો કરી રહ્યા હોવાથી પક્ષની શિસ્ત અને વિશ્વસનીયતા સામે મોટા સવાલો ઊભા થયા છે.

ધારાસભ્યની ઑફિસમાં શું ઘટી ઘટના?

સોમવારે ધારાસભ્ય કાંતિ બલારની કાર્યાલયમાં યોજાયેલી બેઠક દરમિયાન વાતાવરણ એકાએક ગરમાયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, ટીપી કમિટીના ચેરમેન અને મહિલા કોર્પોરેટરના પતિ વચ્ચે ડિમોલિશનના મુદ્દે તીખી બહેસ થઈ હતી. વાત વધતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હોવાનું કહેવાય છે.

મહિલા કોર્પોરેટર અને તેમના પતિનો દાવો છે કે તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી, જેના કારણે તેમને ઈજા પહોંચી હતી. બીજી તરફ, ટીપી કમિટીના ચેરમેન અને ધારાસભ્યએ મારપીટના દાવાને નકારી માત્ર ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હોવાનું સ્વીકાર્યું છે.

ડિમોલિશન મુદ્દે પાટીદારોને ટાર્ગેટ કરવાનો ગંભીર આક્ષેપ

આ ઘટના બાદ મહિલા કોર્પોરેટરના પતિ મનહર વોરાએ ટીપી ચેરમેન સામે ભ્રષ્ટાચાર અને ગેરકાયદે બાંધકામોના મુદ્દે ભેદભાવ કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે. તેમણે દાવો કર્યો હતો કે વરાછા અને કતારગામ વિસ્તારમાં સૌરાષ્ટ્રવાસી તથા પાટીદાર સમાજના ઉદ્યોગકારોને ટાર્ગેટ બનાવીને તેમની મિલકતો સામે ડિમોલિશનની કાર્યવાહી કરાવવામાં આવી રહી છે.

તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે પાલિકાની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપનારા લોકોના બાંધકામ સામે જ અરજીઓ કરાવીને કાર્યવાહી કરાવાઈ રહી છે. ભાજપના જ નેતા દ્વારા આવા આક્ષેપો કરાતાં સ્થાનિક રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.

ખાનગી હોસ્પિટલમાં સારવાર અને નેતૃત્વ સામે સવાલો

સમગ્ર મામલે સૌથી વધુ ચર્ચા સારવારના મુદ્દે થઈ રહી છે. જો ખરેખર ગંભીર મારપીટ કે ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી, તો મેડિકલ-લીગલ પ્રક્રિયા માટે સિવિલ હોસ્પિટલ જવાના બદલે ખાનગી હોસ્પિટલમાં સારવાર કેમ લેવામાં આવી? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

બીજી તરફ, શહેર ભાજપ પ્રમુખ હાલ વિદેશ પ્રવાસે હોવાથી આ વિવાદને થાળે પાડવા અને સત્ય સામે લાવવાની જવાબદારી કોણ લેશે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. હાલ પક્ષનું નેતૃત્વ આ મામલે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.

આ પણ વાંચોઃ નોઈડામાં લોકસભા સચિવાલયના નિદેશકે લગાવી ફાંસી, તપાસમાં લાગી પોલીસ

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસ ભરતી પરીક્ષાની તારીખ જાહેર, 23 ઓગસ્ટના લેવાશે લેખિત એક્ઝામ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button